કોરોના વાયરસનો એક જ ઉપાય લોકો ઘરમાં રહે, ભયમાં ન રહે અને સાવચેત રહે: શિક્ષણ મંત્રી ચુડાસમા
કોરોના વાયરસનો એક કેસ પોઝીટીવ નોંધાયા બાદ રાજ્યની શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો હાલ એક જ ઉપાય છે. લોકો ઘરમાં રહે, ભયમાં ન રહે, સાવચેત રહે. પત્રકાર પરિષદ સંબોધી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના વાયરસને લઈ માહિતી આપી હતી. કોરોનાને લઈ વિદેશથી રાજકોટ જિલ્લામાં આવેલા ૧૬૬૦ લોકો ઉપર સરકારનું માર્કર રહેશે અને તમામનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દેશને વિનંતી કરી હતી કે, આવતીકાલે તમામ લોકો સ્વયંભૂ જનતા કફર્યુમાં જોડાય અને ઘરમાં જ રહે, ભયમાં ન રહે અને સાવચેત રહે, ગભરાવવાની કોઈ જરૂર નથી, તમામ પ્રજા અને તંત્ર ભેગા રહીને કોરોના સામે લડશું તો ચોક્કસરૂપે બચી જશું.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, વિદેશથી ભારતમાં આવેલા કુલ ૨૭૦૦૦નું ફાઈનલ લીસ્ટ ગુજરાત સરકારે મેળવી લીધુ છે. અત્યાર સુધી એરપોર્ટ પરથી મળતા લીસ્ટમાં ગેપ હતો પરંતુ હવે ફાઈનલ લીસ્ટ ભારત સરકારની મદદથી મેળવી જે તે જિલ્લાના કલેકટરોને ફાળવી દીધું છે. જેમાં રાજકોટ જિલ્લામાં વિદેશી આવેલા ૧૬૬૦ લોકો નોંધાયા છે. આ તમામ રાજકોટ શહેર અને જુદા જુદા ગ્રામ્ય પંથકના છે. આ તમામનું આજથી ચેકિંગ કરવા પરિવારની તબીયત કેવી છે તે કોના સંપર્કમાં છે તે માટે ટીમો ઉતારાઈ ગઈ છે. આજથી જ બધાને ચેક કરી જરૂર મુજબની કાર્યવાહી થશે.
જો કોઈને શંકાસ્પદ લક્ષણ દેખાશે તો આઈસોલેટ કરવામાં આવશે અને જો કાંઈ નહીં હોય તો તેમને તેના ઘરમાં જ કોરોન્ટાઈન કરી દેવાની સુચના આપી દેવાઈ છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આવતીકાલે સ્વયંભૂ કફર્યુ લોકો પાડે અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે અને ખાસ તો સરકાર પાસે હાલ અન્નનો પુરતો જથ્થો છે. જેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોના વાયરસને ગંભીરતાપૂર્વક લે અને સમયસર ઉચીત પગલાભર્યા છે. આવડા મોટા દેશમાં સરકારના ઉચીત પગલાને કારણે કોરોના વાયરસની અસર બીજા દેશ કરતા પ્રમાણમાં ઓછી થઈ છે. વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રીની આગમચેતીના પગલારૂપે ગુજરાતની તમામ શાળા-કોલેજ, રિસોર્ટ, સ્વિમીંગ પુલ, કોમ્યુનિટી હોલો સહિતના તમામ સ્થળો સમયસર બંધ કરાવી ગંભીરતા દાખવી છે. રાજકોટના તંત્રને અભિનંદન આપતા ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, રાજકોટમાં એક પોઝીટીવ કેસ જ્યારે ધ્યાનમાં આવ્યો ત્યારબાદ તુરંત જ તેના પરિવારજનોના પણ રિપોર્ટ લેવામાં આવ્યા હતા તે નેગેટીવ આવ્યા હતા અને તંત્રને કામગીરીની સફળતા મળી હતી. કોરોનાના કેસ એકના બે ન થાય તે માટે મુખ્યમંત્રીએ ગઈકાલે વિધાનસભા પૂરી થયા બાદ તમામ જિલ્લાના પ્રભારીઓને સાથે રાખી તંત્ર સાથે મીટીંગ કરવાની સુચના આપી હતી. જિલ્લા તંત્ર દ્વારા જે પણ કાંઈ પગલા લેવાય રહ્યાં છે તેમાં પ્રજા પુરેપુરો સહકાર આપે. આજની પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટના ચારેય ધારાસભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉત્તરવહી કેસની પોલીસ તપાસ ચાલુ: ચુડાસમા
રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે કોરોના વાયરસ અને ઉત્તરવહી પ્રકરણ મુદ્દે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઉત્તરવહીના મામલાની હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. જે કોઈ આમાં જવાબદાર છે તેને છોડીશું નહીં અને તેમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે. હજુ પણ અમુક ઉત્તરવહીઓ ગાયબ છે તો તેવા વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ અને સરેરાશ માર્ક મુકી દેશું. ઉત્તરવહીના પ્રકરણ માટે ખાસ પોલીસ તપાસ ચાલુ છે અને સકય હોય તેટલી ઝડપે આ તપાસ થાય તેવા આદેશ આપી દેવામાં આવ્યા છે.