પાંચ ચેક પરત ફરતા નીચેની કોર્ટે કરેલી સજાના હુકમને સેશન્સ કોર્ટે કાયમ રાખી ‘તી: હાઈકોર્ટે વેપારીને આપી રાહત
શહેરમાં રહેતા કાંતીભાઈ ધનજીભાઈ કારીઆએ પરાબજાર વિસ્તારમાં એચ.આર. એન્ટરપ્રાઈઝ નામની મેઢી ધરાવતા વેપારી મનીષભાઈ રમણીકભાઈ મીરાણીની સામે રૂ.૧૪ લાખના ચેક પરત અંગે જુદા જુદા પાંચ કેસો કરેલા. જેમાં બંને પક્ષોના પુરાવા ધ્યાનમાં લઈ મનીષભાઈ રમણીકભાઈ મીરાણીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ગુન્હો કરેલ હોવાનું માની જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એમ.ડી.બ્રહમભટ્ટે મનીષભાઈ મીરાણીને તકસીરવાન ઠરાવી અને દરેક કેસમાં બે-બે વર્ષ તેમ કુલ પાંચ કેસમાં દસ વર્ષની સજા કરવામાં આવેલી અને ચેકની રકમ રૂ.૧૪ લાખ વળતર તરીકે બે માસમાં ચુકવી આપવા હુકમ કરેલો અને સમય મર્યાદામાં વળતરની રકમ ન ચુકવવામાં આવે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલો.
જે હુકમ સાથે મનીષભાઈ મીરાણીએ સેશન્સ કોર્ટમાં ફોજદારી અપીલ દાખલ કરેલી. જે કેસ ચાલી જતા ઉપરોકત પાંચેય કેસમાં થયેલી સજા કાયમ રાખેલી હોય અને આરોપીની અપીલ નામંજુર કરી સેશન્સ કોર્ટના જજ પી.પી.પુરોહિત આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લઈ અને જેલ હવાલે કરેલો જયાં આરોપી ૧૫ દિવસ જેટલા સમય માટે જેલમાં રહેલા બાદ હાઈકોર્ટમાં અપીલ કરેલી જેમાં હાઈકોર્ટે આરોપીને શરતી જામીન ઉપર મુકત કરતો હુકમ કર્યો છે. આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન મેળવતા પહેલા ૨.૮૦ લાખ જયારે હાઈકોર્ટ દ્વારા ૪.૨૦ લાખ જમા કરાવવામાં આવેલ છે. મનીષભાઈ મીરાણી જેલમાંથી જામીન ઉપર છુટેલ છે. બંને કોર્ટોમાં ફરિયાદી કાંતીભાઈ કારીયા તરફે એડવોકેટ પ્રવિણભાઈ કોટેચા, પૂર્વેશભાઈ કોટેચા, રવિ સેજપાલ, હરેશ મકવાણા, રજની કુકડીયા, દિવ્યેશ રુડકીયા, અજયસિંહ ચુડાસમા, નિલય પાઠક, ચિંતન ભાલાણી રોકાયેલા હતા. ગુજરાત હાઈકોર્ટમાં મુળ ફરિયાદી તરફે મૃગેનભાઈ પુરોહિત એડવોકેટ તરીકે રોકાયેલા છે.