- ટ્રસ્ટીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
- ભાડા ચિઠ્ઠી પેટે લીધેલી દુકાનમાં ટ્રસ્ટને જાણ કર્યા વિના જ બાંધકામ શરૂ કરી દેવાતા ભારે હોબાળો
રાજકોટ શહેરમાં મિલ્કતના પ્રશ્નો છાસવારે સામે આવતા હોય છે ત્યારે વધુ એક મિલ્કત વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ અત્યંત પ્રસિદ્ધ રવિ પ્રકાશન અને દશા સોરઠીયા વણિક બોર્ડિંગ ટ્રસ્ટ વચ્ચે વકર્યો છે. ટ્રસ્ટની માલિકીની જગ્યામાં રવિ પ્રકાશનના સંચાલાકે ગેરકાયદે બાંધકામ શરૂ કરતા ટ્રસ્ટીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સમગ્ર વિવાદની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના હાર્દસમાન યાજ્ઞિક રોડ પર આવેલ દશા સોરઠીયા વણિક બોર્ડિંગ આવેલું છે. જે બોર્ડિંગ અમરચંદ માધવજી શેઠ ટ્રસ્ટની માલિકીનું છે. આ આખેઆખી ઇમારતની માલિકી પણ અમરચંદ માધવજી શેઠ ટ્રસ્ટની જ છે. હવે આજથી અંદાજિત 35 વર્ષ પૂર્વે જયેશભાઇ ખખ્ખરે ટ્રસ્ટ પાસેથી ભાડા ચિઠ્ઠી પર દુકાન મેળવીને ત્યાં રવિ પ્રકાશન નામે પેઢી શરૂ કરી હતી. સમય જતાં રવિ પ્રકાશને ફક્ત રાજકોટ જ નહિ પણ પ્રકાશન ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધિ મેળવી હતી.
હવે થોડા મહિના પૂર્વે જ જયેશભાઇ ખખ્ખરનું નિધન થઇ જતાં તેમના પુત્ર ચિરાગ ખખ્ખરે દુકાન સંભાળી હતી. જે બાદ ચિરાગ ખખ્ખરે ટ્રસ્ટને કોઈ જ જાણ કર્યા વિના કે મંજૂરી લીધા વિના અંદરની બાજુએ બાંધકામ શરૂ કરી દીધું હતું. જે બાબતે અગાઉ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ચિરાગ ખખ્ખર વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું. જે બાદ થોડા દિવસો બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. જે બાદ આજે ફરીવાર બાંધકામ શરૂ કરવામાં આવતા ટ્રસ્ટીઓ સ્થળ પર દોડી ગયાં હતા અને બાંધકામ અટકાવી દેવા રજુઆત કરી હતી પણ બાંધકામ ચાલુ જ રહેશે તેવા શબ્દો ચિરાગ ખખ્ખરે ઉચ્ચારતા ટ્રસ્ટીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.
હાલ આ મામલે દશા સોરઠીયા વણિક બોર્ડિંગના ટ્રસ્ટીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં રવિ પ્રકાશનના સંચાલકે શરૂ કરેલ ગેરકાયદે બાંધકામ અંગે અરજીરૂપી ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત ટ્રસ્ટી મંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પણ રવિ પ્રકાશનના સંચાલક દ્વારા ચાર દુકાનોની દીવાલ તોડી અંદર સીડી સાહિતનું ગેરકાયદે બાંધકામ કરી લેવા અંગે અગાઉ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
શું છે આખો વિવાદ?
રવિ પ્રકાશન જે ઇમારતમાં ધમધમે છે તે ઇમારત અને જમીન દશા સોરઠીયા વણિક બોર્ડિંગની માલિકીનું છે. રવિ પ્રકાશન અમરચંદ માધવજી શેઠ ટ્રસ્ટ પાસેથી ભાડા ચિઠ્ઠી પર લેવાયેલી દુકાનમાં ચાલી રહી છે. જે ભાડા ચિઠ્ઠી જયેશભાઇ ખખ્ખરના નામે કરવામાં આવી હતી. થોડા મહિનાઓ પૂર્વે જયેશભાઇનું નિધન થઇ જતાં પુત્ર ચિરાગ ખખ્ખરે ગેરકાયદે બાંધકામ શરૂ કરી દેતા વિવાદ ઉભો થયો હતો. ટ્રસ્ટી મંડળનું કહેવું છે કે, ભાડા ચિઠ્ઠીમાં વરસાગત હકો અંગે કોઈ જ ઉલ્લેખ નથી તેમ છતાં દુકાન ખાલી કરવી તો ઠીક ચિરાગ ખખ્ખર ટ્રસ્ટને જાણ કર્યા વગર જ ગેરકાયદે બાંધકામ કરી રહ્યો છે.
આખેઆખી જર્જરીત ઇમારત તોડી પાડવા મનપાને કરાશે રજુઆત
મામલામાં અમરચંદ માધવજી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, રવિ પ્રકાશનના સંચાલક દ્વારા જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તે અંગે અગાઉ લેખિત ફરિયાદ મનપાને કરી દેવામાં આવી છે. હાલ આ આખેઆખી ઇમારત ભયગ્રસ્ત અને જર્જરિત હોવાથી અમે આગામી સમયમાં આખી ઇમારતનું ડિમોલીશન કરી નાખવા મહાનગરપાલિકાને રજુઆત કરનાર છે.