18 મોબાઈલ,સ્માર્ટ વોચ,ચાર્જર અને હિસાબની 6.15 લાખની રકમ હજમ કરી જતા પોલીસમાં નોંધાતો ગુનો
ગુજરાતમાં ટેલિકોમ ક્ષેત્રે અગાઉ નામ ધરાવતી પુજારા ટેલિકોમની રાજકોટની હુડકો ચોકડી નજીક આવેલી બ્રાન્ચના મેનેજર મનોજ ચૌહાણએ તેની જ કંપની સાથે રૂ.11.56 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોધતાં ચકચાર મચી જવા પામી છે.જેમાં તેને બ્રાન્ચના 18 મોબાઇલ,સ્માર્ટ વોચ,ચાર્જર મળીને કુલ 5.50 લાખનો મુદ્દામાલ અને બ્રાંન્ચના 6.15 લાખ હિસાબની રોકડ લઇને ફરાર થઈ જતાં પોલીસ તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ પુજારા ટેલીકોમમાં ઝોન સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા મયુર જાદવે ભક્તિનગર પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી પુજારા ટેલીકોમની કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી સામે આવેલ બ્રાન્ચમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે મનોજ નીતીનભાઇ ચૌહાણ છે જેઓ છેલ્લા સાત વર્ષથી પુજારા ટેલીકોમમાં નોકરી કરે છે.
મેનેજર મનોજે કુલ 18 મોબાઇલ તથા 1 હેન્ડ ફ્રી તથા એક એપલનુ ચાર્જર તથા એક સ્માર્ટ વોચ જેની કુલ કી.રૂ આશરે 5.50 લાખ ગણાય તથા બ્રાન્ચના હિસાબની 6.15 જેટલી રકમ જમા નહી કરાવી કુલ રુપીયા 11.65 લાખનો વિશ્વાસધાત કરી છેતરપિંડી કરી રકમ ઓળવી ગયો હતો જે રકમ કંપનીની હોવાથી તેના મનોજ નીતીનભાઇ ચૌહાણ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ નોધાવી છે. જેથી ભક્તિનગર પોલીસે તેમની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.