મહિલા કર્મચારીને કેમેરાની જાણ થતા મામલો પોલીસ મથકે ઇન્ચાર્જ મેનેજર સામે ફરીયાદ
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકના લેડીશ વોશરૂમમાં મહિલા કર્મચારીઓના ફોટા– વિડીયો મેળવવાના બદ–ઇરાદા થી બેન્કના ઇન્ચાર્જ મેનેજર દ્વારા સ્પાઇ કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું કરતુંત સામે આવતાં ભારે હડકંપ મચી ગયો છે. બેંકના જ મહિલા કર્મચારી દ્વારા સમગ્ર મામલાને ઉજાગર કરીને પોલીસ મથકમાં લઈ જવાયા પછી ઇન્ચાર્જ બેંક મેનેજર સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં મહાવીર સર્કલ પાસે આવેલી પંજાબ નેશનલ બેંક કે જેના લેડીઝ વોશરૂમમાં બેંકના જ ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની દ્વારા સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ગત 10 મી ઓગસ્ટના બપોરના આશરે એકાદ વાગ્યાના સમયે બેંકમાં જ ફરજ બજાવતા એક મહિલા કર્મચારી કે જેઓ વોશરૂમનો ઉપયોગ કરવા માટે ગયા હતા, દરમિયાન તેઓને દરવાજાની ઉપરની દિવાલ પર સ્પાઈ કેમેરો લગાવેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
બેંકના મહિલા કર્મચારી અથવા અન્ય કોઈ મહિલાઓ વોશરૂમ નો ઉપયોગ કરે, તે દરમિયાન તેઓના ફોટો– વિડીયો બનાવવાના બધી ઈરાદા થી છુપી રીતે સ્પાઈ કેમેરો લગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
જે અંગે તપાસ કરવામાં આવતાં બેંકના ઇન્ચાર્જ મેનેજર અખીલેશ સૈની દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું બેંકના મહિલા કર્મચારીને ધ્યાનમાં આવ્યું હોવાથી તેઓએ આ પ્રકરણ અંગ બેન્કના ઉચ્ચ અધિકારીઓને જાણકારી હતી, તેમ જ સમગ્ર મામલાને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં બેંકના મહિલા કર્મચારી ની ફરિયાદના આધારે બેંકના ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની કે જે હાલ જામનગરના યમુનાનગર વિસ્તારમાં રહે છે, પરંતુ પોતે મૂળ હરિયાણા રાજ્યનો વતની છે, તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે,
આ ફરિયાદ પછી પંચ બી ડિવિઝન ના પી.એસ.આઇ.એમ.એમ.મોરી અને તેમના સ્ટાફ દ્વારા બેંકમાં પહોંચી જઈ સ્પાઈ કેમેરા વગેરે કબજે કરી લેવાયા છે, અને બેંકના લેડીઝ વોશરૂમના સ્થળનું પંચનામું કરાવ્યું છે. બેંક દ્વારા પણ ઇન્ચાર્જ મેનેજર સામે ખાતાકીય પગલાં ભરવામાં આવ્યા છે. આ બનાવને લઈને બેન્ક વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.