વિદેશી સહેલાણીઓ માટે ટિકિટનો દર રૂ.૪૦૦: ગાંધીનગરની એકસપોઝીશન એન્ડ ક્ધવેન્શન નામની સંસ્થાને સંચાલન સોંપવા ટુંકમાં સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: વર્ષે ૭૦ લાખ રૂપિયા ચુકવાશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ૮ વર્ષ સુધી જયાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફેડ હાઈસ્કુલ ખાતે મહાપાલિકા દ્વારા ૨૬ કરોડ રૂપિયાના ખર્ચે વિશ્ર્વકક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે ઉભી કરવામાં આવતી સેવા કે પ્રોજેકટનું સંચાલન સંભાળવામાં મહાપાલિકા તંત્રએ જાણે નાદારી નોંધાવી હોય તેવું લાગી રહ્યું છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમનું સંચાલન ખાનગી સંસ્થાને ચરણે ધરવા માટે ટુંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવશે.
વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા આલ્ફેડ હાઈસ્કુલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ગત ૩૦મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ મ્યુઝિયમનું સંચાલન સોંપવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરાયા હતા જેમાં ગાંધીનગરની એકસ પોઝીશન એન્ડ ક્ધવેન્શન, આઈટીસી અને કામનાથ સહિત કુલ ૩ સંસ્થાઓએ ભાગ લીધો હતો. એલ-૧ એકસ પોઝીશન એન્ડ ક્ધવેન્શન નામની સંસ્થા છે જે ગાંધીનગર ખાતે દાંડી કુટીરનું સંચાલન સંભાળી રહી છે જેને વાર્ષિક રૂ.૯૦ લાખનું બીડ ભર્યું હતું જેમાંથી ૨૦ લાખ રૂપિયાની આવક તેઓને ફુડ કોર્ટના ભાડા પેટે થશે જયારે ૭૦ લાખ રૂપિયા મહાપાલિકા દ્વારા દર વર્ષે ચુકવવામાં આવશે. આ સંસ્થાએ પાર્કિંગ, સિકયોરીટી, ગાર્ડન, લાયબ્રેરી, સફાઈ, ઈવેન્ટ અને પ્રચાર-પ્રસારની કામગીરી નિભાવવાની રહેશે. મહાત્મા મ્યુઝીયમનું સંચાલન સંસ્થાને સોંપવા માટે ટુંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં સ્થાનિક અને વિદેશી સહેલાણીઓ માટે ટીકીટનો દર એક સમાન છે જેમાં વધારો કરવામાં આવશે. વિદેશી સહેલાણીઓ માટેનો ટીકીટનો દર પ્રતિ વ્યકિત રૂ.૪૦૦ અને જો સાથે કેમેરો લઈ જવા ઈચ્છતા હશે તો વધારાના ૧૦૦ રૂપિયા રાખવામાં આવશે.
જયારે સ્થાનિકો માટે બાળકોનીટીકીટનો દર રૂ.૧૦ અને મોટાની ટીકીટનો દર રૂ.૨૫ છે જે યથાવત રખાશે. આગામી દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ બુધવાર, ગુરુવાર અને શુક્રવારે મ્યુઝીયમ બંધ રાખવામાં આવશે.
સામાન્ય રીતે મેન્ટેનન્સની કામગીરી સબબ દર સોમવારે મ્યુઝીયમ બંધ હોય છે પરંતુ આ વખતે સપ્તાહમાં ત્રણ વખત રજા હોવાના કારણે દિવાળી બાદ આવતા પ્રથમ સોમવારે મ્યુઝીયમ સહેલાણીઓ માટે ખુલ્લુ રખાશે.