બ્રિટિશ પાર્લામેન્ટમાં થયેલાં સન્માન બદલ સરગમ પરિવાર દ્વારા કરાયું અભિવાદન
દ્વારકા દેવસ્થાનમ સમિતિમાં નિમણુંક બદલ મૌલેશ ઉકાણીનું પણ સન્માન
રાજકોટમાં ૧૮ હજાર કરતા પણ વધુ સભ્યસંખ્યા ધરાવતા સરગમ પરિવાર વતી તાજેતરમાં ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન મેળવવા બદલ અને દ્વારકા દેવસ્થાનમ સમિતિમાં નિમણુંક મેળવવા બદલ ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અનેક મહાનુભાવોએ ગુણવંતભાઈ અને મૌલેશભાઇને રાજકોટના રત્ન ગણાવ્યા હતા અને તેમણે શહેરને ગૌરવ અપાવ્યું છે તેમ જણાવ્યું હતું
આ પ્રસંગે બિલ્ડર્સ અરવિંદભાઇ દોમડિયા, સ્મિતભાઈ પટેલ, પુજારા ટેલિકોમના યોગેશભાઈ પુજારા, ઉદ્યોગપતિ સુરેશભાઇ નંદવાણા, નાથાભાઇ કાલરીયા, આર.કે.યુનિવર્સિટીના ખોડીદાસભાઈ પટેલ અને શિવલાલભાઈ રામાણી, જીતુભાઇ ચંદારાણા અને મિતેનભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જયશ્રીબેન રાવલ, ભાવનાબેન માવાણી, ડો.માલાબેન કુંડલીયા, આશાબેન શાહ, ચંદ્રિકાબેન ધામેલીયા, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, ભાવનાબેન ધનેશા અને સુધાબેન ભાયા વગેરે પણ ઉપસ્થિત રહયા હતા .
કાર્યક્રમના પ્રારંભમાં ગુણવંતભાઈ ડેલાવાળાએ બ્રિટિશ પાર્લામેન્ટમાં થયેલાં સન્માન અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, જ્યારે સરગમ ક્લબનું નામ એનાઉન્સ થયું ત્યારે મને થયું કે આ સન્માન ક્લબના ૧૮ હજાર સભ્યોનું થઈ રહ્યું છે. પોતાના સ્વાગત પ્રવચનમાં અરવિંદભાઈ દોમડિયાએ કહ્યું હતું કે, સરગમના પ્રમુખે કાયમ રાજકોટની પ્રતિષ્ઠા વધે એ રીતે કાર્યો કર્યા છે. બ્રિટિશ સરકારે પણ કલબની પ્રવૃત્તિની નોંધ લીધી એ બહુ મોટી બાબત છે .તેમણે કહ્યું હતું કે, ગુણવંતભાઈએ સેવા કાર્યો કરવા માટે ઘર અને પરિવારના સમયનો ભોગ આપ્યો છે. આ પ્રસંગે ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીએ કહ્યું હતું કે, દ્વારકા મંદિર સંચાલન સમિતિમાં મારી નિમણુંક થઈ છે જેનાથી હું ઈશ્વરનું સાંનિધ્ય વધુ સારી રીતે માણી શકીશ.
તેમણે કહ્યું હતું કે, ગુણવંતભાઈનું સન્માન આપણાં સૌનું સન્માન છે. વાસ્તવમાં ગુણવંતભાઈમાંથી ઘણું શિખવાની જરૂર છે. ખરેખર તો રાજકોટમાં ગુણવંતભાઇના નામે મેનેજમેન્ટ એકેડમી શરૂ કરવી જોઈએ. અગ્રણી શિવલાલભાઈ રામાણીએ ગુણવંતભાઈને એક શક્તિશાળી સમાજ સેવક ગણાવ્યા હતા તો મહિલા અગ્રણી આશાબેન ભુછડાએ તેમને સેવાના સારથી ગણાવ્યા હતા.
સરગમ લેડીઝ ક્લબના ચેરપર્સન ડો.ચંદાબેન શાહે પણ ગુણવંતભાઈના મેનેજમેન્ટ પાવરને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે, સરગમની સેવાની સુવાસ દેશ-વિદેશમાં પહોંચી છે. આ કાર્યક્રમમાં સરગમ ક્લબ, કપલ ક્લબ, લેડીઝ ક્લબ, સિનિયર સિટીઝન ક્લબ અને ચિલ્ડ્રન ક્લબ દ્વારા ગુણવંતભાઈ અને મૌલેશભાઈ ઉકાણીનું શાલ અને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કોટક સ્કૂલના પ્રિન્સિપાલ ડો.માલાબેન કુંડલીયાએ કર્યું હતું જ્યારે આભારવિધિ ડો.ચંદાબેન શાહે કરી હતી..