પોરબંદર પાલિકા સભ્યના ઝઘડામાં નવાણીયો વિંધાયો
પોરબંદરમાં નગરપાલિકાના દંપતી સભ્યના ઝઘડામાં કારમાં આવેલા શખ્સે બે રાઉન્ડ ફાયરીંગ કરતા સમાધાનકરવા આવેલા યુવાનના પગમાં ગોળી વાગતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એક શખ્સ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરમાં કડીયા પ્લોટ શેરી નં.૨માં રહેતા અને નગરપાલિકાના સભ્ય દંપતી સોનલબેન ભરતભાઈ ઉર્ફે ભલ્લાભાઈ મૈયારીયા ઉ.૩૩ અને તેમના પતિ ભરતભાઈ ઉર્ફે ભલ્લાભાઈ મૂરૂભાઈ મૈયારીયાને સાતમ આઠમના તહેવાર પર થયેલા ઝઘડાનો ખાર રાખી રાજુ રાણા ઓડેદરા ગત મોડી રાતે સમાધાનકરવા આવ્યો તે દરમિયાન પોતાના પાસે રહેલી પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરતા ઝઘડાનું સમાધાન કરાવવા ઉભેલા પ્રશાંતભાઈ ભરતભાઈ સિસોદીયાને ગોળી વાગતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે નગરપાલિકાના સભ્ય સોનલબેન મૈયારિયાએ કમલાબાગ પોલીસ મથકમાં રાજુ રાણા ઓડેદરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાતમ આઠમ પર રાજુ રાણા ઓડેદરા ફરિયાદીના પતિને જાહેરમાં ગાળો દેતો હોવાનું જાણવા મળતા તેમના પતિ ભરતભાઈ ઉર્ફે ભલ્લાભાઈએ જે બાબતે મોડીરાતે રાજુ ઓડેદરાને ફોન કર્યો હતો. જેનો ખારરાખી ગઈકાલે આરોપી તેના જમાઈ સાથે સમાધાન બાબતે આવ્યા બાદ ભરતભાઈ અને રાજુ ઓડેદરા વચ્ચે ફરી બોલાચાલી થતા આરોપીનો જમાઈ રાજુને લઈ ત્યાંથી નીકળી ગયો હતો.
ત્યારબાદ ભવિષ્યમાં રાજુ ઓડેદરા કોઈ ઝગડો ના કરે તે માટે ફરિયાદી અને તેમના પાડોશી પ્રશાંતભાઈ ભરતભાઈ સિસોદીયા, પ્રતાપ રામભાઈ મૈયારીયા અને દિપક પ્રતાપભાઈ ગૌરાણીયા અને દિયર કેશુભાઈ અને ડ્રાઈવર પરેશ જોષીએ રાજુ ઓડેદરાને ઘરે બોલાવ્યો હતો. દરમિયાન ગત મોડી રાતે આરોપી પોતાની સ્વીફટ ડિઝાયર કારમાં આવી ભરતભાઈને ગાળો દેતા તેઓને ગાળો બોલાવાની ના કહેતા ઉશ્કેયાયેલા રાજુ ઓડેદરાએ પોતાના પાસે રહેલી પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરતા સમાધાન અર્થે આવેલા પ્રશાંતભાઈ સીસોદીયાને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જયાંથી વધુ સારવાર માટે યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતા કમલાબાગ પોલીસ મથકના પીઆઈ એન.એન. રબારી સહિતનો સ્ટાફ ઘ્ટના સ્થળ પર દોડી જઈ રાજુ ઓડેદરા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.