ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ મથકના પીએસઆઇ પર પથ્થરમારો કરી પોલીસની જીપમાં તોડફોડ કરવાના ગુનામાં સંડોવાયેલા મોટી મોલડીના શખ્સને આજી ડેમ પોલીસે માંડા ડુંગર પાસેથી ઝડપી નાની મોલડી પોલીસને સોપી દીધો છે.
દારૂના નશામાં પોલીસની જીપમાં તોડફોડ કરી ફોજદાર વાળાને પથ્થરમારી ચાર શખ્સો ભાગી ગયા હતા
આ અંગેની પોીલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.20મી રાતે પીએસઆઇ વલ્કુભાઇ વાળા સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મોટી મોલડી ગામે ચાર જેટલા શખ્સો દારુના નશામાં દંગલ કરતા હોવાની બાતમીના આધારે મોટી મોલડી ગામે ગયા ત્યારે પીએસઆઇ વાળા પર પથ્થરમારો કરતા તેમને માથામાં ઇજા થઇ હતી. ચારેય શખ્સોએ પોલીસની જીપમાં પણ તોડફોડ કરી ભાગી ગયા હતા.
પોલીસ તપાસ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના ગુનામાં રાજકોટના અજય દેવજી સાકરીયા, વિક્રમ ભૂપત મકવાણા, મોટી મોલડીના વિનુ પાંચા રંગપરા અને રાકેશ પ્રવિણ વાઢેર નામના શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા નાની મોલડી પોલીસે રાજકોટના અજય દેવજી અને વિક્રમ ભૂપતની ધરપકડ કરી હતી. જ્યારે છેલ્લા પંદર દિવસથી નાસતા ફરતા મોટી મોલડીના વિનુ પાંચા રંગપરા રાજકોટના આજી ડેમ પાસે માંડા ડુંગર પાસે હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડા, પી.એસ.આઇ. એ.જે.પરમાર, એએસઆઇ યશવંતભાઇ ભગત, રાજેશભાઇ જળુ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ અન્ે કૌશેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે વિનુ રંગપરાની ધરપકડ કરી નાની મોલડી પોલીસને સોપી દીધો છે. પોલીસ પરના હુમલાના ગુનામાં સંડોવાયેલા રાકેશ વાઢેરની પોલીસે શોધખોળ હાથધરી છે.