ભુમાફીયા દિપક બસીયાને સુરત જેલ હવાલે કરાયો : મારામારી સહિત ચારેક જેટલા ગુના નોંધાયા હતા
જમીન કૌભાંડનાં ગુનામાં સામેલ બાબરીયા કોલોનીનાં શખ્સને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ મવડી ગામની જમીન મુળ માલિક પાસેથી હડપ કરી જવા અંગેનો અને કાવતરું રચ્યા અંગેનો ગુનો તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને આ શખ્સ વિરુઘ્ધ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન અને એ ડીવીઝન પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારેક જેટલા મારામારી સહિતનાં ગુના નોંધાઈ ચુકયા છે જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. જે.વી.ધોળાની ટીમે પાસા દરખાસ્ત કરી હતી. જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજુરીની મહોર મારતા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે આરોપી દિપકભાઈ ગોવિંદભાઈ બસીયા (ઉ.વ.૩૦)ને પાસા તળે સુરત જેલ હવાલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી મવડી ગામ સર્વે નં.૨૭૬ની ખેતીની જમીન જમીન માલિક પાસેથી પડાવી લઈ મોટી રકમ પડાવવાના ઈરાદાથી કાવતરું રચ્યું હતું. જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન અરસ-પરસનો સમજુતી કરાર બનાવી તેમજ જમીન માલિકની ખોટી સહી અને અંગુઠાનું નિશાન કરી દાવા કરાર બનાવી કોર્ટમાં રજુ કરી ખોટા દાવાનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.