વિધાનસભા-69માં સાતમાં તબક્કાનો “સેવા સેતુ કાર્યક્રમ” શુભારંભ કરાવતા પૂર્વ મુખ્યમંત્રી
સેવા સેતુ કાર્યક્રમનો દિન-પ્રતિદિન વધુને વધુ લોકો લાભ લઇ રહ્યા છે: મેયર ડો. પ્રદિપ ડવ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે અમીન માર્ગના છેડે, 150 ફુટ રીંગ રોડ ખાતે વિધાનસભા-69 (વોર્ડ નં.01,08,09,10)ના સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ્ર સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રંસગે રાજ્યના વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સેવા એજ ધર્મ છે.
સત્તા માણવા માટે નહી પણ સેવા કરવા માટે છે. આ પ્રકારની ઉમદા ભાવનાથી રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ. સેવા સેતુ કાર્યક્રમનો લોકો પાસેથી વધુને વધુ સારો પ્રતિસાદ મળી રહેલ છે. આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ લાભાર્થીઓને વિવિધ સરકારી સેવાનો લાભ એક જ સ્થળેથી મળી રહે, નાના માણસોને ધક્કા ન થાય, કામ કરાવવા માટે વધારાના પૈસા ન થાય, વચેટિયાઓ પૈસા પડાવે નહી તે મુજબનો છે. અરજદારને કોઇ પણ પ્રકારના દાખલા કઢાવવા હોય તો તે સ્થળ પર જ ત્વરિત મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે વ્યાપક પ્રમાણમાં આવા કાર્યક્રમ ચાલુ કર્યા છે.
સેવા સેતુ કાર્યક્રમમાં સાચો લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય અને ખોટો લાભાર્થી લાભ લઇ ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જણાવી તેમણે આ સેવા સેતુ કાર્યક્રમનો વધુને વધુ લોકો લાભ લ્યે તેવો અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે ગુજરાતના તમામ ગામડાઓમાં ઇ-સેવા સેતુ કાર્યક્રમ કાર્યરત કરાવેલ છે. જેનો મુખ્ય હેતુ ગામડાના રહેવાસીઓને તાલુકા ખાતે ધક્કા ન થાય તે છે.
વિશેષમાં, સરકારશ્રી દ્વારા વિધવાઓ માટે “ગંગા સ્વરૂપા યોજનાન” દિવ્યાંગો માટે ઉપયોગી યોજના તેમજ વિદ્યાર્થીઓ માટેની જુદી જુદી યોજનાઓનો ઉલ્લેખ કરી તેમણે જણાવેલ કે, સેવા સેતુ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી 55 જેટલી સેવાઓ એક જ સ્થળે મળી રહી છે તેમજ રાજ્યભરમાં આજ દિન સુધી કરોડો લોકોએ તેનો લાભ લીધેલ છે. આ પ્રંસગે મેયર ડો. પ્રદિપ ડવે જણાવેલ કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. જેનો રાજ્યભરમાં દિન પ્રતિદિન વધુને વધુ લોકો લઈ રહ્યા છે. સેવા સેતુ કાર્યક્રમથી વધુને વધુ લાભાર્થીઓ ખુશ છે.
આ ઉપરાંત શહેરીજનોને પ્રાથમિક ઉપરાંતની વધુને વધુ સારી ગુણવત્તાસભર સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા કટીબધ્ધ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાને ઘણા પ્રોજેકટ માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવેલ જે પૈકીના મોટાભાગના પ્રોજેકટ પૂર્ણતાના આરે છે. આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી,
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંઘ તથા જુદી જુદી કમિટીના ચેરમેન, કોર્પોરેટર તેમજ સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.