લોકોને કામ વગર બહાર ન નીકળવા પાલિકા પ્રમુખ ચંદ્રવાડિયાની અપીલ
ઉપલેટા શહેરમાં છેલ્લા એક માસથી મહેમાનની જેમ પડાવ નાખીને પડેલા કોરોનાએ શહેરમાં બેકાબુ બની પાંચ સદી વટાવતા શહેરીજનો ફફડી ઉઠયા છે ત્યારે શહેરના સેવાભાવી નગરપતિ દ્વારા શહેરીજનોના હિતમાં શહેરની મુખ્ય બજારોને સેનીટાઈઝ કરાઈ હતી.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં શેરીએ અને ગલીએ કોરોના ઘુસી ગયો છે. છેલ્લા એક માસમાં જાણે મહેમાન ગતિ માણી રહ્યો હોય તેવી રીતે કોરોનાએ પડાવ નાખતા ૫૨૫ જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચુકયા છે. ૨૫ લોકોના જીવ કોરોનાને કારણે ગયા છે ત્યારે શહેરના જાગૃત અને સેવાભાવી નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ રણુભા જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઈ સોજીત્રા સહિતની ટીમે શહેરની મુખ્ય બજારોમાં આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી સંપૂર્ણ સેનીટાઈઝર કરવામાં આવી હતી અને શહેરની જનતાને અપીલ કરેલ કે કારણ વગર ઘર બહાર નિકળવું નહીં તેમજ વેપારીઓને પણ પોતાની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ માસ્ક તેમજ સેનીટાઈઝરનો ઉપયોગ ગ્રાહક માટે રાખવો જેથી કરીને કોરોનાના કેસ ઉપર કાબુ મેળવી શકાય.