બિલ્ડર પર ફાયરિંગ પ્રકરણમાં
જામનગરમાં ભૂ-માફિયા પાસેથી બે કરોડની સોપારી લેનાર મુખ્ય આરોપી ઝડપાયો
જામનગરના ઇવા પાર્ક વિસ્તારમાં એક બિલ્ડર પર ફાયરિંગ કરવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે કુખ્યાત ભૂમાફિયા પાસેથી રૂપિયા બે કરોડની સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર એવા મૂળ ખંભાળિયા પંથકના વતની અને હાલ જામનગરમાં રહેતા એ શખ્સને પકડી પાડયો છે. અગાઉ પકડાયેલા એક બાળ આરોપીને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો છે, જ્યારે અન્ય સાત આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાયા છે.
જામનગરના ઇવા પાર્ક વિસ્તારમાં એક સપ્તાહ પહેલા જયસુખ ઉર્ફે ટીનો પેઢડીયા ઉપર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવા અંગેના ચકચારી પ્રકરણમાં ફાયરિંગ કરવા માટે સોપારી આપનાર જયેશ પટેલ અને તેના સાગરિતો સામે ગુનો નોંધાયા પછી પોલીસે ફાયરીંગ કરવા માટે આવેલા એક બાળ આરોપી સહિત સાત શખ્સોને પકડી પાડયા હતા.
જે તમામ ના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તમામ રિપોર્ટ નેગેટીવ આવતાં એક બાળ આરોપીને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો છે, જ્યારે અન્ય છ આરોપીઓ મયુર હાથલીયા, દિપ હડીયા, સુનિલ કણજારીયા, સુનિલ ઉર્ફે જાંબુ નકુમ, કરણ ઉર્ફે કારો કેસરિયા, અને ભીમસી કરમુર વગેરેની ધરપકડ કરી લેવામાં આવ્યા પછી રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયા છે.
આ ઉપરાંત આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર ગણાતો મૂળ ખંભાળિયા નો વતની અને હાલ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ભરત ઉર્ફે કચો કરમશીભાઈ ચોપડા જેની પણ સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતા આજે તેની ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેને પણ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે જયેશ પટેલ પાસેથી રૂપિયા બે કરોડની સોપારી મેળવી હોવાનું અને તેના આધારે ભાગ બટાઈ કરી તમામને હત્યા કરવા માટેનું કામ સોપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 8નો થયો છે, જ્યારે હજી 7 આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.