બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ, ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ ડાભીની વિશેષ ઉપસ્થિતિ.
સહુપ્રથમ વખત ખાદી સંસ્થામાં `મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના થઈ છે.
મેઘાણી-સાહિત્યથી નવી પેઢી પરિચિત તેમજ પ્રેરિત થાય તે હેતુથી પિનાકી મેઘાણી તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું પ્રેરક અભિયાન.
સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર `રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની 121મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત `ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ દ્વારા `મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપનાનું પ્રેરક અભિયાન શરૂ થયું છે. આ નવતર પ્રયોગ થકી નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી વધુ નિકટથી પરિચિત કરાવવાનો પ્રયાસ છે. અત્યાર સુધી ગુજરાતભરમાં 25 જેટલાં `મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના થઈ ચૂકી છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે `મેઘાણી-સાહિત્ય’ કોર્નર – `ગાંધી દર્શન’ની સ્થાપના પિનાકી મેઘાણી અને `ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ દ્વારા થઈ. એપ્રિલ 1925માં મહાત્મા ગાંધી સાથે ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત રાણપુરમાં થઈ હતી. 1931માં ગાંધીજીને સંબોધતું કાવ્ય `છેલ્લો કટોરો’ પણ રાણપુરમાં રચ્યું અને `રાષ્ટ્રીય શાયર’નું ગૌરવભર્યું બિરુદ પામ્યા.
ગાંધીજી અને ખાદી એકબીજાનાં પૂરક હતાં. દેશની આઝાદી માટેની લડતોનાં સ્વાતંત્ર્ય-સેનાનીઓનો પોષાક ખાદીનો જ રહેતો. ઝવેરચંદ મેઘાણી પણ ખાદીનાં વસ્ત્રો પહેરતા. રાણપુર સ્થિત `ફૂલછાબ’ કાર્યાલયમાં ખાદી-વિભાગ દ્વારા ખાદીનાં વપરાશને પ્રોત્સાહન આપતા. આથી સહુપ્રથમ વખત ખાદી સંસ્થામાં `મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના થઈ તેનું સવિશેષ મહત્વ છે.
બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી અને સંનિષ્ઠ પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી, ગગુભાઈ ગોહિલ અને મનુભાઈ ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) જી.પી. ચૌહાણ, રાણપુર પી.એસ.આઈ. એસ.એન. રામાણી, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, રાણપુરસાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મુકુન્દભાઈ વઢવાણા અને પ્રકાશભાઈ સોની, અગ્રણીઓ પ્રફુલભાઈ વઢવાણા અને વિજયભાઈ પરીખ, શિક્ષણવિદ એચ.કે. દવે (સુરેન્દ્રનગર), ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય (લીંબડી), નવલસિંહ ઝાલા (અડવાળ), બાબભાઈ ખાચર (સાળંગપુર), યુવા લોકગાયક ઋષભ આહિર (અમદાવાદ), લલિતભાઈ વ્યાસ (ધંધુકા), આદિત્યસિંહ રાઠોડ અને વિનોદભાઈ મિસ્ત્રી (ભરૂચ), વાલજીભાઈ મિસ્ત્રી (રાજકોટ), જયેશભાઈ ખંધાર (મુંબઈ) સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને સાહિત્ય-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પોલીસ અધિક્ષક સજનસિંહ પરમારે મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ અર્પી હતી. દેશની આઝાદી માટે ફના થનાર શહીદ-વીરોને પણ અંજલિ આપી હતી. પિનાકી મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીના ગાંધીજી સાથેનાં લાગણીસભર સંભારણાંને વાગોળ્યા હતા. લોકગાયક અભેસિંહ રાઠોડે `છેલ્લો કટોરો’ કાવ્યની હ્રદયસ્પર્શી રજૂઆત થકી ગાંધીજી અને મેઘાણીજીને સ્વરાંજલિ આપી હતી. 28 વર્ષથી ખાદી ક્ષેત્રમાં કાર્યરત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભીએ સાંપ્રત સમયમાં ખાદીનું વિશેષ મહત્વ જણાવ્યું હતું તથા સંસ્થા વિશે માહિતી પણ આપી હતી.
મુનિશ્રી સંતબાલજી પ્રેરિત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની સ્થાપના 1958માં થઈ હતી. ઊની ખાદીની ગુજરાતની એક માત્ર આ સંસ્થા 300 જેટલી આર્થિક-સામાજિક રીતે વંચિત બહેનોને રોજગારી પૂરી પાડે છે. ગોવિંદસંગભાઈના પિતા દાજીભાઈ અને દાદા ફલજીભાઈ પણ સહકારી પ્રવૃત્તિઓ, ગ્રામ-સંગઠન, ખેડૂત-મંડળ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. ફલજીભાઈ સંતબાલજીનાં 25 વર્ષ સુધી નિકટના સાથી રહ્યા હતા. સજનસિંહ પરમાર, પિનાકી મેઘાણી અને અભેસિંહ રાઠોડનું હાથ-વણાટની શાલ અને સૂતરની આંટીથી ગોવિંદસંગભાઈ ડાભી દ્વારા અભિવાદન કરાયુ હતુ.
ઝવેરચંદ મેઘાણીએ 25 વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં 100 જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં 75 જેટલાં પ્રાપ્ય પુસ્તકો 6x3x1 ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં વિષયવાર અહિ મૂકાયાં છે.
ઝવેરચંદ મેઘાણીએ 1922માં લખેલ પ્રથમ પુસ્તક `કુરબાનીની કથાઓ’થી લઈને 1947માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા `કાળચક્ર’ ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના’, `સિંધુડો’, `રવીન્દ્ર-વીણા’, `વેવિશાળ’, `સોરઠ તારાં વહેતાં પાણી’, `માણસાઈના દીવા’, `સૌરાષ્ટ્રની રસધાર’, `સોરઠી બહારવટિયા’, `સોરઠી સંતો’, `રઢિયાળી રાત’, `સોરઠી સંતવાણી’ અહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે. ચૂંટેલું ગાંધી-સાહિત્ય પણ અહિ રખાયું છે.
સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકો અહિ બેસીને આ પુસ્તકો વાંચી શકશે તેમ પિનાકી મેઘાણી અને ગોવિંદસંગભાઈ ડાભીએ જણાવ્યું છે. કાચનાં પુસ્તક-કબાટનું કામ મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું છે. લોકલાગણીને માન આપીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પણ `મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના સુરક્ષા સેતુ સોસાયટી – બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ટૂંક સમયમાં થઈ રહી છે જે ખાસ ઉલ્લેખનીય છે.