જાદુ શબ્દ આવેને બધા લોકોના કાન ચમકે. જાદુ જોવાની અથવા શીખવાની કોણે મજા ના આવે. જાદુની કળા રડતા માણસને હસાવે છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો સુધી બધા જાદુના રસ્યા હોય. થોડા સમય પહેલા જાદુની કળાને વિશ્વમાં ફેલાવા અને જાદુગરોને તેની કળા બતાવવા અમેરિકામાં એક સ્પર્ધા યોજવામાં આવી હતી.
મે મહિનામાં અમેરિકાની જાદુગરોની સંસ્થા IBM(ઈન્ટરનેશનલ બ્રધરહૂડ ઓફ મેજિશિયન) દ્વારા ઓનલાઈન જાદુની સ્પર્ધામાં ભારત,ફિલિપાઈન્સ,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,પનામાં અને મેક્સિકો મળી સાત દેશોના 100 જાદુગરોએ ભાગ લીધો હતો. તેમાં ભારત તરફથી તાપી જિલ્લાના સોનગઢના વતની અભય જાદુગરે ભાગ લીધો હતો.
જાદુની સ્પર્ધા ખુબ રસપ્રદ રહી હતી. જેમાં અલગ અલગ દેશના 6 જજોએ સાથે મળી વિજેતા નક્કી કરવાના હતા. 100 જાદુગરોની વચ્ચે સોનગઢના અભયને 2 નંબરએ વિજેતા જાહેર કરવામાં આવ્યો. તેઓનું સોનગઢ ખાતે માળી સમાજના આગેવાનો અને નગર પાલિકા સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મૂળ સોનગઢ તાલુકાના વડપાડા પ્ર.ઉમરદા ગામના વતની એવાં નરેશ હિમ્મતભાઈ માળી કે જેઓ જાદુગર અભયના નામે પ્રસિદ્ધ છે.
જાદુગર અભય દક્ષિણ ગુજરાત મેજીક એકેડમીના પ્રમુખ પણ છે, અને સાથે સાથે ગુજરાતના જાદુગરો સાથે મળી લુપ્ત થતી જાદુકલાને બચાવવા પ્રયાસરૂપે છેલ્લા 13 વર્ષથી જાદુ એકેડેમી ચલાવે છે. અભયને મળેલી જીતના કારણે સોનગઢનગરમાં માળી સમાજ નગર પાલિકા દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
અભય જાદુગર સાથે વાત કરતા તેમને જાદુ અને જાદુ સાથેના સબંધો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ પિતા પાસેથી વારસો મળ્યો,મનોરંજનના આ વારસાને ટકાવી રાખવુ આપણી ફરજ છે. મારા પિતા હિમ્મતભાઈ પોતે જાદુગર હતા. દક્ષિણ ગુજરાતમાં જાદુની કલાને આગળ ધપાવવામાં એમનો પણ ફાળો રહ્યો છે. તેમના પાસેથી જ મેં આ જાદુની કળા શીખી છે. જાદુની કળા રડતા માણસને હસાવે છે. આત્મ નિર્ભર બનાવતી જાદુની આ કલાને પણ હાલ ગ્રહણ લાગ્યું છે. ત્યારે મનોરંજનના આ વારસાને ટકાવી રાખવુ એ આપણી ફરજ છે. એ માટે અમે જાદુગરો મક્કમ છીએ.’