સુરતના હીરા ઉદ્યોગની ચમક વધવાની છે. કારણકે હવે મુંબઈથી હીરા ઉદ્યોગકારો હિજરત કરીને સુરત આવી રહ્યા છે. એક પછી એક ઉદ્યોગો સુરત તરફ વળતા મહારાષ્ટ્ર સરકારને પણ આંચકો લાગ્યો છે. જેમાં કિરણ જેમ્સ રૂ.17 હજાર કરોડનો હીરાનો કારોબાર સુરતમાં સ્થળાંતર કરવાની તૈયારીમાં છે. હીરા ઉદ્યોગ ઉપરાંત બીજા પણ અનેક ક્ષેત્રોમાં ગુજરાત તરફ દોટ વધી છે.
હીરાઉદ્યોગના વિશ્લેષકોના મતે સુરતના હીરા બજારની મુંબઈના હીરાના વેપારીઓ પર બહુ અસર નહીં થાય. જ્યારે વિરોધીઓએ આરોપ લગાવે છે કે, મહારાષ્ટ્રમાંથી હીરાઉદ્યોગને ગુજરાતમાં લઈ જવાનું આ સરકારનું ષડયંત્ર છે. સુરત ઘણા વર્ષોથી હીરાઉદ્યોગના કેન્દ્ર તરીકે જાણીતું છે. સુરતના હીરા દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયા છે. પરંતુ આ હીરાની વિદેશમાં નિકાસ કરવા માટે સુરતમાં કોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાથી મુંબઈથી આ કારોબાર થઈ રહ્યો છે.
એક પછી એક ઉદ્યોગો સુરત તરફ વળતા મહારાષ્ટ્ર સરકારને પણ આંચકો : કિરણ જેમ્સ રૂ.17 હજાર કરોડનો હીરાનો કારોબાર સુરતમાં સ્થળાંતર કરવાની તૈયારીમાં : હીરા ઉદ્યોગ ઉપરાંત બીજા પણ અનેક ક્ષેત્રોમાં ગુજરાત તરફ દોટ વધી
સુરતમાં હીરાનું ઉત્પાદન થતું હોવા છતાં સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપાર મુંબઈના માધ્યમથી કરવામાં આવે છે. પરંતુ હવે સુરતમાં સુરત ડાયમંડ બોર્સ નામનું મોટું ટ્રેડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા વેપારીઓએ મુંબઈ છોડીને સુરત જવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી સુરતના વેપારીઓને વિશ્વના વિવિધ દેશોમાં હીરા મોકલવા માટે મુંબઈમાં અલગ ઓફિસ સ્ટાફ રાખવો પડતો હતો.
સુરતના ડાયમંડ બોર્સમાં હીરાના વેપારીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સુરત એરપોર્ટ પરથી ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ શરૂ થશે. સુરત ડાયમંડ બોર્સ કમિટીના સભ્ય દિનેશ નાવડિયાએ માહિતી આપી છે કે, સુરતના હીરાના વેપારીઓ હવે મુંબઈને બદલે સુરતમાંથી જ વિશ્વભરમાં હીરાનો વેપાર કરી શકશે. જોકે હીરાઉદ્યોગ સુરતમાં શિફ્ટ થવાથી મુંબઈમાં કામદારોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. દર વર્ષે અંદાજે 80 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ હીરાઉદ્યોગથી મહારાષ્ટ્ર સરકારના ટેક્સમાં પણ કરોડો રૂપિયાની આવક થતી હતી.
સુરત અને મુંબઈ વચ્ચે શુ તફાવત છે?
આમ તો સુરત અને મુંબઇ વચ્ચે સીધી હરીફાઈ નથી. કારણકે સુરત હીરાનું મેન્યુફેક્ચરિંગ હબ છે, જ્યાં વિશ્વના 90% હીરા કટ અને પોલીશ કરવામાં આવે છે, જ્યારે મુંબઈ ટ્રેડિંગ ડેસ્ટિનેશન તરીકે જાણીતું છે. પરંપરાગત રીતે, હીરાના વેપારી બંને શહેરો સાથે સંબંધ ધરાવે છે. મોટા ભાગના મોટા વેપારી ગૃહો તેમના પરિવારનો એક ભાગ સુરતથી કાર્યરત છે; ભારતની નાણાકીય રાજધાનીમાંથી આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપી શકાય છે તે સમજીને કેટલીક શાખાઓ દાયકાઓ પહેલા મુંબઈમાં ખસેડવામાં આવી હતી.
મહારાષ્ટ્રએ તાજેતરમાં અનેક પ્રોજેકટ ગુમાવતા સરકાર ઉપર માછલાં ધોવાયા
તાજેતરના સમયમાં, મહારાષ્ટ્રે સંખ્યાબંધ મોટા પ્રોજેક્ટ ગુમાવ્યા છે. જેમાં રૂ.22000 કરોડનો ટાટા-એરબસ,રૂ. 1.54-લાખ કરોડનો વેદાંત-ફોક્સકોન સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ,રૂ. 30,000 કરોડનો બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટ, મેડિકલ ડિવાઈસ પાર્ક, આઈએફએસસીએ પ્રોજેકટનો સમાવેશ થાય છે. આ પ્રોજેકટ મહારાષ્ટ્ર પાસેથી છીનવાઈ જતા વિપક્ષે શિવસેના-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનની સરકારને નિશાન બનાવી હતી. વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે એવું કહ્યું છે કે મોદી સરકારે મુંબઈનું નાણાકીય મહત્વ ઘટાડવાનું આયોજન કર્યું છે. મુંબઈમાં હીરાનો વ્યવસાય શહેરના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને હવે તે પણ ગુજરાતમાં શિફ્ટ થઈ રહ્યો છે.
સુરતના હીરા ઉદ્યોગને બુસ્ટ મળશે ડાયમંડ બુર્સથી !
વિશ્વની સૌથી મોટી ઈમારત પેન્ટાગોન કરતા પણ મોટી ઈમારત ડાયમંડ બુર્સ સુરતમાં બનાવવામાં આવી છે. ખાજોદ વિસ્તારમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બનેલા સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 983 નાની-મોટી ઓફિસોમાં કળશ સ્થાપના કરી શ્રી ગણેશ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે સુરત ડાયમંડ બોર્સનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરશે.આથી સુરત ડાયમંડ બુર્સે વિશ્વની સૌથી મોટી ઈમારતનો ખિતાબ હાંસલ કર્યો છે. સુરતમાં અંદાજે રૂ. 3500 કરોડના ખર્ચે બનેલ આ સુરત ડાયમંડ બુર્સમાં 4300 નાની-મોટી ઓફિસો આવેલી છે. સુરત ડાયમંડ બુર્સમાં 14 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે જેમાં દરેક ટાવરનો 13મો માળ વાસ્તુ મુજબ ખાલી રાખવામાં આવ્યો છે.