કોરોના હળવો પડતા કોર્ટના ‘કપાટ’ ખુલશે
રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાની છેલ્લી 11 માસથી પ્રત્યક્ષ રીતે બંધ પડેલી નીચલી અદાલતો શરૂ થશે
કોરોના મહામારીને કારણે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની નીચલી અદાલતો 11 માસથી ’ફિઝીકલી’ બંધ હાલતમાં છે ત્યારે હાઇકોર્ટે એક સર્ક્યુલર જાહેર કરીને તમામ મહાનગરોની નીચલી અદાલતો ફરીવાર ’ફિઝીકલી’ શરૂ કરવા આદેશ કર્યો છે.
કોરોના મહામારીને ધ્યાને રાખીને લોકડાઉન સ્વરૂપે જાહેર અને ખાનગી એકમો પર તાળા લગાવી દેવામાં આવ્યા હતા. તબક્કાવાર અનલોક સ્વરૂપે છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હજુ પણ અનેક ન્યાયમંદિરો ફક્ત વર્ચ્યુલી ચાલી રહી છે. વર્ચ્યુલ સુનાવણીમાં ફક્ત અસીલો જ નહીં પરંતુ વકીલોને પણ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ન્યાયપાલિકાઓ પર કેસોનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે મહાનગરોની અદાલતો, હાઇકોર્ટો અને સુપ્રીમ કોર્ટને ફરીવાર ફિઝીકલી શરૂ કરી દેવા દેશભરની બાર કાઉન્સિલોએ રણશીંગુ ફૂંકી દીધું હતું. ત્યારે હાઇકોર્ટે સર્ક્યુલર જાહેર કરીને નીચલી અદાલતો શરૂ કરવા આદેશ આપ્યા છે.
રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોવીડ -19 ને કારણે લાદવામાં આવેલા મુખ્ય પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા છે અને દરેક સામાન્યતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નોંધનીય છે કે, મહામારીને કારણે ઘણા વકીલો, મોટાભાગે જુનિયર એડવોકેટ્સ, આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સાથે અનેક મુકદ્દમોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલરમાં નોંધવામાં આવ્યું છે કે, સરકારની કોવિડ – 19ની વેબસાઈટની માહિતી મુજબ કોરોના સંક્રમણના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે જેને ધ્યાને રાખીને રાજ્યના મહાનગરોની નીચલી અદાલતો શરૂ લરી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આગામી તારીખ 1 માર્ચના રોજથી રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની નીચલી અદાલતો ફરીવાર ધમધમતી કરી દેવા હાઇકોર્ટ આદેશ આપ્યા છે. નોંધનીય બાબત છે કે, માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોનમાં આવેલી કોર્ટો પ્રત્યક્ષ રીતે શરૂ કરી શકાશે નહીં. નીચલી અદાલતો શરૂ કરવા માટે હાઇકોર્ટે એસ.ઓ.પી.નું સ્પષ્ટપણે પાલન કરવા અંગે પણ આદેશ કર્યા છે. ગાઈડલાઈન મુજબ કોર્ટમાં પ્રવેશ કરતા માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. સાથોસાથ સોશ્યલ ડિસ્ટન્સ સહિત ગત તારીખ 4 નવેમ્બર 2020ના રોજ હાઇકોર્ટે જાહેર કરેલી ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડશે. સર્ક્યુલરમાં નોંધવામાં આવ્યું છે કે, પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજે કોર્ટે પરિસરમાં એક કોવિડ ઓફિસરની નિમણૂક કરવી પડશે. જે કોર્ટ પરિસરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિનો તાગ મેળવશે. તેમજ કોર્ટ પરિસરમાં પ્રવેશ માટે ફક્ત એક જ પ્રવેશદ્વાર ખોલી શકાશે.