તમામ બેઠકોનું સરેરાશ ૫૮.૫૮ ટકા મતદાન: સૌથી વધુ ડાંગમાં ૭૪.૭૧ ટકા અને સૌથી ઓછું ધારીમાં ૪૫.૭૪ ટકા મતદાન
કોંગ્રેસની મશીનરી ‘નારાજગી’ના મત ‘કનવર્ટ’ કરવામાં ફેઇલ?: કમીટેડ વોટ ભાજપને ફાયદો કરી દેશે
ઓછા મતદાને બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસને દ્વિઘામા મુકી દીધા છે. કોંગ્રેસની મશીનરી નારાજગીના મત કનવર્ટ કરવામાં ફેઇલ ગઇ છે. સામે કમીટેડ વોટ ભાજપને ફાયદો કરાવી દે તેવુ ચિત્ર ઉપસ્યુ છે. તમામ બેઠકોનું સરેરાશ ૫૮.૫૮ ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ ડાંગમાં ૭૪.૭૧ ટકા અને સૌથી ઓછુ ધારીમાં ૪૫.૭૪ ટકા મતદાન નોંધાયુ છે.
રાજયની આઠ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા ખાલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. આ પેટાચૂંટણીમાં ગઇકાલે મતદાનની પ્રક્રિયા યોજાઇ હતી. તમામ બેઠકોમાં એકદંરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયુ હતુ. કુલ ૫૮.૫૮ ટકા મતદાન નોધાયુ હતુ. જેમા સમય પ્રમાણે મતદાન જોઇખે તો તમામ બેઠકો ઉપર સવારે ૯ વાગ્યા સુધીમાં ૮.૯૭ ટકા ૧૧ વાગ્યા સુધીમાં ૨૦.૯૩ ટકા, ૧ વાગ્યા સુધીમાં ૩૫.૩૩ ટકા, ૩ વાગ્યા સુધીમાં ૪૬.૭૫ ટકા ૫ વાગ્યા સુધીમાં ૫૬.૯૦ અને ૬ વાગ્યા સુધીમાં ૫૮.૫૮ ટકા મતદાન નોંધાયુ હતુ.
જયા જયા ૫૫ ટકાથી ઉપર મતદાન ગયુ છે ત્યા ભાજપ માટે જોખમ ઉભુ થયુ છે. જયા ૫૫ ટકાથી ઓછુ મતદાન થયુ છે ત્યા ભાજપ માટે ફાયદો છે. ખાસ કરીને મોરબી બેઠકની સ્થિતિ જોઇએ તો ત્યા ૫૧.૮૮ ટકા મતદાન નોધાયુ છે. જયા બ્રિજેશ મેરજાને ફાયદો થાય તેવી પ્રબળ શકયતાઓ જણાઇ રહી છે. આવી જ રીતે ધારી બેઠકમાં પણ જે.વી. કાકડીયાને ભરપૂર ફાયદો થયો હોવાનું ધ્યાને આવ્યુ છે.
આ પેટાચૂંટણીમાં પ્રમાણમાં ઓછુ મતદાન નોંધાયુ છે. ઓછા મતદાને બંને પક્ષોને દ્વિઘામાં મુકી દીધા છે. ખાસ કરીને ભાજપ કમીટેડ મતદારો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ હોય ઓછા મતદાને ઘણો ફાયદો કરાવ્યો હોવાની શકયતા છે. બીજી તરફ કોંગ્રેસની મશીનરી નારાજગીના મત કનવર્ટ કરવામાં ફેઇલ ગઇ હોય કે નહી તે પરિણામ આવ્યા બાદ ખબર પડશે. હાલ તો તમામ ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં શીલ થઇ ગયા છે. હવે આગામી ૧૦મીએ પરિણામના દિવસે ખબર પડશે કોના ફટાકડા ફૂટે છે. એસ.મુરલીક્રિષ્ને કહ્યું કે, રાજ્યની ૮ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. ટીવી અને સોશિયલ મીડિયા મારફતે ૧૯ ફરિયાદ મળી છે.
૪ ઘટનામાં પોલીસે ગુના નોંધ્યા છે. જેમાં મોરબી ૧, કરજણમાં ૨ અને ડાંગમાં ૧ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કોવિડના કોઈ દર્દી મતદાન કરવા આવ્યા નથી.