રાજયોમાં આંતરિક સખળ ડખળ આખરી નિર્ણય લેવામાં બાધારૂપ:સર્વ સંમતિ સાધવા પરામર્શની એકધારી ચાલુ: ગાંધી-પરિવારનું સંમોહન યથાવત: રાહુલ-પ્રિયંકા અને સોનિયા – મનમોહનસિંગની પક્ષમાં સૌથી અધિક વગ ! અહમદ પટેલ- શકિતસિંહની દોડધામ !
ભાજપના આંતરિક પ્રવાહો સો ટકા સાનુકુળ અને વિવાદ મુકત નહિ હોવાનો આભાસ: સંઘના વડાએ મોદી – અમિત શાહની ચૂંટણી જીતી આપવાની આભા અંગે કરેલાં વિધાનની અસર બાબતમાં ‘મહેતો ભણે નહિ અને ભણવે નહિ’ની કહેવત જેવી સ્થિતિ: છતાં મોદીની રાજકીય હાક તેમ જ સંમોહનનો કોઇ વિકલ્પ નહિ હોવાનો સૂર અકબંધ !
આપણા દેશમાં વર્તમાન રાજકીય પ્રવાહોમાં લોકસભાની આગામી ચૂંટણીઓ તથા આપણા દેશની વર્તમાન રાજકીય હાલત એ બે મુદ્દાઓ મોખરે રહ્યા છે. ત્રીજો મહત્વનો મુદ્દો કોરોના વાયરસના વિશ્ર્વ વ્યાપી હાહાહારનો છે, જેમાં ભારતનો સમાવેશ થયા વિના રહ્યો નથી. આ સમસ્યા અજબ જેવી છે અને કલ્પનામાં ન આવે એટલા અચાનક પ્રચંડ અતંકી હૂમલા સમી છે. એનો ઉદ્દભવ અમેરિકામાં થયો, પણ એનો પ્રસાર અણુબોમ્બ ફૂટયા બાદ એના વિનાશક રજકરણોનો પ્રસાર જેટલી ઝડપે થાય એ રીતે થતો રહ્યો છે…. માનવજાત ઉપર આ ઘટનાએ સર્જેલા ફફડાટે આખી દુનિયાના એકેએક દેશોનુે હચમચાવ્યા છે. આમ આ મુદ્દો આપણા દેશના વર્તમાન રાજકીય પ્રવાહોમાં મોખરે રહ્યો છે.
બીજી એક બહુ મોટી વાત લોકસભાની આગામી ચૂંટણીને સ્પર્શે છે, અને તે આપણા દેશના સૌથી મોટા કોંગ્રેસ પક્ષના પ્રમુખ નેતા પદે કોની પસંદગી થશે તે વિષે છે. આ મુદ્દો કોંગ્રેસ પક્ષ માટે હજુ વિકટ જ રહ્યો છે.
એવું માનવામાં આવે છે કે હાલના કોંગ્રેસ શાસિત રાજયોમાં જે આંતરિક સખળ ડખળ પ્રવર્તે છે અને આંતરિક વિખવાદનો ખ્યાલ ઉપસાવે છે તે આ મુદ્દે આખરી નિર્ણય લેવામાં અંતરાયરૂપ બને છે. કોંગ્રેસના પીઢ અને વરિષ્ઠ નેતાઓ પ્રમુખની પસંદગીનો નિર્ણય આંતરિક સર્વસંમતિથી જ લેવાય એવો મત ધરાવે છે.
કોંગ્રેસ પક્ષના વગદચબ વર્તુળમાંથી એમ જાણી શકાયું છે કે, આ પક્ષમાં ગાંધી પરિવારનું સંમોહન હજુ યથાવત છે રાહુલ – પ્રિયંકા અને સોનિયા મનમોહનસિંગની કોંગ્રેસ પક્ષમાં સૌથી અધિક વગ છે!
અહેમદ પટેલ, શકિતસિંહ, કમલનાથ વગેરેની દોડધામ પણ ચાલુ છે….
ચૂંટણી આવે છે કોંગ્રેસ માટે પ્રમુખની પસંદગી અને નિમણુંકની બાબતે અતિ મહત્વની બની છે. વધુ વિલંબ હાનિકર્તા બને તેમ છે. કારોબારીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ જાય કે તુર્ત જ ચૂંટણીને લગતી બધી જ બાબતોમાં નિર્ણયો લેવાઇ જશે અને ચૂંટણીને લગતી તૈયારીનો આરંભ કરી દેવાશે. ચૂંટણી આડે હજુ નોંધપાત્ર સમય રહેશે અને ભાજપ તથા અન્ય રાજકીય પક્ષોને નિર્ણયો લેવા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા-પરામર્શ કરવાની તક મળશે એમ માનવામાં આવે છે કોંગ્રેસ પક્ષના પ્રમુખની વરણી બાદ તૂર્ત જ ચૂંટણીલક્ષી આરંભી દેવાશે.
બીજી બાજુ, ભાજપના આંતરિક પ્રવાહો સો એ સો ટકા સાનુકૂળ અને આંતરિક વિવાદો- વિખવાદોથી મુકત હોવાનું કહેવું તે અર્ધસત્ય જ ગણાશે.
આર.એસ.એસ.ના વડા શ્રી ભાગવતે તાજેતરમાં એવું કહી નાખેલું કે, હવે પછીની ચૂંટણીઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જીતાડી આપી શકે અવી એવી તેમની આભા રહી નથી અને એમનામાં એવો ભરોસો મૂકી શકાય તેમ નથી !
એમના આ વિધાન સંબંધમાં કયાંક કશો જ પ્રત્યાઘાત આવ્યો નથી. જો એમના આ વિધાનના છાંટોય તથ્ય અને સચ્ચાઇ નીકળે તો તે આપણા રાજકારણમાં બહુ મોટી હલચલ સર્જી શકે !
એવું જ કોંગ્રેસ પક્ષની વર્તમાન કમજોરી અંગે કહી શકાય. સંસદીય લોકશાહી શાસન પઘ્ધતિનો જે કોઇ પ્રાણ હોય તો તે સિઘ્ધાંતનિષ્ઠ સ્થિર અને મજબૂત કેન્દ્ર સરકાર અને પ્રમાણિક તથા પવિત્ર વિચારધારો ધરાવતા તથા રોમે રોમે દેશભકત વિપક્ષો જ લેખાય !
એમાં મુખ્ય જવાબદારી મુખ્ય વિપક્ષની બની રહે છે. સારા વિપક્ષ વિના આવી શાસન પઘ્ધતિ સફળ થતી નથી અને અત્યારે આપણા દેશની જે બેહુદી હાલત છે, તેવું પરિણામ આવે છે
ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે એ ‘પરાજય’ ગણાય !