- લોકમેળો અંદાજે 2 કરોડનું નુકસાન કરી ગયો, હવે સરકારમાંથી ગ્રાન્ટની આશા
સૌરાષ્ટ્રની શાન સમો રાજકોટનો લોકમેળો પ્રથમવાર લોકાર્પણ થયા બાદ રદ કરવો પડ્યો હતો. જેના કારણે લોકમેળા અમલીકરણ સમિતિને અંદાજે રૂ.2 કરોડ જેટલું નુકસાન થવા પામ્યું છે. હવે સમિતિ દ્વારા સરકારમાંથી ગ્રાન્ટ મળે તેવી આશા સેવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા 24 થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળા ધરોહરનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે જન્માષ્ટમીની રજાઓમાં જ ભારે વરસાદ મેળામાં વિઘ્ન બન્યો હતો. 24 ઑગસ્ટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે લોકમેળાનું લોકાર્પણ કર્યું હતું. દર વર્ષની જેમાં આ વર્ષે પણ પાંચ દિવસમાં લાખો લોકો મેળાની મુલાકાતે તેવી શક્યતા હતી. જો કે સતત વરસાદના કારણે રેસકોર્સ મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા. શરુઆતમાં વેપારીઓએ માંગ કરી હતી કે મેળાની તારીખ લંબાવવામાં આવે. જો કે હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. એવામાં સરકારે લોકમેળો રદ કરવાનો જ નિર્ણય લીધો હતો.
લોકોની સલામતીના હેતુસર આજે 27મી ઓગસ્ટથી “ધરોહર” લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકમેળાના આયોજન માટે મંડપ, ઇલેક્ટ્રિકલ વાયરીંગ તથા અન્ય ખર્ચાઓ મળીને કુલ મળીને આશરે રૂપિયા બે કરોડ જેવો ખર્ચો થયો છે.વધુમાં સ્ટોલધારકોએ ભરેલી ભાડાની 100 ટકા રકમ તથા ડિપોઝિટની 100 ટકા રકમ લોકહિતમાં પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર એવું જોવા મળ્યું હતું કે લોકમેળાને ખુલ્લો મૂકી દેવામાં આવ્યા બાદ તેને રદ કરવામાં આવ્યો હતો. લોકમેળો રદ થતાં ન માત્ર તંત્ર પણ મેળાના રસિકોમાં પણ હતાશા જોવા મળી હતી. તો બીજી તરફ દર વખતે કરોડોની આવક કરતી લોકમેળા અમલીકરણ સમિતિને આ વખતે અંદાજે રૂપિયા બે કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમિતિ દ્વારા રાજ્ય સરકાર પાસેથી આ નુકસાન અંગે ગ્રાન્ટ માંગવામાં આવી છે. બીજી તરફ મેળાની સુરક્ષા માટે રૂપિયા 10 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો હતો. જોકે આ મામલે લોકમેળા અમલીકરણ સમિતિએ વીમા કંપનીનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું હતું કે કુદરતી આપદાના કારણે મેળો રદ કરવામાં આવ્યો હતો. જેથી વીમા કંપની આ મામલે કોઈ રાહત આપી શકે તેમ નથી. જો મેળામાં કોઈ દુર્ઘટના કે જાનહાની સર્જાઈ હોત તો વીમા કંપની તરફથી રાહત મળી શકત.
તંત્રની બે મહિનાની તનતોડ મહેનત પાણીમાં!
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનો આ જન્માષ્ટમીનો લોકમેળો જગવિખ્યાત છે. આ લોકમેળાની છેલ્લા બે માસથી વહીવટી તંત્ર દ્વારા તૈયારી થઈ રહી હતી. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સિટી 1 પ્રાંત ડો.ચાંદની પરમાર દ્વારા વિવિધ વિભાગોના સંકલન સાથે મેળાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. છેલ્લા ઘણા સમયથી દિવસ રાત અધિકારીઓ અને કર્મચારીઓ કામમાં ગળાડૂબ રહ્યા હતા. પણ ભારે વરસાદ પડતાં આ મહેનત પાણીમાં ગઈ હતી.
મેળાની આવક વિકાસ કામોમાં ખર્ચાઈ છે
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈશ્વરીયા પાર્ક, ઈવનિંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુર મીનળવાવ વગેરે જેવા સ્થળોના વિકાસકામોમાં લોકમેળા સમિતિ દ્વારા કરાયા હતા.