ખોટા બહાના હેઠળ લટાર મારવા નીકળેલા લોકોને સબક શીખવામાં સાચા લોકો દંડાયા
આરએમસીના વાલમેન, ખાનગી હોસ્પિટલના નર્સ અને કરિયાણું લઇને ઘરે જતી મહિલાના બાઇક ડીટેઇન થતા ધોમધખતા તાપમાં હેરાન પરેશાન થયા
પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફે સાચી વ્યક્તિઓની રજૂઆત ન સાંભળી મનમાની કરી
કોરોના મહામારીને મહાત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન કરી લોકોની સલામતિ માટે આવશ્યક પગલા લીધા છે. ત્યારે લોક ડાઉનનો અમલ કરવાની સાથે શહેરમાં પોલીસે રાશનકીટ અને જરૂરીયાતમંદની મદદ કરી શહેર પોલીસનું ગૌરવ વધાર્યુ છે ત્યારે અમુક સ્થળે પોલીસે સત્તાનો દુર ઉપયોગ કરી અતિરેક કર્યાની ઘટનાઓ સામે આવી છે. કેટલાક મુખ્ય માર્ગ પર સમજયા વિના જ બેરીકેટ લગાવી બ્લોક કરી દીધા છે. લાંબા સમયના લોક ડાઉનના કારણે પાન-ફાકી અને તમાકુના બંધાણી અકળાયા છે. ફાકી અને તમાકુ મેળવવા અહી તહી ફરી રહેલા શખ્સો સામે પોલીસ કડકાઇથી કાર્યવાહી કરે તે જરૂરી અને આવકાર્ય છે પરંતુ કેટલાક બનાવમાં સુકાની પાછળ લીલુ બળ્યા જેવી ઘટના બહાર આવી છે.
શહેરના કોઠારિયા રોડ પર મહાનગર પાલિકાના વાલમેન પોતાના નિત્યક્રમ મુજબ પોતાના બાઇકમાં વાલ ખોલવાના સાધન સાથે જઇ રહ્યા હતા ત્યારે ફરજ પરના પોલીસ સ્ટાફે લોક ડાઉનનો ભંગ કરી કેમ બહાર આવ્યો કહી આઇ કાર્ડ અંગે જરૂરી પૂછપરછ કરી બાઇક ડીટેઇન કરી લીધા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા વાલમેનનું બાઇક તાત્કાલિક છોડવું પડયું હતુ.
આ રીતે રામાપીર ચોકડી પાસે રહેતી ખાનગી હોસ્પિટલની નર્સ પોતાના ડ્રેસમાં ઘરે આવે ત્યારે સ્થાનિક રહીશો તેનો નર્સના ડ્રેસ સાથે વિસ્તારમાં ન આવવા વિરોધ કરી કોરોનાના દર્દીઓની તમે સારવાર કરતા હોવાથી તેનો ચેપ પોતાના પરિવારને લાગુ પડે તેવી દહેશત દર્શાવી ત્યારે નર્સે પોતાની હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી ન હોવાનું સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક રહીશો એકના બે ન થતા નર્સનો ડ્રેસ હોસ્પિટપલે જ બદલી ઘરે આવવાનું શરૂ કરી સમાધાનકારી રસ્તો બંને પક્ષે કઢયો હતો. નર્સ રૂટીન મુજબના ડ્રેસમાં હોસ્પિટલ જવા માટે રામાપીર ચોકડીએ એમ્બ્યુલશની રાહ જોઇ રહી હતી ત્યારે પોલીસ સ્ટાફ આવી લોક ડાઉનનો કેમ ભંગ કર્યો કહી ઘરે જતા રહેવાનું કડકાઇથી કહી ઘરે જવાની ફરજ પાડતા નર્સ હોસ્પિટલ જઇ શકયા ન હતા.
લોક ડાઉનમાં જીવન જરૂરીયાતની ચિજવસ્તુ લોકોને સરળ રીતે મળી રહે તે માટે કરિયાણાની દુકાનો, શાકભાજી અને દુધની ડેરીઓ ખુલ્લા રાખવાની લોક ડાઉનમાં છુટ આપવામાં આવી છે. ત્યારે વર્ધમાનનગરમાં રહેતા જૈન પરિવારની સુશિક્ષિત માતા-પુત્રી કેનાલ રોડ પર ઘઉ ખરીદ કરી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે પોલીસે માતા-પુત્રીને અટકાવી ડબલ સવારીમાં કેમ નીકળ્યા કહી એક્ટિવા ડીટેઇન કરવાનું કહેતા માતા-પુત્રીએ ઘઉનું બાચકું પોતાનાથી ઉચકીને ઘર સુધી પહોચે તેમ ન હોવાની રજૂઆત કરી અન્ય વાહન પણ મળે તેમ ન હોવાનું પોલીસને સમજાવવા પ્રયાસ કર્યો ત્યારે પોલીસે યુવતીને ઘઉનું બાચકું ઘરે પહોચાડીને પરત આવે ત્યાં સુધી યુવતીની માતાને પોલીસે કેનાલ રોડ પર રોકી રાખ્યા હતા. યુવતી વજનદાર ઘંઉનું બાચકું ઘરે મુકીને પરત એક્ટિવા પર કેનાલ રોડ પર આવી પોલીસને પોતાનું એક્ટિવા ડીટેઇન કરવા માટે સોપી માતાને મુક્ત કરાવ્યાનું સામે આવ્યું છે.
નાના મવા ચોકડી પાસે આવેલા ભીમરાવ સોસાયટીની મહિલા એક્ટિવા પર દુધ લેવા નીકળ્યા ત્યારે રાજનગર ચોકમાં પોલીસે મહિલાને અટકાવી દુધ લેવા જવાનું ખોટુ બહાનું કરો છો તેમ કહી એક્ટિવા ડીટેઇન કરી લેતા મહિલાને ચાલીને પરત પોતાના ઘરે પહોચી હતી. પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે તમામ ચેક પોલીસ પર પોલીસ સ્ટાફ સાઇડમાં અને હોમગાર્ડ અને ટ્રાફિક વોર્ડન જ ફરજ બજાવતા હોય તેમ વાહન ચેકીંગ ટ્રાફિક વોર્ડન કરી કોને કંઇ પ્રકારનો પાસ આપવામાં આવ્યો છે અંગેની ટ્રાફિક વોર્ડન કંઇ સમજ ન હોવાના કારણે પાસ અંગે વાહિયાત સવાલ કરી વિના કારણે ઘર્ષણ થાય તેવું વર્તન કરતા હોવાથી પોલીસની છબી ખરડાતી હોવાનું સામે આવ્યું છે.
શહેરના ત્રિકોણ બાગ, હનુમાન મઢી ચોક, રામનાથપરા, જ્યુબીલીથી હોસ્પિટલ તરફ આવતા માર્ગ જેવા મુખ્ય માર્ગ પર બેરીકેટ સમજયા વિના લગાવી રસ્તા બ્લોક કર્યા છે. મુખ્ય માર્ગ પરથી ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલશન જેવા ઇમરજનશી વાહનને પસાર થવું હોય તો પણ મુશ્કેલી પડે તેમ હોવા છતાં બેરીકેટ લગાવી ખાળે ડુચા અને દરવાજા ખુલ્લા જેવું પોલીસ દ્વારા વિચિત્ર કામગીરી કરવાના કારણે લોક ડાઉનમાં પોલીસની સરાહનીય કામગીરીને સામે કેટલીક અધોગતિ સમાન કામગીરી સામે આવી છે.