કાલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

જંગલના રાજાની રહેણીકરણી, રાજવી ગુણ અને જીવનશૈલીની જાણકારી વિવિધ કાર્યક્રમોમાં હજારો વિદ્યાર્થીઓને અપાય

દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુંથી કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે તા. 10 ઓગસ્ટના રોજ જૂનાગઢ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ ભવ્ય રીતે થશે, જેમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લાની શાળા-કોલેજોના 8500 બાળકો ભાગ લેશે, એશિયાઇ સિંહના સંરક્ષણના હેતું સાથે જનપ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એન.જી.ઓ, નાગરિકો અને સરકારી અધિકારીઓ સહિત વિવિધ લોકો રેલીઓ, ભાષણો અને પ્રતિજ્ઞા લેશે.

ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત વન વિભાગ દ્વારા 2016 થી કરવામાં આવી હતી, આ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો, એન.જી.ઓના સભ્યો, સ્થાનિક લોકો, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લે છે.ગુજરાતમાં સિહ સવર્ધન માટે પૂર્વ રાજવીઓ અને જુનાગઢના નવાબોનું અહમ યોગદાન રહ્યું છે.  2016 થી 2019 સુધી આ ઉજવણી ફીઝીકલ રીતે કરવામાં આવતી હતી. પરંતુ 2020 અને 2021 માં કોવીડ-19 મહામારીના લીધે ફીઝીકલ રીતે આ ઉજવણી કરવી શક્ય ન હોય તેથી જુદા જુદા ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરવામાં આવેલ હતી.

આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ફીઝીકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે કરવામાં આવશે. આ વર્ષે ફીઝીકલ ઉજવણીમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લા જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવ-ભુમી દ્વારકા, અને મોરબીની 8500 થી વધુ શાળા અને કોલેજો ભાગ લેશે. આ ઉજવણી માટે દરેક શાળા કોલેજોમાં કીટ તૈયાર કરી પહોચતી કરવામાં આવેલ છે.

આ ઉજવણી માટે આશરે 18.50 લાખ સિંહના મ્હોરા, 4ડ્ઢ3ની સાઇઝના 10,000 બેનર, 10ડ્ઢ8ની સાઇઝના 200 બેનર, 10,000 વન્યજીવને લગત ડોક્યુમેન્ટરીની સી.ડી., 4,00,000 પેમ્ફલેટ, 200 સેલ્ફી માટેની સ્ટેન્ડીઓ, 1,00,000 ગોળ સ્ટીકર અને 20,000 એ4 સાઇઝના સ્ટીકરો બનાવી વિતરણ કરવામાં આવેલ છે.

વર્ચ્યુઅલ ઉજવણીમાં વ્યક્તિઓ એશિયાઇ સિંહો વિશે જાગૃતિ ફેલાવવા માટે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી જોડાઇ શકશે. આ ઉજવણી માટે બેનરો, પંચલાઈન, ટેક્સ્ટ સંદેશાઓ, શુભેચ્છાઓ, ઈ-મેઈલ, ગ્રાફિક્સ, રીલ્સ અને ટૂંકા વિડિયો સહિતની ડિજિટલ અસ્કયામતોની શ્રેણી, વ્યાપક સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરી પ્રસારિત કરવામાં આવી છે.

વધુમાં, વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર હેઝટેગ “WorldLionDay2023” નો ઉપયોગ કરીને વ્યક્તિઓ તેમની પોતાની બનાવેલી પોસ્ટ મુકી શકશે. સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રભાવશાળી વ્યક્તિઓ આ સંદેશાને વધું લોકો સુધી પહોચતું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

આ પ્રયાસના ભાગરૂપે ઓલ ઈન્ડિયા રેડિયો રાજકોટ પર વિશ્વ સિંહ દિવસ નિમિત્તે એક વિશેષ રેડિયો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. વધુમાં, વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ ધરાવતા આસરે 65 લાખથી વધુ ટેક્સ્ટ સંદેશાઓ (SMS) ગુજરાતમાં મોબાઇલ સબસ્ક્રાઇબર્સને મોકલવામાં આવશે. આ ઉપરાંત 1,50,000 થી વધુ ઇ-મેઇલ સબસ્ક્રાઇબર્સને સિંહ દિવસની શુભેચ્છા ધરાવતો ઇ-મેઇલ મોકલવામાં આવશે.

આ ઉજવણીમાં એશિયાઇ સિંહના સંરક્ષણના હેતું સાથે જનપ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એન.જી.ઓ, નાગરિકો અને સરકારી અધિકારીઓ સહિત વિવિધ લોકો શાળામાં એકત્રીત થશે તેમજ રેલીઓ, ભાષણો અને પ્રતિજ્ઞા લેવા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

ગુજરાતમાં સિંહની સંખ્યા 674 : સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં કુદરતી રીતે વિહાર કરે છે ડાલામથ્થા

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે.  એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. જુન 2020ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને 674 થયેલ છે. વસ્તીમાં વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયેલ છે. સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના 30,000 ચો. કી.મી. માં વિહરતા જોવા મળે છે. જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીખે ઓળખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.