સુરેન્દ્રનગર વનવિભાગની ટીમ દોડી ગઈ: જંગલ વિસ્તારમાં ખેડુતોને રંઝાડતા ભુંડ, નીલગાયથી છુટકારો મળશે
સુરેન્દ્રનગરનાં જંગલ વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ એશિયાઈ સિંહનું આગમન થયાનું સુરેન્દ્રનગર વનવિભાગની ટીમ દ્વારા સમર્થન મળતા ખેડુતોમાં અને વનવિભાગનાં કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સુરેન્દ્રનગરનાં ઢેઢુકી ગામની સીમમાં સિંહે પાડીનું મારણ કર્યું હોવાનું જાણવા મળતા સીમ વિસ્તારમાં ખેતીકામ કરતા ખેડુતોને રંઝાળતા ભુંડ, નીલ ગાયથી છુટકારો મળે તેવી આશા જાગી છે.
સમગ્ર ભારતની શાન ગણાતા એશિયાઈ સિંહનું ચોટીલા વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ આગમન થતા વનવિભાગનાં કર્મચારીઓ દ્વારા સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ચોટીલાનાં ઢેઢુકી ગામની સીમમાં સુરેન્દ્રનગર વન વિભાગની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહ આવેલ હોવાની વાત મળતા જ તેઓ ઢેઢુકી ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં દોડી જઈ ખરાઈ કરતા સિંહે પાડીનું મારણ કર્યું હોવાનું જાણવા મળતા વનવિભાગનાં કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને વનવિભાગનાં કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને સંયમ રાખવા અપીલ કરી હતી. છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયગાળા દરમિયાન સિંહો માનવ વસવાટની આસપાસનાં જંગલ વિસ્તારોમાં શાંતીપૂર્ણ વસવાટ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. અત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં સિંહો ખેડુતો સાથે સઅસ્તિત્વથી વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરનાં ઘણા બધા તાલુકાઓમાં સિંહોનાં વસવાટને ખેડુતોએ આવકાર્યો છે કેમ કે સિંહોથી ખેડુતોને ખુબ મોટો ફાયદો થાય છે. સિંહાનાં વસવાટવાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા કાબુમાં રહે છે કેમ કે ગીર અભ્યારણની બહાર ખેડુતો સાથે વસવાટ કરતા સિંહોનો મુખ્ય ખોરાક નીલ ગાય અને ભુંડ છે. જયારે ખેડુતોની આસપાસ સિંહ હોય છે ત્યારે નીલ ગાય અને ભુંડથી પાક બચાવવા ખેડુતોને રાત્રીનાં ઉજાગરા કરવા પડતા નથી અને કિંમતી સમય વેડફાટો બચી જાય છે. અભ્યારણની બહાર વસવાટ કરતા સિંહો ૬૦ થી ૬૫ ટકા નીલ ગાય અને ભુંડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ૩૫ થી ૪૦ ટકા માલઢોરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.