‘ટાઈગર પ્રોજેકટ’ની તુલનામાં એશિયાટિક લાયનના સંવર્ધન પાછળ ફાળવાતા ભંડોળની ટકાવારી માત્ર ૨.૫૭% !!!
ગુજરાતના સાવજોનો ‘સિંહફાળો’ વાઘ ખાઈ જાય છે. મતલબ કે ‘ટાઈગર ઝીંદા હૈ’ની લ્હાયમાં સાવજો બેહાલ છે !! એશિયાટિક લાયનના પાલન પોષણ અને સંવર્ધન માટે માત્ર ૨.૫૭ ટકા ફાળો કેન્દ્ર આપે છે. ઉલ્લેખનીય છે કે એશિયન સિંહો (એશિયાટિક લાયન) કે ડાલામથ્થા માત્ર ગુજરાતના જંગલ ગીરમાં જ જોવા મળે છે પરંતુ આ દુર્લભ પ્રજાતીની જાળવણી માટે તેના પાલન પોષણ અને સંવર્ધન માટે નવી વસતી પેદા કરવા માટે પુરતું નાણાકીય ભંડોળ કેન્દ્ર રઅણાજયને આપે તે જરૂરી છે.
પરંતુ ગુજરાતના સાવજોનો ફાળો તો વાઘ ખાઈ જાય છે. મતલબ કે વાઘના સંવર્ધન માટે સિંહ કરતા વધુ ભંડોળ વાપરવામાં આવે છે. ૨૦૧૬-૧૭માં સિંહ કરતા વાઘ (પ્રોજેકટ ટાઈગર) માટે ડબલ ભંડોળ ફાળવાયું છે.
સિંહ માટે ૧૮૨ કરોડ અને વાઘ માટે ૩૫૫ કરોડ ફાળવાયા છે !!! મતલબ કે સિંહ વાઘ જેટલા લકી નથી આ તો એવું થયું કે પ્રોજેકટ સબમીટ થાય તેના આધારે ભંડોળ ફાળવાયા છે ! આ ન્યાય નહીં પણ અન્યાય છે.
તુલના કરીએ તો પ્રતિ વાઘ અને સિંહ વચ્ચે ફાળવાતા ભંડોળમાં રીતસર ૫૦% જેવો મસમોટો તફાવત છે. બજેટમાં પણ પ્રોજેકટ ટાઈગર હેઠળ વાઘના સંવર્ધન માટે મસમોટી રકમ ફાળવવામાં આવે છે. તેની સામે જાણે સિંહ પર મહેરબાની કરતા હોય તેમ બટકુ રોટલો નાખવામાં આવે છે. એશિયાટિક લાયન કાંઈ ખોટના નથી. ગીરના સાવજોનો જોવા દુર દેશથી લોકો આવે છે. તેનાથી પર્યટન ઉધોગને તો વેગ મળે જ છે. સાથો સાથ બેકારોને રોજીરોટી પણ મળે છે. સિંહ પાછળ ફાળવાતા ભંડોળનો મુદો લોકસભામાં પણ ચગ્યો છે. આગામી બજેટમાં પ્રોજેકટ એશિયાટિક લાયન માટે કેન્દ્ર પુરતું ભંડોળ ફાળવે તે સમયની તાતી માંગ છે.