મીનાકુમારી, ગુરૂદત્ત, દિવ્યા ભારતી અને જીયા ખાન સહિતના એવરગ્રીન કલાકારોની જિંદગી ટૂંકી હોવા પાછળ સંઘર્ષની અનસુની કહાની
બોલીવુડની ઝાકમજાળથી અંજાઈને દર વર્ષે લાખો યુવા-યુવતીઓ મુંબઈ ભણી દોટ મુકે છે. પરંતુ ફિલ્મી ઝાકમજાળમાં સમાયેલા ડર્ટી પિકચરથી તેઓ અજાણ હોય છે. આવા ડર્ટી પિકચરના કારણે આશાસ્પદ અભિનેતા સુશાંતસિંહ રાજપુતને આપઘાત કરવો પડ્યો હોવાના સંકેતો મળી રહ્યાં છે. ત્યારે ભૂતકાળમાં પણ મીનાકુમારી અને ગુરુ દત્ત, દિવ્યા ભારતી, જીયા ખાન સહિતના એવરગ્રીન કલાકારોની જિંદગી ટૂંકી હોવા પાછળ સંઘર્ષની અનસુની કહાની જવાબદાર હોય છે. બોલીવુડમાં એવા અનેક કિસ્સા છે જેમાં જીવનના અંત કે કેરિયર ઉપર લાંછન પાછળ લાઈફ સ્ટાઈલની સાથો સાથ માનસીક તનાવ જવાબદાર હોય છે.
અસ્તિત્વ ટકાવી રાખવાના કાવાદાવામાં બોલીવુડના કલાકારોએ અનેક પરિવારોને રઝળતા કરી દીધા છે. માત્ર નવા-સવા કલાકારોની વાત નથી પરંતુ સુપર સ્ટાર, મેગા સ્ટાર જેવા ઉપનામ ધરાવતા મોટા કલાકારોને પણ અસ્તિત્વ ટકાવી રાખવા કાવાદાવા કરવા પડતા હોય છે. સંજય દત્ત હોય કે મંદાકીની તમામને અસ્તિત્વની લડાઈએ જ ગુનાખોરીની દુનિયાનો પરિચય કરાવ્યો હતો. પડદા પાછળનો પડદો જો ઉંચકાય જાય તો ફિલ્મ જગતના દબાયેલા અનેક રાજ લોકોની સામે આવી જાય. કાદવ-કીચડથી પણ ગંદો બોલીવુડનો આ ચહેરો જોઈ લેનાર કલાકારે આ ક્ષેત્ર મુકી દીધુ છે અથવા તો દુનિયાને અલવીદા કહી દીધી છે.
થ્રી-ઈડીયટસ ફિલ્મમાં એક જાણીતો સંવાદ છે. ‘યે સ્યુસાઈડ નહીં, મર્ડર હૈ’ આવો જ સંવાદ સુશાંતસિંહ રાજપુત કે તેના જેવા અન્ય કલાકારો માટે યોગ્ય ઠરે છે. સુશાંતસિંહના કેસમાં હજુ પોલીસ તપાસ ચાલુ છે. આપઘાત છે કે, આપઘાત કરાવવા પાછળ કોઈનો હાથ છે તે અલગ વિષય છે પરંતુ બોલીવુડમાં કેમ્પીંગના કારણે લાગેલા કલંકોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ટકવા માટેના કાવાદાવાના સમાચાર લોકો માટે નવા નથી. ખાન હોય, કુમાર હોય કે કપુર હોય તમામ એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત છે. અલબત આવા દાખલા દબાઈ જતા હોય છે. પાર્ટીઓ કે, નાઈટ લાઈફની ચકાચૌંધમાં યુવાનો અંજાય જાય છે અને સત્ય છુપાયેલું રહે છે.
બોલિવૂડના એક્ટર સુશાંતસિંહ રાજપૂતે રવિવારે મુંબઈના બાંદ્રા વિસ્તારના તેના એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. ૩૪ વર્ષીય સુશાંતની છેલ્લી ફિલ્મ છિછોરે હતી. ત્યારે આ મામલે કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભણશાળી સહિત આઠ વ્યક્તિ સામે મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં સુશાંતસિંહ રાજપૂતને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સુધીર ઓઝાએ સુશાંતસિંહના પક્ષે આ ફરિયાદ દાખલ કરીને સલમાન ખાન સહિત આઠ વ્યક્તિઓ સામે વિવિધ આરોપો દાખલ કર્યા છે. આ મામલે ત્રીજી જુલાઈએ સીજેએમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. દરમિયાન મુંબઈમાં સુશાંતના અગ્નિસંસ્કાર કર્યા બાદ તેના પિતા તથા અન્ય પરિવારજનો બુધવારે પોતાના વતન પરત ફર્યા હતા. સુશાંતનો પરિવાર બિહારના પૂર્ણિયા જિલ્લાના બડહરા કોઠી સ્થિત મલડીહાનો વતની છે જ્યારે ખગડિયામાં તેનું મોસાળ છે. સુશાંતના પિતા કે કે સિંઘની તબિયત સારી રહી નથી. બુધવારે તેઓ પટણા એરપોર્ટ પર સુશાંતના અસ્થિ સાથે આવ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોની આંખ ભીની થઈ ગઈ હતી અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. હવે સુશાંતના અસ્થિ પટણામાં ગંગા નદીના ઘાટ પર વિસર્જિત કરાશે.