- ભાણવડના જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટની પ્રશંસનીય કામગીરી
- માત્ર જૂન એક જ માસમાં 81 સાપોને રેસક્યુ કરી આપ્યું નવજીવન
દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં છેલ્લા સોળેક વર્ષથી જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત એવા અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા દર વર્ષે હજારો સરીસૃપોનું બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગત જૂન-2024 એક જ માસમાં ભાણવડ અને ભાણવડની આસપાસના ગામોમાં જુદી – જુદી જગ્યાએથી 81 જેટલા સાપોને રેસ્ક્યુ કરી તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા.
રેસ્ક્યુ કરાયેલા સાપોમાં 39 કોબ્રા, 12 ધામણ, 03 અજગર, 08 જળસાપ 2 મગર મળી ફૂલ 81 સરીસૃપોને રેસ્કયુ કરાયા હતા તદુપરાંત ઘાયલ સાપ કે અજગરની સારવાર પણ કરાઈ હતી અને ત્યારબાદ તેને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા.
અત્રે ઉલેખનીય છે કે, ઘણા સાપ પકડનાર લોકોએ આવા જીવોને બચાવવા એ આર્થિક પ્રવૃત્તિ બનાવી લીધી છે, અને સાપ પકડવા માટે મસ-મોટા ચાર્જીસ વસૂલે છે ત્યારે અશોકભાઈ ભટ્ટ અને તેની ટીમના સભ્યો દ્વારા આ સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.
વળી, હાલ ચોમાસાની ઋતુમાં સાપ કે સરીસૃપો પોતાના દરમાં પાણી જવાથી વધુ જોવા મળતા હોય છે તો ઘર કે ઘરની આસપાસ આવા જીવો ક્યાંય જોવા મળે તો તેને મારવાને બદલે વન વિભાગ કે રેસ્કયુઅર મિત્રોનો સંપર્ક કરી તેને રેસ્કયુ કરાવવા પણ અપીલ કરાઇ છે.