ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 126મી જન્મજયંતી અને 125મી જન્મજયંતી વર્ષની પૂર્ણાહૂતિ અવસરે એમની સ્મૃતિમાં ગુજરાત સરકાર દ્વારા જન્મભૂમિ ચોટીલા સ્થિત સરકારી તાલુકા પુસ્તકાલય તથા કર્મ-નિર્વાણભૂમિ બોટાદ સ્થિત ટૂંક સમયમાં જ શરૂ થનાર સરકારી જિલ્લા પુસ્તકાલયનું નામકરણ કરવામાં આવ્યું છે. ચોટીલા તાલુકા પુસ્તકાલય તથા બોટાદ જિલ્લા પુસ્તકાલયના વિશાળ અદ્યતન ભવનનું નિર્માણ કરવામાં આવશે.
જન્મભૂમિ ચોટીલા સ્થિત ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થઈ હતી. 28 ઑગસ્ટ 1896ના જ ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં પોલીસ-પરિવારમાં જન્મેલા લાઈન-બોય ઝવેરચંદ મેઘાણીને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ગુજરાતભરમાં 25 જેટલાં સરકારી પુસ્તકાલય ખાતે પણ આ પ્રકારના પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત ગુજરાત રાજ્યના ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી, ભાજપ જિલ્લા પ્રમુખ જગદીશભાઈ મકવાણા અને મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચોટીલા નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ ખાચર, ચોટીલા પોલીસ ઈંસ્પેકટર જે. જે. જાડેજા, મદદનીશ ગ્રંથાલય નિયામક (અમદાવાદ-ભાવનગર) આર. ડી. પરમાર, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ) અને જિલ્લા ગ્રંથપાલ લલિતભાઈ મોઢ, અગ્રણીઓ ડો. ગોધાણી, કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ભરતસિંહ ડાભી, ગ્રંથાલય ખાતામાંથી રમાબેન રાણા, સુભાષભાઈ પટેલ, તુષારભાઈ ભટ્ટ અને અનિશભાઈ લાલાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
જન્મભૂમિ ચોટીલા ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ-સ્થળો : બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), રાણપુર (કર્મભૂમિ), ધંધુકા (શૌર્યભૂમિ), ધોલેરા (સિંધુડો – ધોલેરા સત્યાગ્રહ), રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ, શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (હાઈસ્કૂલ), ભાવનગર અને જૂનાગઢ (કોલેજમાં અભ્યાસ), બગસરા (વડવાઓનું વતન) ખાતે પણ શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચોટીલા સ્થિત ઐતિહાસિક જન્મસ્થળ અને તેની આજુબાજુમાં આવેલ 5000 ચો.મી. જેટલી સરકારી જગ્યાઓને સાંકળીને રૂપિયા પાંચ કરોડના ખર્ચે ભવ્ય સ્મારક-સંકુલ (મ્યૂઝિયમ)નું નિર્માણ કરવામાં આવશે.