મધ્યપ્રદેશ પડી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો
મધ્યપ્રદેશમાં છેલ્લાં કેટલાક દિવસોથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. 24 કલાકમાં ડેમની સપાટી 1.82 મીટર વધીને આજે 130.40 મીટરે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવરફ્લો થવામાં 8.28 મીટર બાકી રહ્યો છે. કુલ સંગ્રહશક્તિના 70 ટકાથી વધુ ભરાઇ ગયો છે. હજી પાણીની ધોધમાર આવક થઇ રહી હોવાના કારણે આવતીકાલ સુધીમાં ડેમની સપાટી 132 મીટરને પાર થઇ જાય તેવી શક્યતા જણાઇ રહી છે. બંને વીજ યુનિટમાં વીજળીનો ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા દિવસોથી એમપીમાં સારો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારે ડેમની સપાટીમાં 2.75 મીટરનો વધારો થયા બાદ મંગળવારે ડેમની સપાટી 1.82 મીટર વધી હતી. હાલ 138.68 મીટરે ઓવરફ્લો થતાં નર્મદા ડેમની સપાટી 130.40 મીટરે પહોંચી જવા પામી છે અને પાણીની ધોધમાર આવક ચાલુ છે. હાલ પ્રતિસેક્ધડ 90,986 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમ છલકાવવામાં હવે 8.28 મીટર બાકી રહ્યો છે. ગુજરાતને આખુ વર્ષ પીવા અને સિંચાઇ માટે ચાલે તેટલું પાણી નર્મદા ડેમમાં સંગ્રહિત થઇ ગયું છે. આ વર્ષે નર્મદા ડેમ ઓવરફ્લો થાય તે સુખદ સંજોગો દેખાઇ રહ્યા છે.
મધ્યપ્રદેશમાં હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય ડેમની સપાટી આવતીકાલ સવાર સુધીમાં 132 મીટરે પહોંચી જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની સપાટી 121.68 મીટરની હતી. કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ભાજપની સરકાર રચાયાના 17માં દિવસે જ ડેમ પર દરવાજા મૂકી દેવા મંજૂરી આપવામાં આવી હતી. દરવાજા મૂકાયા બાદ ડેમની સપાટીમાં 17 મીટરનો તોતીંગ વધારો થયો છે અને હાલની સપાટી 138.68 મીટરની થવા પામી છે. ગુજરાતનું જળસંકટ સંપૂર્ણપણે તણાઇ ગયું છે કારણ કે સરદાર સરોવર ડેમમાં સિંચાઇ અને પીવા માટે રાજ્યને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત થઇ ગયું છે. ગત વર્ષે અપૂરતા વરસાદને કારણે ડેમ ભરાયો ન હતો. પરંતુ આ વર્ષે નર્મદા ડેમ ઓવરફ્લો તેવા સુખદ સંજોગો વર્તાઇ રહ્યા છે.