- ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’
- છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ રક્તપિત્તના કેસ નોંધાયા હોય તેવા વિસ્તારમાં તપાસણી કરાશે
- આશા અને પુરુષ વોલેન્ટીયર્સની ટીમ ઘરે ઘરે જઈને રકતપિત્ત અંગે સમજ આપી તમામ સભ્યોની તપાસ કરશે
- રાજ્યના 21 લો એન્ડેમીક જિલ્લાના નિયત 164 તાલુકાઓ તથા 6 કોર્પોરેશનમાં તા. 12 થી 21 ડિસેમ્બર 2024 દરમિયાન ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ યોજાશે
રક્તપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં ‘રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ અમલમાં મૂકાયો છે. આવી સ્થિતિમાં રોગ વિશે જાગૃતિ વધારવા તથા રક્તપિત્ત નિર્મૂલન કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા તા.12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2024 સુધી ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ 21 જિલ્લાઓ તથા 6 કોર્પોરેશનમાં ચલાવવામાં આવશે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
વઘુમાં જણાવ્યાનુસાર, રાજ્યના 21 લો એન્ડેમીક જિલ્લાઓ કે જેમાં અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર ઉપરાંત 6 કોર્પોરેશન અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢમાં આ અભિયાન ચલાવવામાં આવશે. જે અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ રક્તપિત્તના કેસ નોંધાયા હોય તેવા વિસ્તારમાં તપાસણી કરવામાં આવશે.
આ જિલ્લાઓના નિયત કરેલા 164 તાલુકાઓમાં લેપ્રસી ડિટેકશન કેમ્પેઈન ચલાવવામાં આવશે. આ કેમ્પેઈનમાં આશા અને પુરુષ વોલેન્ટીયર્સની ટીમ દ્વારા તા.12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2024 દરમિયાન ઘરે ઘરે જઈને રકતપિત્ત અંગે નાગરિકોને સમજ આપશે. ઘરના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે તપાસણી કરવામાં આવશે. જે વ્યક્તિને રક્તપિત્તના શંકાસ્પદ ચિહ્નો જણાય તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ પર નિદાન અને સારવાર માટે મોકલી આપવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.