દાગી નેતાઓના ‘રાજનીતિક ભવિષ્ય’ પર સુપ્રીમનો મહત્વનો ચુકાદો
રાજનીતિમાં દાગી નેતાઓનું સ્થાન શું હોય શકે અને તેઓ ચુંટણી લડી શકે કે કેમ ? આ મુદે છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી ત્યારે હવે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુનામાં સંડોવાયેલા નેતાઓ પર ચુંટણી લડવા સામે રોક લગાવવાની માંગ કરતી અરજી સુપ્રીમમાં કરાઈ હતી. જે રાજકારણીઓ ઉપર ગંભીર ગુનાઓને મામલે કેસ નોંધાયો હોય અને તેને પાંચ વર્ષથી વધુની સજા ફટકારાઈ હોય તેવા નેતાઓને દેશની કોઈપણ ચુંટણીમાં ભાગ લેવા દેવામાં ન આવે તેવી પણ માંગ કરાઈ છે.
આ અરજી પર સુપ્રીમ કોર્ટના સીજેઆઈ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ જજોની એક સંવૈધાનિક બેંચ સુનાવણી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, અરજીકર્તાઓમાં અશ્વીનીકુમાર ઉપાધ્યાય, પૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર જે.એમ.લિંગદોહ અને કેટલાક એનજીઓનો પણ સમાવેશ છે.
વર્ષ ૨૦૧૬ થી આ અરજીઓ પેન્ડીંગ હતી જેના પર હવે સુપ્રીમે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ મુદ્દે ન્યાયધીશ રોહિંતન ફલી નરીમાન, એમ.કે.ખાનવેલકર, ડી.વાય.ચંદ્રચુડ અને ઈન્દુ મલ્હોત્રાની બેંચે સુનાવણી કરી હતી. જણાવી દઈએ કે, આ અગાઉ પણ આ મુદ્દે સરકાર અને સુપ્રીમ વચ્ચે ખેંચતાણ થઈ હતી.
અગાઉ થયેલી સુનાવણીમાં ચુંટણીપંચે કહ્યું હતું કે, ૧૯૯૭માં અને લો-કમિશન ૧૯૯૯માં જનપ્રતિનિધિત્વ કાનુનમાં ફેરફાર કરવાની ભલામણોને અને સમર્થન આપીએ છીએ પરંતુ સરકાર આ કાનુનમાં ફેરફાર કરવા ઈચ્છતી નથી. અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછયું હતું કે, શું ચુંટણીપંચને એ શકિત આપી શકાય છે કે જેથી તે ગુનામાં સંડોવાયેલા નેતાઓને ચુંટણી લડવા સામે રોક લગાવી શકે અને ચુંટણી ચિહન આપવાનો ઈન્કાર કરી શકે. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આ નિર્ણય ચુંટણીપંચ નહીં પણ ચુંટાયેલા પ્રતિનિધિ જ કરી શકે.