ડમ્પર, રેતી, લોડર સહિત રૂ.૮૧.૯૨ લાખનો મુદામાલ ઝબ્બે
જામનગર જીલ્લો ખનીજ ચોરો માટે એપીસેન્ટર બની રહ્યો હોય તેમ રેતી ચોરી કરતા સાત શખ્સો પર એલસીબીનાં પીએસઆઈ કે.કે. ગોહેલ સહિતના સ્ટાફે દરોડો પાડી ડમ્પર, લોડર અને રેતી સહિત રૂ .૮૧.૯૨ લાખનો મુદામાલ કબ્જે કરી સાતેયની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એલસીબી સ્ટાફના કોન્સ્ટેબલ દીલીપભાઈ નાગરભાઈ તણાવડીયા દારૂ અને જુગારના પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી બાતમીનાં આધારે કૂનડ ગામના પાટીયા પાસે ઉડ નદીના પટમાં જામનગરનો અલતાફ અબ્દુલ પટા, તમાચનનો ક્રિપાલસિંહ પ્રવિનસિંહ પરમાર, વીજરખીનો ગજેન્દ્રસિંહ કાળુભા સોઢા, તમાચનનો શકિતસિંહ મહોબતસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગુમાનસિંહ પરમાર, જોડીયાના સેજાદ ઓસમાણ સમેજા અને ઓસમાણ હાસમ વાઘેરને રેતી ચોરી કરતા એલસીબીનાં પીએસઆઈ કે.કે.ગોહેલ સહિતના સ્ટાફે ઝડપી પાડયા છે.
પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ જોડીયાનો ઓસમાણ વાઘેરે પાસ પરમીટ વગર રેતી ચોરી કરતા હોવાની બાતમી આધારે દરોડો પાડી સાત શખ્સો પાસેથી રૂ .૩૦ લાખનું ટી.સી. રૂ .૧.૧૦ લાખની ૪૦ ટન રેતી, રૂ .૩૦ લાખની કિંમતના ત્રણ ડમ્પર, રૂ.૨૦ લાખની કિમંતનું લોડર અને રૂ .૮૨૫૦૦ના રેતીનાં ઢગલા સહિત કુલ રૂ .૮૧.૯૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જામનગર પંથકમાં ખનિજ ચોરીનાં બનાવ દિન પ્રતિદિન વધતા રહ્યા છે. રેતી ચોરી સહિતની કામગીરી બેખોફ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ ખનીજ ચોરીના મામલે અનેક હત્યા અપહરણ અને મારામારીના અનેક ઘટનાઓ સર્જાઈ છે. ત્યારે જામનગર એલસીબીએ દરોડો પાડી વધુ એક ખનીજ ચોરીનો ભેદ ઉકેલી લાખોનો મુદામાલ કબ્જે કર્યો છે.