જ્યુડિશ્યલમાં જોખમી બનેલા એડવોકેટ સાથે અન્ય કોણ સંડોવાયુ? પોલીસ દ્વારા સઘન પૂછપરછ

સુરેન્દ્રનગર અને લીંબડીના જજની જાણ બહાર બારોબાર રાજીનામાં લખી હાઇકોર્ટમાં મોકલવા અંગેના એકાદ વર્ષ પહેલાં નોંધાયેલા ગુનામાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ સુરેન્દ્રનગરના વકીલની ધરપકડ કરી અતિ સંવેદનશીલ અને ન્યાયતંત્ર માટે અતિ મહત્વના ગણાતા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બંને ન્યાયધિશના રાજીનામાં શા માટે લખી હાઇકોર્ટમાં મોકલ્યા તે અંગેની પૂછપરછ માટે ઝડપાયેલા એડવોકેટને ચાર દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.  ભેજાબાજ ગણાતા ધારાશાસ્ત્રીની પૂછપરછ માટે સાઇકીયાટ્રીકની મદદ લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડીના સેશન્સ જજ પ્રતિક જે.તમાકુવાલા અને સુરેન્દ્રનગરના ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ કુમારી રૂચિતા રાજેએ હાઇકોર્ટમાં રાજીનામાં લખેલો પત્ર મોકલવામાં આવ્યો હતો. રાજીનામાં પત્રમાં બંને ન્યાયધીશની ખોટી સહિ કરવામાં આવી હોવા અંગેની ગત તા.9/10/21ના બંને જજ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. રાજીનામાં પત્રમાં ન્યાયધિશ કાર્ય પ્રણાલીથી નારાજ થઇને રાજીનામું આપતા હોવાનું લખવામાં આવ્યું હોવાથી સમગ્ર રાજ્યના જ્યુડીશ્યલમાં ખળભળાટ મચી ગયો હતો.

એડવોકેટ મહેન્દ્ર મુળીયાના હેન્ડ રાઇટીંગના અભિપ્રાયના આધારે એસ.ઓ.જી. પી.આઇ.એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. એમ.બી.પઢીયાર, એ.એસ.આઇ. પ્રવિણભાઇ આલ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ પરમાર, જયરાજસિંહ ઝાલા અને સંગીતાબા રાણા સહિતના સ્ટાફે વકીલ મહેન્દ્ર મુળીયાની જજની બોગસ સહી કરવાના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

વકીલ મહેન્દ્ર મુળીયાને ઇચ્છીત ચુકાદા અદાલતમાંથી ન મળતા હોવાથી બંને ન્યાયધિશના રાજીનામાં પત્ર હાઇકોર્ટમાં મોકલ્યા હોવાની શંકા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. એડવોકેટ મહેન્દ્ર મુળીયાના રિમાન્ડ મળ્યા બાદ મનોચિકિત્સકની મદદ લઇ પૂછપરછ કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.