જીસને પાપ ન કિયા હો…
મધ્યપ્રદેશમાં યોજયેલી રેલીમાં પથ્થમારાના કારણે અનેક ઇજાગ્રસ્ત:મુખ્યમંત્રી શિવરાજસિંહનું કડક વલણ
હાલમાં જ મધ્યપ્રદેશ ખાતે રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી રેલી કાઢવામાં આવી હતી. રેલી પર અચાનક જ અમુક તત્વો દ્વારા પથ્થમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહએ સખત શબ્દોમાં વખોળી કાઢી છે. શિવરાજસિંહે કહ્યું છે કે, ટૂંક સમયમાં પથ્થરબાજી કરનારાઓ વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે.
સીએમ શિવરાજસિંહે રવિવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે માત્ર કડક પગલા લેવામાં આવશે જ નહીં, પરંતુ સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને સજા પણ ફટકારવામાં આવશે. મેં કડક કાયદો ઘડવાની સૂચના આપી છે અને તેના પર કામ શરૂ કરી દેવાયું છે. કાયદો ટૂંક સમયમાં ઘડી કાઢવામાં આવશે.
અગાઉ સીએમ શિવરાજે કહ્યું હતું કે, પથ્થરબાજો સમાજના દુશ્મનો છે. પથ્થરમારો કરવો એ કોઈ સરળ ગુનો નથી. કોઈકે ગમે ત્યાંથી ઉભા રહીને પથ્થરમારો કર્યો તેનાથી લોકોને ગંભીર ઇજા થઈ શકે છે અને જીવ પણ જઇ શકે છે. પથ્થરમારો ભય અને આતંકનું વાતાવરણ બનાવે છે. ગભરાટ પેદા થાય છે, અરાજકતા આવે છે જેથી આ બાબતને બિલકુલ સાંખી નહીં લેવામાં આવે.
શિવરાજે કહ્યું કે, સાંસદમાં કાયદો શાસન રહેશે. લોકશાહી શાંતિપૂર્ણ રીતે રાજુઆત કરવાની મંજૂરી આપે છે પરંતુ આગ લગાડવી, તોડફોડ કરવી, પથ્થરબાજી કરવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવી નથી. તેથી ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં માત્ર એક નાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હવે અમે સખત સજાની જોગવાઈ માટે કાયદો ઘડી રહ્યા છીએ.
પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ આ મુદ્દા પર જણાવ્યું હતું કે, કાયદો લાગુ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પત્થરમારાની ઘટનાઓ સામેં કડક કાર્યવાહી કરશે. કાયદો ખૂબ જ ટૂંક સમયમાં અમલી બનશે. પથ્થરમારો અને સરકારી સંપત્તિને નુકસાન કરનારા જેલમાં જશે.
ઉલ્લેખનીય બાબત છે કે, મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ઈન્દોરમાં રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે કાઢવામાં આવેલી રેલી પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને પરિસ્થિતિ તંગ બની હતી.
જો આ પ્રકારનો કાયદો આવશે તો તેની અસર ફક્ત મધ્યપ્રદેશ નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળશે. ઘણીવાર સરકાર વિરોધી આંદોલન પણ હિંસાત્મક બનતા હોય છે અને જાહેર સંપતિઓને નુકસાની પહોંચતી હોય છે ત્યારે આ કાયદો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.