જયદેવે ડીવાયએસપી ગાંધીને કહ્યું કે ન્યાયની દેવીએ આંખે પાટા બાંધેલા હોય છે, સામે વિધાયક છે કે કેમ ? તે જોવાતુ નથી

કોડીનારથી ફોજદાર જયદેવની બદલી કરવા માટે ગયેલા ત્યાંના વિધાયક અને જીલ્લાના મીનીસ્ટર મુખ્ય મંત્રીને ગાંધીનગર મળીને રાજીનામાની ધમકી આપતા મુખ્યમંત્રીએ જે વલણ લીધુ તેનાથી ધમકી આપનાર બંને જણા સમસમીને રહી ગયા કેમકે સત્તાનો સ્વાદ અને નશો બંને એવા આહલાદક હોય છે કે તે છોડી દેવાની ધમકી આપી શકાય પણ તેની સામે બીજો લાભ દેખાતો ન હોય તો રાજીનામા આપવા સહેલા નથી હોતા.

ગાંધીનગરની નિષ્ફળતા એ અમરેલીના મીનીસ્ટરને તેની અસલીયત ઉપર લાવી મુકયા અને તેમણે અમરેલી પોલીસ વડા સાથે ટેલીફોન ઉપર અભદ્રભાષાનો પણ દૂરૂપયોગ ચાલુ કર્યો. પણ અડધા રાજકારણી એવા પોલીસ વડા કરે તો જયદેવની બદલી કરે પણ હવે તો મુખ્યમંત્રી પણ નારાજ થાય તેમ ‘વાત દોઢે ચડી ગઈ’ હતી

જયદેવ તો પોતાની ફરજ ઉપર કોડીનાર જ હતો પરંતુ તેને પોતાના સરદાર સેનાપતિ (પોલીસવડા)ની મુશ્કેલીનો અહેવાલ મળ્યા કરતો હતો. પરંતુ પોલીસ વડા આ રાજકીય ગણીત ગણીને જ દુ:ખી થતા હતા એક ફોજદાર ને બદલી નાખે તોકોઈ નોંધ લેવાનું ન હતુ કેમકે ગાંધીનગર ખાતે સરકાર જ ડચકા લેતી ચાલતી હતી આજ પડે કાલ પડે કેમકે બે ત્રણ ધારાસભ્યની સંખ્યાનો જ તફાવત હતો.

આ તરફ રાજકીય શિકસ્ત મળતા કોડીનારનો ડોન પણ પોતાની તાકાત સાતે મેદાનમાં ઉતરી ચોગઠા ગોઠવી મોરચા માંડવા માંડયો પણ તે ગાંધીનગર બેઠા બેઠા ટેલીફોનથી પોતાના ટાયાઓને સુચનાઓ આપીને. ડોનને કોઈ જાણકાર કે રાજકારણી એજ સલાહ આપી કે જો કોડીનારમાં કોમી ઝઘડો થાય અને અંધાધુંધી ફેલાય તો ફોજદાર જયદેવ તો ઠીક પણ અમરેલીના પોલીસ વડા પણ ઉંધે માથે થશે અન કાંઈક નીરાકરણ પણ આવી જશે.

એક દિવસ રાત્રીના જયદેવ પોલીસ સ્ટેશનની બાજુમાંજ આવેલા સરકારી ગેસ્ટ હાઉસમાં હતો ત્યારે અગીયારેક વાગ્યે પોલીસ સ્ટેશન ઓફીસરે જયદેવને ખબર આપ્યા કે છારા નાકાથી આગળ જતા મુખ્ય રોડ ઉપર કબ્રસ્તાનની દિવાલ બાબત લઘુમતી અને બહુમતી જ્ઞાતિઓ સામસામે આવી ગયેલ છે. અને તોફાનો શરૂ થઈ ગયા છે.

આમેય જયદેવ હંમેશા રેડ એલર્ટ પોઝીશનમાં જ રહેવા ટેવાયેલો હતો. તેને તો ફકત ખાખી વાધા જ ચડાવવાના બાકી હતા તે તૈયાર થઈને વધુ બંદોબસ્ત માટે જવાનો ને પોલીસ લાઈનમાંથી બોલાવી રવાના કરવા પી.એસ.ઓ.ને સૂચના કરી પોતે જીપ લઈને કહેવાતી બનાવ વાળી જગ્યો ઘસી આવ્યો અહી હજુ તો સામસામે બંને કોમના ટોળા એકઠા થતા હતા વિધિસરના આક્રમણ હજુ થયા નહતા

કોડીનાર પોલીસ દળમાં આમતો જયદેવ બદલીમાં હાજર થયો ત્યારથી જ ચર્ચા થતી હતી કે હવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરાબર કમઠાણ જામશે. તે ચર્ચાઓમાં ડોનની દોડાદોડી અને વિધાયકના રાજકીય વિરોધની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી અને પછી તો પોલીસદળના જવાનો પણ જનતામાં અને અમુક રાજકારણીઓને ચર્ચા દરમ્યાન જયદેવની ભૂતકાળની નિર્ભય કડક પણ ભેદભાવ રહીત કાર્ય પધ્ધતિની વાત કરતા કે જયદેવના લીસ્ટમાં ડર કે કે બદલીના ડરનું નામ જ નથી જે થશે તે સીધુ કાગળ ઉપર શેહશરમ વગર થશે. આ ચર્ચાની અસર ગુનેગારો તો ઠીક પણ ગુન્હાઈત માનસ વાળા રાજકારણીઓને પણ વધારે થતી હતી.

જયદેવ જેવો જીપ લઈને આ બબાલ વાળી જગ્યાએ આવ્યો ત્યાં જ એકઠા થયેલા ભાડુતી લુખાઓમાં નાસ ભાગશરૂ થઈ હજુ સુધી કોઈ બનાવ બનેલ જ નહિ હોય કોઈ ફરિયાદ પણ થઈ ન હતી છતા જયદેવે અગમચેતીના પગલા રૂપે હાજર રહેલ લોકોમાં જે ગુન્હાઈત ભૂતકાળવાળા શખ્સો હતા તેમને જરા પણ સંકોચ કે ભેદભાવ વગર સી.આર.પી.સી.ક. ૧૫૧ તળે અટકાયત કરી લોક અપભેગા કર્યા અને પોલીસ જવાનો આવી જતા બંદોબસ્ત પણ ગોઠવી દીધો. જયદેવે બંને પક્ષના આગેવાનોને જણાવી દીધું કે પોતે બાંધછોડમાં માનતો નથી અને કાયદા મુજ જે ભારેમાં ભારે કલમો હશે તે મુજબ ગુન્હા નોંધવામાં આવશે સૌ પોત પોતાનાની મર્યાદા અને સલામતિમાં જ રહેજો.

થોડીવારે એક બાતમીદારે આવીને જયદેવને કહ્યું કે ‘સાહેબ અહી કોઈ કોમને તોફાન કરવું નથી પરંતુ ડોનની ચઢામણીથી એક બુટલેગરે ખોટી બબાલ ઉભી કરી ટેન્શન ઉભુ કર્યું હતુ તેવા વાવડ મળે છે. આથી જયદેવે બુધ્ધી પૂર્વકતે બાતમીદાર મારફતે જ તે બુટલેગરને કહેવરાવ્યું કે તું તો મચ્છરની જેમ પીસાઈ જાઈશ અને ખીચડી ખાવા જેવો નહિ રહે ઉપરાંત તારા નિવેદનમાં જ ડોનનું નામ આરોપી તરીકે જાહેર કરાવી દઈશ પછી શું થાય છે તેનો તો તને ખ્યાલ હશે જ.

આ સંદેશા રૂપે મોકલેલ પરોક્ષ ધમકી પેલા બૂટલેગર તો ઠીક પણ ડોન અને તેના ભાડુત ટટ્ટુઓ અને જનતામાં પણ ફેલાઈ જતા તે પછી તે જગ્યા એ કોઈ ચકલુ પણ ફરકયું નહિ અને બીજે દિવસે જયદેવે જાતે જ બંદોબસ્ત પણ વિડ્રો કરી લીધો.

પછી જનતામાં જે ચર્ચાઓ થાય તે મીઠુ મરચુ ભભરાવીને જ થાય અને આ ચર્ચાઓને કારણે ડોન તથા વિધાયક વધારે ઉકળી ઉઠ્યા અને હવે જયદેવની બદલી પ્રતિષ્ઠાનો અને નાકનો પ્રશ્ન થઈ ગયો. તે પછી ડોન જ વિધાયકને સુખની નિંદર લેવા દેતો નહતો.

કોમી તોફાનો કરાવવાનું કાવત્રુ નિષ્ફળ ગયા પછી હવે પોલીસને ધંધે લગાડવાનું અને ગુનેગારોનો ઉપયોગ થવાની શકયતા અને ગુનેગારો સાથ આપે તે શકયતા પણ ઓછી જણાતા ડોન અને વિધાયકને પોતાના હથીયારો હેઠે પડતા જણાતા હતા.

કોડીનાર જેવા ઔદ્યોગીક નગરોમાં સામાન્ય રીતે ધંધાદારી રાજકારણીઓ અને ગુંડા, ગુનેગાર, માથાભારે ઈસમો વચ્ચે એક ધરી કે સાંઠગાંઠ આર્થિક ઉપાર્જન માટેની પણ હોય છે. મોટી કંપનીઓના મોટા ઔદ્યોગીક એકમો (પ્રોજેકટ)જે ચાલુ હોય તેમાં વિવિધ વિવાદો જેવા કે મજૂરોના, ટ્રાન્સપોર્ટનાં સ્થાનિક કાચા માલના, પ્રદુષણના, જમીનની લીઝ વિગેરેના અને ઘણી વખત તો કલ્પના બહારના કારણો ઉભા કરી આ સાંઠગાંઠ વાળાઓ પોત પોતાની રીતે ઔદ્યોગીક એકમો પાસેથી પોતાના હેતુ અને ફાયદાના કામો કઢાવતા હોય છે. ઘણી વખત રોકડ રકમના હપ્તા પણ ચુકવાતા હોય છે!

પરંતુ ડોન અને વિધાયકે મળીને એવું નકકી કર્યું કે જો પોલીસ કાંઈક ને કાંઈક બંદોબસ્ત બબાલમાં લાગી રહે તો તેમને ફાયદો જ દેખાતો હતો. દીવ કેન્દ્ર શાસીત મધપાન મુકત (પ્રોહીબીશન મુકત) વિસ્તારના વણાકબારાથી બોટ મારફતે વેલણ બંદર કે કોડીનારના કોઈ પણ દરીયા કાંઠે જથ્થાબંધ ઈગ્લીશ દારૂ ઉતારાવી વેરાવળ જૂનાગઢ તરફ મોકલવો સાવ સરળ થઈ જાય.

આથી પોલીસ દળ અને ખાસ તો જયદેવ બંદોબસ્તમાં લાગ્યો રહે તેવા કારનામા શોધવા લાગ્યા. કોડીનારની એક મોટી કંપનીએ મુળ દ્વારકા બંદર પાસે જેટી બનાવવા માટે દિવાલ બાંધી હતી જે તે વખતે થોડી બબાલને અંતે મામલો થાળે પડી ગયેલો પણ વિધાયકે તે જુનો પૂરો થઈ ગયેલો પ્રશ્ન ફરીથી ઉખેળ્યો કંપનીએ કોઈ ગેરકાયદેસર બાંધકામ કરેલ જ નહિ. પરંતુ કંપનીનું નાક દબાવવા અને પોલીસને પણ ધંધે લગાડવા માટે આ મામલો ફરી ઉખેળ્યો અને વિધાયકે જાતે જાહેર કર્યું કે કંપની ત્રણ દિવસમાં આ દિવાલ તોડી પાડે અન્યથા પોતે પોતાના કાર્યકરો (ટુંકમાં પોતાના અને ડોનના ભાડુતી ટાયાઓ)ને સાથે રાખી જાતેથી તે દિવાલ હટાવી દેશે તેવું અલ્ટીમેટમ આપી ને ઉગ્ર આંદોલનની જાહેરાત કરી દીધી.

ભૂતકાળમાં કોડીનારના પડોશી તાલુકા તલાળા (ગીર) વિસ્તારના કોઈ સહકારી ખાંડ ઉદ્યોગમાં આંદોલન દરમ્યાન મામલો બીચકતા પોલીસ ફાયરીંગ થયેલા અને તેમાં માણસો અને નેતાનું પણ મૃત્યુ થયેલું અને તેમાં પોલીસ વિરૂધ્ધ પણ ફરિયાદો થયેલી અને ઈન્કવાયરી કમીશન પણ નિમાયેલ તેવા આંદોલનની ધમકી આપી ભય ફેલાવ્યો કે જેથી કાં તો અમરેલી પોલીસ વડા જ ફોજદારની બદલી કરીદે અથવા જયદેવ પોતે જ કોઈ બબાલમાં પડવા કરતા સીકરજા ઉપર ચાલી જાય તેવી પરિસ્થિતિ અને સંજોગો ઉભા કરવાની તેમની મેલી મુરાદ હતી. આમતો લોકશાહીના નામે આ ગુન્હાહિત કાવત્રુ જ ગણી શકાય તેમ હતુ. પરંતુ જયદેવના લીસ્ટમાં મેદાન છોડી દેવાની કોઈ વાત હતી જ નહિ તેમ નકકી કરી લીધુ કે જે થશે તે કાયદેસર થશે!

તે સમયે કોડીનાર પોલીસ સ્ટેશન ધારી ડી.વાય.એસ.પી.ના સુપરવિઝનમાં આવતું હતુ આથી આ આંદોલનની જાહેરાત થતા ધારી ડીવાયએસપી ગાંધી મુંઝાયા, તેમણે ટેલીફોન કરી જયદેવને કહ્યું કે ‘ઉચ્ચ અધિકારીઓની ઈચ્છા છે કે તમે વિધાયકને મળીને સમાધાન કરી લો’ આથી જયદેવે પૂછયું કે ‘શાનું સમાધાન મારે તો કોઈ વાંધો નથી’ ગાંધીએ કહ્યું કે તો વાંધો શું છે? આમ તો ગાંધી બધુ જ જાણતા હતા. પણ કદાચ તેમના કહેવાનો આશય એવો હોય કે તમે વિધાયકને મળીને આજીજી કરો. સામાન્ય રીતે પોલીસ ખાતામાં આવી પ્રેકટીસ હોય છે. પણ જયદેવમાં આવી ખોટી ચમચાગીરી કરવાની આદત તો શું પણ આવડત જ નહતી.

આથી જયદેવે આ વિધાયકે જાહેર કરેલ દિવાલ તોડવાના આંદોલન અંગે ભૂતકાળનાં આંદોલનોનો હવાલો ટાંકી કોડીનાર ખાતે વધુ પોલીસ દળ બંદોબસ્ત ફાળવવા માટે માગણી કરતો રીપોર્ટ તમામ સંબંધીત અધિકારીઓને મોકલી આપ્યો અને એક વાયરલેસ સંદેશો પણ મોકલી દીધો. પરંતુ કોઈના તરફથી વધુ પોલીસ દળ ફાળવવાનો હુકમ થયો જ નહિ. આંદોલનના અલ્ટીમેટમનો દિવસ નજીક આવતો જતો હતો તેમ પોલીસ અધિકારીઓ અને કોડીનારનું પોલીસ દળ ઉચ્ચકજીવે હતુ. આવા સંજોગોમાં પણ પોલીસ વડા નિર્ણય લઈ શકતા નહતા કે જયદેવની બદલી કરવી કે વધુ પોલીસ દળ ફાળવવું.

વિધાયકના અલ્ટીમેટમને હવે એક જ દિવસ બાકીહતો ત્યાં ડીવાયએસપી ગાંધી કોડીનાર આવ્યા અને જયદેવને કહ્યુયં અરે યાર તમે વિધાયકને આટલુ નથી મનાવી શકતા? જયદેવે કહ્યું મનાવવાનું કામ પોલીસનું નહી, પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળવાના છે. કંપનીની દિવાલ કાયદેસર છે કે ગેરકાયદેસર તે બાબત રેવન્યુ ખાતાને લગતી છે. અને હવે પોલીસ દળ તો ઠીક કોડીનારની જનતા પણ વાતો કરે છે કે આ દિવાલ માટેનું આંદોલન નથી પણ ફોજદારને બદલવા માટેનું જ આંદોલન છે. તો હું કેવી રીતે મનાવી શકુ? ગાંધીએ તાલાળા સુગર ફેકટરી આંદોલનની વાત કરી અને કહ્યું કે હાલની સરકાર વિધાયકના પક્ષની છે. જો વધુ બંદોબસ્ત નહિ મળે તો તમે શું કરશો? જયદેવે કહ્યું કે સીક રજા ઉપર તો નહી જાઉ પણ કોડીનાર પોલીસ સ્ટેશનના જવાનો વડે જ બંદોબસ્ત રાખીશ આથી ગાંધીએ કહ્યું કે ‘તાલાળામાં તો આખા જૂનાગઢ જિલ્લાનું પોલીસ દળ બંદોબસ્તમાં હતુ છતા ફાયરીંગ કરવા પડયા હતા તો તેવું થાય તો તમે શું કરશો? ‘જયદેવે કહ્યું મામલતદારને લેખીત રીપોર્ટ મોકલી એકજીકયુટીવ મેજીસ્ટ્રેટને હાજર રાખવા પ્રબંધ કરેલ છે અને કોડીનારના તમામ જવાનોને ૩૦૩ રાયફલો કાર્ટીસ સાથે આપીને બંદોબસ્ત રાખીશુ છતા કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવા કોશિષ કરશે તો પ્રથમ ચેતવણી આપીને ત્યાંથી ચાલ્યા જવા, વિખરાઈ જવાનું જાહેર કરીશું તેમ છતા નહિ માને તો લાઠી ચાર્જ દબાવીને કરી ખોટા આંદોલનકારોના વાંસા કાબરા કરી દઈશુ. અને છતા પરિસ્થિતિ વણસશે તો ભારતીય ફોજદારી ધારા તળે મળેલ સ્વરક્ષા અધિકાર મુજબ જીવ બચાવવા ફાયરીંગ તો કરવા જ પડે ને નહિતો પાછો ખાતાનો કાવર્ડાઈઝ (કાયરતા)નો ચાર્જ મળે. વળી આ રાજકીય વાતાવરણ જોતા તો હવે લાગે જ છે કે મારી બદલી નિશ્ચીત છે તો મારી પણ અહી કાયમી યાદી રહે તેવી વ્યવસ્થા પણ કરતો જાઉ ને? આ સાંભળીને ગાંધી અચંબોપામી ગયા અને બોલ્યા માનો કે વિધાયક પોતે આગળ ચાલીને દિવાલ પાડશે તો પણ તમે આવા પગલા લેશો? જયદેવે કહ્યું લોકશાહીમાં ન્યાયની દેવીની આંખે પાટા બાંધેલા હોય છે. તેનો મતલબ હું એવો માનું છું કે કાયદો સર્વ માટે સમાન છે.

ડીવાયએસપી ગાંધીએ અગાઉ ભાવનગર સીપીઆઈ તરીકે ફરજ બજાવેલી અને ત્યારે જયદેવ તેના વતનના ગામ વરતેજ ખાતે ગાંધીને મળેલો ગાંધી વરતેજ ગામની માનસીકતાથી તો પરિચિત હતા. પણ જયદેવના ભૂતકાળને પણ જાણતા હતા. તેથી તેમણે મનોમન માન્યું કે જો ખરેખર વિધાયક કાંઈક ચાળો કરશે તો આ સમગ્ર સંજોગો જોતા જયદેવ પણ ચૂપ રહીને તમાશો જોતો નહિ રહે અને પછી તો ન થવાની થશે.

ત્યારબાદ ગાંધી વિધાયકને મળ્યા. વિધાયકતો અલ્ટીમેટમ મુજબ અડગ જ હતા. કેમકે કોમી તોફાન કરાવવાનું કાવત્રુ નિષ્ફળ ગયા પછી હવે જનતા સાથ આપવાની કોઈ શકયતા ન હતી અને ગુનેગારો પણ મોળા પડીગયા હતા. પરંતુ અનુભવી અને પારસી ડાહી કોમના ડીવાયએસપીએ કોણ જાણે વિધાયકને ડરાવ્યા કે સમજાવ્યાકે સંભવીત પરિણામોથી વાકેફ કર્યા અને સરવાળે ખોટ અને બેઈજજતી વિધાયકના ફાળે જ જતી હોવાનું જણાવ્યું અને આથી વિધાયકે પોતે જાહેર કરેલુ ખોટુ આંદોલન મોકુફ રાખ્યાનું જાહેર કરી દીધું.

બીજી બાજુ વિધાયક અને મીનીસ્ટરનો ટેલીફોનીક ત્રાસ તો પોલીસ વડા ઉપર ચાલુ જ હતો. તેવામાં એક દિવસ જૂનાગઢ રેન્જ આઈ.જી.પીના તાબાની વેરાવળ ટાસ્ક ફોર્સ શાખા (જેનું કાર્યક્ષેત્ર આખુ સૌરાષ્ટ્ર હતુ)ના એક અધિકારી કોડીનાર આવી જયદેવને મળ્યા અને આ વાંધાનો નિકાલ કરવાની તજવીજ કરી. જયદેવે જ કહી દીધું ગુનેગારો સાથે સમાધાન ન હોય હવે તો એક જ રસ્તો બાકી છે. અને તે મારી બદલીનો. તેમણે અમરેલી પોલીસ વડા સાથે ટેલીફોન ઉપર વાત કરી ને જયદેવને કહ્યું પોલીસ વડા તમને અમરેલી જીલ્લા ટ્રાફીક ફોજદાર તરીકે મૂકવા ઈચ્છે છે. આથી જયદેવે તેની તાત્કાલીક ના પાડી દીધી કે મારા સ્વભાવ મુજબ મને ટ્રાફીક શાખા અનુકુળ ન જ આવે મને સમગ્ર રેન્જમાં ગમે તેવું નાનું પણ પોલીસ સ્ટેશન મળે તો આવનાર ચૂંટણીના દિવસોમાં મારે અહીથી ત્યાં જયાં ત્યાં બંદોબસ્તમાં જવાની માથાકૂટ ટળી જાય. તેમણે થોડો વિચાર કરીને કહ્યું ‘સાલુ બધી જગ્યાએ વિધાયકોના જ ફોજદારો ગોઠવાયેલા છે.બદલાવવા પણ કોને? અને તેઓ પણ ગયા !

ત્યારબાદ એક દિવસ અમરેલીથી જયદેવને જણાવવામાં આવ્યું કે લાઠી ફોજદાર લાંબી રજા ઉપર ગયા છે. પોલીસ વડા ઈચ્છે છે કે તમો લાઠીના વિધાયક દ્વારા પોલીસ વડાને કહેવરાવો કે જયદેવને લાઠી થાણામાં મૂકે તો તેમને વાંધો નથી આથી તમામ વિવાદનો અંત આવી જાય. ખરેખર વિવાદ તો ગુનેગાર અને રાજકારણ ને હતો જયદેવને તો કોઈ વિવાદ હતો નહિ છતા જયદેવને થયું કે પોતાના હિસાબે સમગ્ર પોલીસ દળ મુશ્કેલી અનુભવે તે પણ બરાબર નહિ આથી તેણે તેના જુના પરિચિત લાઠીના અગ્રણી અને સજજન વ્યકિત માસાભાઈની સાથે વાતચીત કરી આથી માસાભાઈ એ જયદેવને કહ્યું કે તમારા જેવા અધિકારી લાઠી તાલુકાને મળે તો તાલુકો ભાગ્ય શાળી જ કહેવાયને? અને માસાભાઈએ લાઠીના વિધાયકને વાત કરીઅને લાઠીના વિધાયકે પોલીસ વડાને વાત કરી અને આમ છેલ્લા એક મહિનાથી ચાલતુ બદલીના વિવાદનું નાટક પૂરૂ થયું. જયદેવનો લાઠી પોલીસ સ્ટેશનનો હુકમ થતા તે લાઠી હાજર થઈ ગયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.