કાર્યક્રમનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન: તેજસ્વી ખેલાડીઓને રોકડ પુરસ્કારી સન્માનિત કરાયાં: વડાપ્રધાન મોદીએ લેવડાવ્યા શપ
રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, સહકાર તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે રાષ્ટ્રીય કક્ષાના ફીટ ઇન્ડિયા મુવમેન્ટના રાજ્યકક્ષાના કાર્યક્રમનો તથા ઇન્ટર ડીસ્ટ્રીકટ હોકી લીગનો રાજકોટ ખાતે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ખેલકૂદલક્ષી પ્રોત્સાહક નીતિને પરિણામે ગુજરાતના ખેલાડીઓ વૈશ્વિક મંચ પર ઉભરી રહ્યા છે. મંત્રીએ આ પ્રસંગે આંતર-રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવનાર ગુજરાતના ખેલાડીઓનો સગૌરવ ઉલ્લેખ કર્યો હતો.
મંત્રી પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જીવનની ટુંકી વિગતો તેમના વકતવ્યમાં વણી લીધી હતી. તથા રમત-ગમત ક્ષેત્રે રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની વિગતો પણ રજૂ કરી હતી. ૨૮ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ૪૦ લાખ ૭૦ હજાર ૮૯૦ ખેલાડીઓનું ખેલ મહાકુંભ-૨૦૧૯માં રજીસ્ટ્રેશન થયાની માહિતી મંત્રી ઇશ્વરસિંહે આ પ્રસંગે આપી હતી.અને ખેલ મહાકુંભના માધ્યમ થકી રમત-ગમત ક્ષેત્રે ઉજ્જવળ કારક્રીર્દિ બનાવવા ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલ ફીટ ઇન્ડિયા મુવમેન્ટના લોન્ચીંગ કાર્યક્રમનું આ પ્રસંગે જીવંત પ્રસારણ કરાયું હતું. ઉપસ્થિત સર્વેએ વડાપ્રધાન મોદી દ્વારા લેવડાવવામાં આવેલ શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રી તથા મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ આમંત્રિતોનું પુષ્પગુચ્છ તથા હોકીની પ્રતિકૃતિ સમા સ્મૃતિચિહનથી સ્વાગત કરાયું હતું.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ડી.ડી. કાપડીયાએ સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તથા વડાપ્રધાન મોદીના હસ્તે લોન્સ થનાર ફીટ ઇન્ડિયા રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમના રાજ્ય કક્ષાના કાર્યક્રમ અંગે સવિસ્તર વિગતો આપી હતી. હોકીના જાદુગર તરીકે જાણીતા થયેલા મેજર દયાનચંદની જન્મ જયંતી નિમિતે ૨૯ ઓગસ્ટ સમગ્ર દેશમાં ઉજવાતા નેશનલ સ્પોર્ટસ ડે નિમિતે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં સામેલ થવા કાપડીયાએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કુતિક પ્રવૃત્તિઓને વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાન સ્થિત હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.વાઇસ ચાન્સેલર ડો.અર્જુનસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચન શારીરિક સજ્જતાનું મહત્વ સમજાવી રમત-ગમતને જીવનનો અગત્યના પરિમાણ તરીકે સ્વીકાર કરવા પર ભાર મુક્યો હતો. મેયર બીનાબેન આચાર્યએ તેમના વક્તવ્યમાં ખેલાડીઓને નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. અને રમત-ગમત થકી જીવનમાં પ્રગતિના શિખરો સર કરવા શુભકામનાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ તથા અરવિંદભાઇ રૈયાણી, રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ડી.કે.સખિયા, મ્યુનિ.કમિ.બંછાનિધિ પાની, પોલિસ કમિ. મનોજ અગ્રવાલ નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય, ડે.મ્યુ.કમિ. ચેતન નંદાણી તથા ચેતન ગણાત્રા જિનિયસ ગૃપના એમ.ડી. ડી.વી.મહેતા, વિવિધ શાળા-કોલેજના છાત્રો, ખેલાડીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
મેદાન વગરની શાળા-કોલેજોમાં મનપાના મેદાનો અને અખાડાઓનો ઉપયોગ કરવા ઠરાવ: અર્જુનસિંહ રાણા
અર્જુનસિંહ રાણા (કુલપતિ – સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી)એ આ તકે મેદાનના અભાવ વિશે જણાવ્યું હતું કે જે હાલમાં જ દિલ્લી ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ની આગેવાની માં બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાત ના તમામ શાળા – કોલેજો કે જેમાં મેદાન નથી તેને મનપા સંચાલિત મેંદાનો – અખાડાઓનો ઉપયોગ કરવા દેવા માટે ઠરાવ કરાયો છે. ઉપરાંત તેમણે ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડી તેમજ સૌરાષ્ટ્ર ના રવિન્દ્ર જાડેજા ને અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત વિશે ખુશી વ્યક્ત કરી હતી.