અબતક,રાજકોટ
કુ એપનું લોન્ચ આપણા માટે ગૌરવની વાત છે તેમ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે કૂ એપ જે તાકતથી સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રવેશી છે તે આપણા માટે ગર્વની બાબત છે. દિલ્હીમાં આયોજિત ‘રાઈઝ – સ્ટાર્ટ અપ ટુ યુનિકોર્ન’ કોન્કલેવમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રીએ દેશમાં સફળ થઈ રહેલા નવા સ્ટાર્ટ-અપ્સની પ્રશંસા કરી હતી.
ખાનગી હિન્દી ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત આ સમારંભમાં કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્ર તોમર અને અર્જુન મેઘવાલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. યુઝર્સ પોતાની ભાષામાં વિચારોની અભિવ્યક્તિ કરવા માટે સ્વદેશી બનાવટની કૂ એપનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણથી કૂ એપ સામાન્ય લોકોમાં વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે.
અગ્રણી પ્રસાર માધ્યમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી વિભાગના કેન્દ્રિય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કૂ એપના સીઈઓ અને સહ-સ્થાપક અપ્રમય રાધાકૃષ્ણનું સન્માન કર્યું હતું.કૂ એપની રચના સાથે જ સેલિબ્રિટીસ, ખેલાડીઓ અને અન્ય જાણિતી હસ્તીઓએ કૂ એપ પર તેમના એકાઉન્ટ ખોલવાનું શરૂ કર્યું છે.
ઉદાહરણરૂપે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી, ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દિન, વિરેન્દ્ર સહેવાગ અને અન્ય અનેક મોટા ક્રિકેટર્સ કૂ એપ મારફત તેમની પોતાની ભાષામાં તેમના ચાહકો અને લોકો સાથે જોડાઈ રહ્યા છે. એ જ રીતે અભિનેતા ટાઈગર શ્રોફ, ક્રિતી સનોન અને શ્રદ્ધા કપૂર પણ આ પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય છે. ઉપરાંત વિવિધ રાજ્યોના 16 મુખ્યમંત્રીઓ પણ આ પ્લેટફોર્મ પર જોડાયા છે, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સામવેશ થાય છે. આ બધા જ લોકો આ સ્વદેશી પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય છે.