આવતીકાલથી જીટીયુની છેલ્લા સેમની પરીક્ષાનો પ્રારંભ: પરીક્ષા માટે અલગ-અલગ વિકલ્પો અપાયા
છેલ્લા અનેક દિવસોથી કોલેજોની પરીક્ષા યોજવી કે નહીં તે મુદ્દે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા જોકે આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજયની તમામ યુનિવર્સિટીમાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરાં કાળમાં આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટીની પરીક્ષા યોજાવાની છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે તમામ યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિકલ્પો પણ આપ્યા હતા. જેમાં ઓનલાઈન, ઓફલાઈન અને બંને રીતે પરીક્ષા ન આપી શકે તો અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી. આવતી કાલથી જીટીયુની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થશે. ૩૫૦ જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવશે. કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા યોજાશે. સાથે જ પોલીસ રક્ષણ સાથે પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા લેવાની સાથો સાથ છેલ્લા વર્ષની પરીક્ષા જે-તે યુનિવર્સિટીનાં સમયપત્રક મુજબ લેવામાં આવશે. પરીક્ષા લેવા માટે જીટીયુનાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિભાવો મંગાવવામાં આવ્યા હતા જેમાં ૫૪ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સહમત થયા હતા જયારે ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની ના પાડી હતી જોકે જીટીયુની આવતીકાલથી પરીક્ષાનો પ્રારંભ થાય છે ત્યારે જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓને અનેક વિકલ્પો આપવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો ઉપર સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનિટાઈઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જીટીયુની પરીક્ષા ૩૫૦ કેન્દ્રો ઉપર લેવામાં આવશે.વિદ્યાર્થીઓની ચોઈસ મુજબ પરીક્ષા લેવાથી તાલુકામાં કેન્દ્રો ઊભા કરીને પણ પરીક્ષા લેવાશે. જીટીયુની પરીક્ષા પછી બાકીની સરકારી તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા રાબેતા મુજબ નક્કી થયેલા ટાઈમ ટેબલ મુજબ લેવામાં આવશે છેલ્લા વર્ષની પરીક્ષા લેવાનો હાલ નિર્ણય સરકારે કર્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર રેલી પરીક્ષાની સફળતા બાદ સરકારે આ નિર્ણય કર્યો છે.