કાયમી ડીજીપીની નિમણુંક મામલે ગુજરાત હાઇકોર્ટની ચૂંટણી પંચની નોટિસ પાંચમી સુધીમાં જવાબ આપવા તાકિદ
રાજયનાં ઈન્ચાર્જ ડીજીપી ગીથા જોહરી આજે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને આર્મ યુનિટના ડીજીપી પ્રમોદકુમાર અથવા ઈન્ટેલીજન્સ ડીજીપી શિવાનંદ ઝાને જવાબદારી સોંપવામાં આવે તેવું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજયમાં અતિ મહત્વપૂર્ણ ગણાતી ડીજીપીની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ ડીજીપીના આધારે કામ ચલાવાઈ રહ્યું છે. આ મામલે હાઈકોર્ટમાં પણ પીટીશન કરવામાં આવી છે. પિટીશન પર અનેકવખત સુનાવણી થઈ છે. અલબત હજુ સુધી કાયમી ડીજીપી મામલે સરકારે નિર્ણય લીધો ન હોવાનું જણાઈ આવે છે.
હાલના ઈન્ચાર્જ ડીજીપી ગીથા જોહરી આજે નિવૃત થવા જઈ રહ્યા છેય હવે કાયમી ડીજીપીની નિમણુંક કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. આ મામલે હાઈકોર્ટે ચૂંટણી પંચ પાસે પણ જવાબ માંગ્યો હોય પંચે કોર્ટ પાસે જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે. હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી ૫ ડિસેમ્બર સુધી મુલત્વી રાખવામાં આવી છે.
રાજયમાં ઘણા સમયથી કાયમી ડીજીપીની નિયુકતી ન કરવામાં આવતા હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેમાં રજુઆત કરાઈ હતી કે, ભૂતપૂર્વ ડીજીપી પી.સી. ઠાકરની બદલી થઈ જતા તેમની જગ્યાએ ઈશરત જહાં એન્કાઉન્ટરના આરોપી તરીકે રહેલા પી.પી. પાન્ડેયને ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ સરકારે સોહરાબુદીન એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા ગીથા જોહરીને ઈન્ચાર્જ ડીજીપી બનાવ્યા છે.
એન્કાઉન્ટર કેસમાં હોવા છતાં તેમને રાજયની આટલી અગત્યની જગ્યા પર નિમણુંક આપવાથી કેસના સાક્ષી સાથે પણ છેડછાડ થઈ શકે તેમ હોવાની દલીલ કરવામાં આવી હતી અન્ય ઘણા સીનીયર અધિકારી પ્રમોશન માટે લાયક હોવા છતા તેમના બદલે એન્કાઉન્ટરમાં સંડોવાયેલા અધિકારીઓને ઈન્ચાર્જ ડીજીપી બનાવવાથી પોલીસના નૈતિક મનોબળ પર અસર થઈ રહી હોવાની રજૂઆત થઈ હતી. ડીજીપી જેવી જગ્યા પર નિમણુંક બાબતે રાજકીય હસ્તક્ષેપ પણ વધી રહ્યો છે. જેના કારણે પોલીસ અધિકારીઓ પર દબાણ વધવાથી તટસ્થ રીતે કામ કરવામાં મુશ્કેલી પડશે બીજી તરફ સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજયમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી હાલ નવા ડીજીપી અંગે નિર્ણય લઈ શકાય તેમ નથી.