ઘનિષ્ઠ વનના નિર્માણ માટે કુલપતિ-ઉપકુલપતિ દ્વારા શ્રીફળ વધેરીને વૃક્ષારોપણના નુતન પ્રકલ્પનો શુભારંભ: પ્રથમ ફેઈઝમાં આશરે ૧૧ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર: મિયાવાકી પદ્ધતિથી ૧ માસમાં ૫૦ હજાર વૃક્ષોનું વાવેતર કરી જતન કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં ગ્રીન કેમ્પસની સંકલ્પનાને સાકાર કરવા માટે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ખાતે સદભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી જાપાનીઝ મીયાવાકી પધ્ધતિથી આશરે સાડા ચાર એકરમાં ઘનિષ્ટ વનનું નિર્માણ કરવા માટે નિર્ણય કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઘનીષ્ટ વનના નિર્માણ માટે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિના વરદહસ્તે શ્રીફળ વધેરીને આ નુતન સંકલ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે કુલપતિ ડો.નીતિન પેથાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર મીયાવાકી પધ્ધતિથી આશરે ૫૧ હજાર વૃક્ષોનું વાવેતર અને જતન કરી ઘનિષ્ટ વનનું નિર્માણ કરવામાં આવશે. જેના કારણે ગ્રીન કેમ્પસની સંકલ્પનાને સાકાર કરી શકાશે. શાસણ બાદ સૌથી મોટું ઘનિષ્ઠ જંગલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તૈયાર થશે. આ તકે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર પ્રથમ ફેઈઝમાં આશરે ૧૧૦૦૦ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર સદભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી કરવામાં આવ્યુ છે.આ સંપુર્ણ કાર્યક્રમ સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા મર્યાદિત સંખ્યામાં આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં કુલસચિવ ડો. જતીનભાઈ સોની, સદભાવના વૃધ્ધાશ્રમના ડો. નીશીથભાઈ ત્રિવેદી, ડો. સંજય પંડયા તથા યુનિવર્સિટી એન્જીનીયર અમીતભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.