ખેડુતોએ વળતર ન સ્વીકારી રૂડાની 60/40 યોજનાનો લાભ આપવાની માંગ કરી હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી હતી
અબતક, રાજકોટ
રાજકોટ- અમદાવાદ સિક્સલેન હાઇવે પ્રોજેક્ટમાં વિવાદિત 8 ખાતેદારોની જમીનનો કલેકટર તંત્ર આગામી બુધવારે પોલીસને સાથે રાખીને કબ્જો સંભાળવાનું છે. જો કે ભૂતકાળમાં ખેડૂતો વળતર ન સ્વીકારી રૂડાની 60/40 યોજનાનો લાભ આપવાની માંગ કરી આ પ્રકરણનર હાઇકોર્ટમાં લઈ ગયું હતું.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર સતત વધી રહેલા ટ્રાફિકના પગલે આ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન કરવાની કામગીરી પોણા બે વર્ષથી શરૂ છે. રાજકોટ-અમદાવાદ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન કરવાની કામગીરી ત્રણ તબક્કાના ફેઈઝમાં ચાલી રહી છે.અમદાવાદ-બામણબોર-રાજકોટ માર્ગને સિક્સલેન કરવા રૂ. 3488 કરોડથી વધુનો ખર્ચ કરવામા આવ્યો છે. આ હાઇવે રસ્તો કુલ 201 કિ.મી. જેટલો લાંબો છે. જેમાં બગોદરા, લીંબડી, સાયલા, બામણબોર સહિતના શહેરોને સાંકળવામાં આવ્યા છે. આ હાઇવેનું કામ વહેલાસર પૂર્ણ કરવા તંત્ર કમર કસી રહ્યું છે.
આ માટે 8 ખાતેદારોની જમીનનું ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા કલેકટર તંત્રની મદદથી સંપાદન કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં આ આઠેય ખાતેદારોના એવોર્ડ પણ મંજુર કરવામાં આવ્યા હતા. પણ ખાતેદારોએ વળતર સ્વિકારવાની મનાઈ ફરમાવી દીધી હતી. ખાતેદારોએ એવી માંગણી કરી હતી કે તેઓને રૂડાની 60/40 સ્કીમ હેઠળ અન્ય જગ્યાએ જમીન આપવામાં આવે. જો કે આ માંગણી થયે સંપાદનની સમય મર્યાદા પૂર્ણ થતી હોય તંત્ર દ્વારા વળતરની રકમ નિયમ મુજબ મામલદારના ખાસ ખાતામાં જમા કરી દીધી હતી. બાદમાં ખાતેદારોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જો કે તેમાં પણ ખાતેદારોને નિરાશા મળી હતી. હાલ સિક્સ લેનના કામને વેગ આપવામાં આવી રહ્યો હોય કલેકટર તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને આગામી બુધવારના રોજ આ જમીનનો કબ્જો લેવામાં આવશે. બાદમાં જમીનનો કબ્જો નેશનલ હાઇવે ઓથોરિટીને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ખાતેદારોની જે જમીન છે તે જગ્યાએ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલનાકાનું નિર્માણ કરવવામાં આવનાર છે. આવતીકાલે આ જમીનનો કબ્જો લેવામાં આવશે. જે સંદર્ભે આજરોજ આસામીઓ તથા અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાનાર છે.