લોકસભાની ચુંટણીનો તખ્તો હજુ પૂર્ણપણે રચાયો નથી. છતાં એને લગતી તૈયારીઓ ઘોડાપુરના વેગ ધસમસતી આગળ વધી રહી છે. થોડા વખત પહેલા સમસ્ત મહાજનના મુખપત્ર ‘જાગતા રે જો’માં એવી લાલબત્તી ધરવામાં આવી હતી કે આપણા દેશમાં મુગ્ધકન્યાઓ માટેની કોલેજની ભૂમિ એકદમ લપસણી થતી ગઇ છે, અને તે આપણા દેશની સંસ્કૃતિની સામે ચેલેન્જ સમી બની છે !બીજી, એક આવી જ ગંભીર ચેલેન્જ એ છે કે, આપણા દેશની લોકશાહી નેતાગીરીના શંભુમેળામાં સતત ગૂંચવાતી રહી છે અને તેને બૂરી બીતે બંદીવાન બનાવવા ‘તાનાશાહી’ ગુપ્તરીતે પેંતરા રચી રહી છે!
આપણા શાસકો પૈકી કેટલાકમાં તો તાનાશાહી આપખુદી કેટલાક વખતથી ડોકિયાં કરે જ છે, અને પ્રજાને ભરમાવવા આંકાશ-પાતાળ એક કરી રહ્યા હોવાનો ખ્યાલ ઉપસાવે છે.અહીં ચિંતાજનક બાબત તો એ છ કે, લોકસભાની ચુંટણી પછી “દ્રોપદીના વસ્ત્રાવરણ નવી સંસદની હાલત થવાનો ખતરો ઝળુંબતો થયો છે..
અહીં બીજી એક વાસ્તવિકતા એ છે કે, મતિભ્રષ્ટતા- ભ્રષ્ટાચાર સામેનું યુઘ્ધ આપણા રાજપુ‚ષો અને શબ્દ ભંભોટિયા રાજકર્તાઓ શરમજનક રીતે હારી ગયા છે. સાંસ્કૃતિક અસલામતિ સામેનું અર્થાત ભારતીયને સંસ્કૃતિ- સંસ્કાર તેમજ સભ્યતા પરના વિદેશી આકમણ સામે ઘણે પરાજિત થઇ ચૂકયા છીએ.
ઓછામાં પુરૂ તેઓ દેશની આર્થિક સ્વતંત્રતાને ટકાવવાની રાજકીય સ્વાતંત્ર્યને સલામતિ બક્ષવાની અને સામાજીક ક્ષેત્રે ભારતીયતાનું જીવંત રાખવાની તાકાત પેદા કરવામાં સફળ થયા નથી !કોઇપણ રાષ્ટ્રની સંસ્કૃતિ એનો પ્રાણ ગણાય છે -કોઇપણ રાષ્ટ્રનું શિક્ષણ ક્ષેત્ર તેના વિપરિત પરિબળો સામે બાથ ભીડવાની અમોધ શકિત પેદા કરી આપવાનું અપ્રતિમ સાધન મનાય છે.કોઇપણ દેશની ખરેખરી તેજસ્વિતા એનું રાષ્ટ્રીય ચારિત્ર્ય હોય છે… આ બધી જ બાબતોમાં આપણા દેશની કમજોરી ખુલ્લી થયા વગર રહી નથી!…
આજે સમાજમાં પરિવર્તનની હવા ફૂંકાઇ છે અને તેની ઝડપ વધી રહી છે. કહે છે કે અગાઉ કરતાં અત્યારે બમણી – ત્રણ ગણી થઇ ગઇ છે! અત્યારે પંદર વર્ષ ની મોટી બહેનના વિચારો વચ્ચે એટલું બધું અંતર હોય છે કે મોટી બહેન જૂની પેઢીની ગણાય છે. પરિવર્તનની આ ઝડપ આપણા સમાજને કયાં લઇ જશે એ મોટી ચિંતાનો વિષય છે. એમ કહ્યા વિના છૂટકો નથી.
ભૂતકાળમાં આ દેશના તમામ યુવાનનો આદર્શ શ્રીરામ જેવા મહાપુ‚ષ હતા અને પ્રત્યેક સ્ત્રી સીતા જેવી મહાસતી બનવાના ખ્વાબ જોતી આજના યુવાનો ટોચના ફિલ્મ અભિનેતા જેવા બનવા માગે છે. અને યુવતિઓને ટોચની અભિનેત્રી જેવી બનવું છે. ફિલ્મો અને ટીવી સીરીયલોની તેમના વિચારો વતણુંક ઉપર એટલી બધી ધેરી અસર પ્રવર્તે છે કે રુપેરી પડદા ઉપર તેઓ જે કાંઇ જૂએ તેને ‘રિયલ લાઇફ’ માં ભજવવામાં તેમને કોઇ છોછ નડતો નથી.
આ ખતરનાક પરિવર્તનની સૌથી વધુ અસર સેકસ, મૈત્રી, લગ્ન, છૂટાછેડા, વગેરે બાબતોમાં જોવા મળે છે. એર, કુટુંબના વડિલો પણ તેમના સામાજીક સર્કલમાંના યુવક યુવતિ સાથેના વાર્તાલાપમાં ‘બોય ફ્રેન્ડ’ અને ‘ગર્લ ફ્રેન્ડ’ ની વાતો થવા લાગી છે. આમાં છેલ્લામાં છેલ્લી ફેશન તો દરરોજ ‘પાર્ટનર બદલવા સુધી’ અને ‘એક થી વધુ પાર્ટનર સુધી’ પહોંચી છે! ગર્લફ્રેન્ડસ અને બોય ફ્રેન્ડસની હળવા મળવા અંગેની, ઉઘાડે છોગે પ્રેમપોચી હરકતો અંગેની પ્રેમભીની આદાન પ્રદાન અંગેની મજામ મસ્તી અંગેની નજદીકી અને સ્પર્શાસ્પર્શ – આલિંગન – કિસ તથા પ્રેમભીની બેઠક ઉઠક અંગેની જાણકારીઓનું ફલક ઠીક ઠીક મોટું અને રોમાંચક છે.
પ્રેમમાં પડવું અને પરણી જવું, એ કોલેજ-લાઇફમાં હવે જૂની ફેશન લેેખાવા લાગી છે.આજની પેઢી એમટીવી અને મ્યુઝિક ચેનલોની ઘેરી અસર હેઠળ પોતાની જિંન્દગીજીવી રહી છે. દરરોજ વસ્ત્રોની જેમ જીવનસાથી બદલતી ફિલ્મી હિરોઇનો તેના જીવનનો આદર્શ બની ગઇ છે.
જે માબાપો એવું ઇચ્છતા હોય કે કોલેજમાં ગયા પછી પણ પોતાની વહાલી દીકરી પરિવારની ખાનદાની અને સંસ્કાર ટકાવી રાખે, તેમના માટે ભારોભાર જોખમ છે આવી યુવતિની મમ્મીઓ કદાચ મંદિરે જઇ પ્રભુપુજા કરતી હશે કે સાધુ સંતોના વ્યાખ્યાન સાંભળવા જતી હશે ત્યારે તેમની જાણ બહાર તેમની દીકરીઓ ડિસ્કો કલબના પગથિયાં ચઢતી હશે ! કોલેજ જતી પોતાની પુત્રીઓ બાબતમાં આજકાલના માબાપોએ જરાપણ ગફલતમાં રહેવા જેવું નથી. આજથી સ્ત્રી સ્વતંત્ર થઇ છે.
આધુનિક થઇ છે અને પોતાના નિર્ણયો જાતે લઇ શકે એ સારી વાત છે. તો પણ મુગ્ધાવસ્થાના ભોળપણને કારણે તે ચાલાક પુરૂષોના છટકામાં બહુ ઝડપથી સપડાઇ જાય છે. એ પણ સાચી જ વાત છે. તે સાચો પ્રેમ મેળવવા સંબંધોમાં આગળ વધતી હોય છે પણ પુરૂષને તો તેનું શારિરીક શોષણ કરવામાં જ રસ હોય છે એ સમજાય ત્યાર બહુ મોડું થઇ ગયું હોય છે.
આવું જ બને એ માટે પોતાની ક્ધયાને કોલેજ મોકલતાં પહેલા ત્થા કોલેજકાળ દરમ્યાન સાવધાન અને સંતર્ક રહેવું જ જોઇએ એ એમની જવાબદારી પણ હોય છે. મુગ્ધાવસ્થામાં જ ક્ધયાનું વધુમાં વધુ ઘ્યાન રાખવું જરુરી બને છે.કોલેજની ભૂમિ અજબ જેવી લપસણી થતી ગઇ છે અને તે ભારતીય સંસ્કૃતિની સામે ચેલેન્જ રુપ છે!….આ ચેલેન્જ જેવી તેવી નથી.
ભારતીય સંસ્કૃતિનો સારીપેઠે હાસ થઇ ચૂકયો છે કાયદો – વ્યવસ્થા ખાડે ગયા છે. રેપ, ગેંગ રેપ, ગુંડાગીરી, લૂંટ, છેતરપીંડી વગેરે બનાવો રોજીંદા બનીગયા છે. ટ્રાફીકને લગતા કાયદા લાંચ‚શ્વતી રાજકીય લાગવગ બેપરવાહી હેવાનિયત બેઇમાની અને મતિભ્રષ્ટતા વચ્ચે નપુંસક છે. દેશની લોકશાહી નેતાગીરીમાં ગૂંચવાઇ ગૂંચવાઇને લૂલીલંગડી બની છે અને એને બંદીવાન બનાવવા તાનાશાહો માથું ઉંચકી રહ્યા છે!
લોકસભાની ચુંટણી પછી દ્રૌપદીના વસ્ત્રાહરણ સમી નવી સંસદની હાલત બને એવો ખતરો દેશની શહેનશાહતના શિરે ઝળુંબી રહ્યો છે. વિદ્યાલયો, ધર્માલયો, સંસ્કૃતિ ધામો અને સમર્થ સાધુ સંતો પ્રતિ આખો દેશની મીટ છે. કોલેજ- યુનિવર્સિટીની લપસણી બનેલી ભૂમિ સાચા અર્થમા લપસણી મટીને ‘તપોભૂમિ’બને એ માટે સંસ્કૃતિ, સંસ્કાર અને શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવું પડશે. અને નવયુગ ની ઝાલર રણઝણાવવી પડશે..