લાખોટા તળાવના પ્રથમ ભાગમાં ૧૬.૫ ફૂટ પાણીની આવક થવાથી દોઢ વર્ષ સુધી ચાલી શકે તેટલો જથ્થો સંગ્રહ : રણમલ તળાવ ના પાછલા બંને ભાગ પણ સંપૂર્ણ ભરાયા
જામનગર ની શાન સમાં લાખેણાં લાખોટા તળાવમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે નવા નીર આવ્યા છે, અને લાખોટા તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. પ્રથમ ભાગમાં સાડા સોળ ફૂટ ની હાઈટ પ્રમાણે પાણીનો જથ્થો સંગ્રહ થઈ ગયો હોવાથી વચ્ચેના મ્યુઝિયમ નીચેના તમામ નાળાઓ ડૂબી ગયા છે. અને અંદાજે દોઢ વર્ષ સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો તળાવ ના પ્રથમ હિસ્સામાં સંગ્રહ થઈ ગયો છે.
ત્યારબાદ ચબૂતરા પાસેની કેનાલ થી જોડવામાં આવેલા રણમલ તળાવના પાછળના ભાગમાં પણ વિપુલ પ્રમાણમાં પાણી આવી ગયું છે, અને તળાવનો દેરાણી જેઠાણી સહિતનો ભાગ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે, અને એસટી પાસેના તળાવના ભાગમાં પાણી પહોંચ્યું છે.
ઉપરાંત તાજેતરમાં પડેલા વરસાદના કારણે એસ.ટી. ડીવીઝન પાસેના તળાવના ત્રીજા ભાગમાં પણ વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હોવાથી તે હિસ્સો પણ છલકાયો છે, અને ખોડીયાર કોલોની તરફ જતી કેનાલ કે જેને ખોલીને પાણી છોડવાનો વારો આવ્યો હતો.
જોકે હાલ વરસાદ રોકાયો હોવાથી આઉટગેટ બંધ કરીને પાણી ને રોકવામાં આવ્યું છે.
હજુ વધુ વરસાદ પડે અને તળાવમાં પાણીની આવક થાય તો ખોડીયાર કોલોની તરફની કેનાલ ના પાટિયા ખોલીને તળાવમાંથી પાણી છોડવામાં આવશે. પરંતુ હાલમાં મોસમના પ્રથમ વરસાદના ત્રણ રાઉન્ડમાંજ જામનગર શહેરના લાખોટા અને રણમલ તળાવના ત્રણેય હિસ્સાઓ ભરાઈ ગયા હોવાથી નગરજનો પ્રફુલિત થયા છે.