કોમ્યુનિટી હોલમાં ધમધમતા ટયુશન કલાસીસમાં પણ ફાયર બ્રિગેડના સાધનોની સુવિધા નહીં: વોર્ડ નં.૧૩માં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની જનતારેડમાં પર્દાફાશ.
સુરતમાં ગઈકાલે એક કોમ્યુનિટી હોલમાં લાગેલી ભીષણ આગમાં એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝયા છે. રાજકોટમાં કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલમાં ધમધમતા ટયુશન કલાસ અને કોર્પોરેશનની શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અંગે આજે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે વોર્ડ નં.૧૩માં અલગ-અલગ વિસ્તારોમાં જનતાને સાથે રાખી રેડ કરી હતી જેમાં કોર્પોરેશનની હાઈસ્કુલમાં જ ફાયર બ્રિગેડના સાધનોનો અભાવ હોવાની ઘોર બેદરકારી સામે આવી હતી.
કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આજે શહેરના વોર્ડ નં.૧૩માં વસંતરાવ ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલ, ગુરુપ્રસાદ ચોક અને સ્વામિનારાયણ ચોકમાં ગેરકાયદે ચાલતા ટયુશન કલાસીસમાં ફાયર બ્રિગેડના સાધનોના ચેકિંગ માટે વાલીઓને સાથે રાખી જનતા રેડ પાડી હતી જેમાં એક પણ સ્થળે ફાયર બ્રિગેડના સાધનો ઉપલબ્ધ ન હોવાનું માલુમ પડયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાર માસ પૂર્વે કોંગી કોર્પોરેટરે મહાપાલિકાના કોમ્યુનિટી હોલમાં ફાયર બ્રિગેડના સાધનો મુકવા માટે લેખિતમાં રજુઆત કરી હતી છતાં આજસુધી એક પણ સ્થળે ફાયર બ્રિગેડના સાધનો મુકવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યુ છે. આટલું જ નહીં મહાપાલિકા સંચાલિત સરોજીની નાયડુ ૬૯ નંબરની સ્કુલમાં પણ ફાયર બ્રિગેડના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.
સુરત જેવી દુર્ઘટના રાજકોટમાં સર્જાય અને કોઈ માસુમ બાળક કે વ્યકિત પોતાનો જીવ ગુમાવે તે પહેલા જ ફાયર સેફટીના નિયમો કડક બનાવી આ નિયમનું પાલન ન કરનાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કરી છે.