સોમવારે વર્લ્ડ સ્ટ્રોક ડે…દર ચાર સેક્ધડે એકને સ્ટ્રોક
પક્ષઘાત કે સ્ટ્રોક આવતા ૧ મિનિટમાં
૨૦ લાખ કોષ નાશ પામે છે: બેઠાડુ જીવન અને લાઈફસ્ટાઈલ સ્ટ્રોકને આમંત્રણ આપે છે
આપણી લાઈફ સ્ટાઈલ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. ૨૯ ઓકટોબર વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિતે વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા એક અવેરનેસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષઘાત કે સ્ટ્રોક વિશે જાગૃતિના અભાવને કારણે સારવારમાં વિલંબ થાય છે અને શરીર લકવાગ્રસ્ત બની જાય છે જે રીતે હાર્ટ એટેક અને આપણી રોજિંદી લાઈફ સ્ટાઈલને અસર કરે છે તેવી રીતે જ સ્ટ્રોક પણ આપણી લાઈફ સ્ટાઈલને લીધે જ આવે છે. બેઠાડુ જીવન, ફેટ યુકત આહાર, વેસ્ટર્ન ખોરાક, કોલ્ડ્રીંકસ, તેલ ઘીવાળો ખોરાક, બ્લડપ્રેશર, ડાયાબીટીસ જેવા રોગ સ્ટ્રોકને આમંત્રણ આપે છે. જેની આપણને ખબર પણ નથી ન્યુરોલોજીની ભાષામાં ટાઈમ ઈઝ બ્રેઈન કરવામાં આવે છે.
વોકહાર્ટ હોસ્પિટલના ન્યુરો ફીઝીશ્યન ડો.જીગર પારેખ તથા ઈન્ટરવેન્સનલ રેડિયોલોજીસ્ટ ડો.વિકાસ જૈને વર્લ્ડ સ્ટ્રોક ડેના સંદર્ભમાં માહિતી આપતા જણાવેલ હતું કે, વૈશ્ર્વિક સ્તરે વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન દ્વારા ૨૯ ઓકટોબરને ૨૦૦૬ થી વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે વર્લ્ડ સ્ટ્રોક ડે ને બ્રેઈન સ્ટ્રોક વિશેની લોકોમાં સમજણ વધે અને તેના લક્ષણો જાણી ત્વરીત સારવાર મળે તે માટે ઉજવવામાં આવે છે. બ્રેઈન સ્ટ્રોક એટલે કે પક્ષઘાત દરમ્યાન પ્રત્યેક સેક્ધડે મગજના ૩૨ હજાર કોષો નાશ પામે છે. જો ત્વરીત સારવાર ન મળે તો દર્દીનું જીવન જોખમમાં મુકાય છે. જોકે ૨૦૧૦થી પક્ષઘાતને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરેલ છે છતાં પણ અજ્ઞાનતાને કારણે ઘણા બધા પક્ષઘાતના દર્દીઓ સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચતા નથી. જેમ કે એક અભ્યાસમાં કેરળ દેશનું સૌથી વધુ શિક્ષિત રાજય હોવા છતાં એવું જાણવામાં આવ્યું છે કે, ૮૪% વસ્તી પક્ષઘાતથી પરિચિત નથી અને તેના લક્ષણોની પણ માહિતી નથી. જાગૃતિનો એવો અભાવ પક્ષઘાતની સારવારમાં થતા વિલંબમાં મહત્વનું યોગદાન આપે છે.
ડો.પારેખ તથા ડો.જૈને માહિતી આપતા જણાવેલ હતું કે, ભારતમાં દર વર્ષે આશરે દર ૧ લાખે ૧૫૦ને પક્ષઘાત થાય છે. વિશ્ર્વમાં દર બે સેક્ધડે એક વ્યકિતને પક્ષઘાત થાય છે. જેમાંથી ૩૦% લોકો ૧ થી ૪ અઠવાડીયામાં મૃત્યુ પામે છે. વિશ્ર્વભરમાં લગભગ ૮૦ મિલિયન સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ છે જેમાંથી ૫૦ મિલિયનથી વધુ લોકો કાયમી અપંગતા સાથે જીવે છે. ઘણા લોકો માટે સ્ટ્રોક પછી જીવન પહેલા જેવું રહેતુ નથી પરંતુ યોગ્ય સંભાળ અને સારવાર સાથે અર્થપૂણૃ જીવન જીવવુ હજુ પણ શકય બન્યું છે. આમ પક્ષઘાતથી બચી ગયેલા લાખો દર્દીઓ બતાવે છે કે સ્ટ્રોક પછી પણ હિંમતથી જીવવુ શકય બન્યું છે.
સ્ટ્રોક (લકવો, પક્ષઘાત, પેરાલીસીસ) એટલે શું ? તેના વિશે વધુ માહિતી આપતા ડો.પારેખ તથા ડો.જૈને જણાવેલ હતું કે, પક્ષઘાત એ મગજનો અતિ ગંભીર રોગ છે જેના મુખ્યત્વે બે પ્રકાર છે. ૮૦% સ્ટ્રોક ઈસ્કેમીક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે અને તરત જ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના ૨૦%માં હેમરેજિક સ્ટ્રોક હોય છે જેમાં મગજમાં લોહીની નળી તુટવાથી કે હેમરેજ થવાથી થાય છે. પક્ષઘાતના લક્ષણો વિશે માહિતી આપતા ડો.પારેખે કહ્યું કે, પક્ષઘાત એક મેડિકલ કટોકટી છે જેના લક્ષણોમાં મુખ્યત્વે ચહેરો સહેજ ત્રાંસો થવો, એકબાજુનો હાથ ઉપાડવામાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ થવી અને ચાલવામાં તકલીફ થવી, બોલવામાં તકલીફ પડવી જેમ કે જીભ જાડી થાય, અસ્પષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સ ન રહેવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી વિગેરેનો સમાવેશ થાય છે. આમાંથી કોઈપણ લક્ષણ અચાનક થાય તો તરત જ ૧૦૮ બોલાવીને નજીકની હોસ્પિટલ કે જયાં સીટીસ્કેનની સગવડ હોય અને પક્ષઘાતની ઝડપી સારવાર થતી હોય ત્યાં દર્દીને લઈ જવું જોઈએ.
ઝડપી સારવારની કેમ જરૂર હોય છે તેના વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓમાં ઈસ્કેમીક સ્ટ્રોક થતલ હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળી બંધ થઈ જાય છે. આ પ્રકારના લકવાની સારવાર આરટીપીએ અથવા ટેનેસ્ટેપ્લેસ નામના ઈન્જેકશનને ત્વરીત આપવાથી થઈ શકે છે, આ દવાથી લોહીનો ગઠ્ઠો ઓગળી જવાથી મોટાભાગના દર્દીઓમાં આંશિક અથવા પૂર્ણ રાહત થઈ શકે છે પણ આ દવા તો જ અસર કરે છે જો તેને સાડા ચાર કલાકમાં આપવામાં આવે એટલે જ પ્રથમ ૪.૫ કલાકે ગોલ્ડન પિરિઅડ કહે છે. પરંતુ આવુ ભાગ્યે જ બને છે કે દર્દી સમયસર ગોલ્ડન પિરિઅડમાં હોસ્પિટલ પહોંચે. અમુક દર્દીમાં મગજની મોટી રગ બંધ હોય તો તેમાં ઈન્જેકશન દ્વારા કલોટ (લોહીનો ગઠો) ઓગાળી શકાતો નથી. આ પ્રકારના કેસમાં મગજની એન્જીયોગ્રાફી કરી સ્ટેન્ટ દ્વારા કલોટને મગજમાંથી બહાર કાઢી લેવામાં આવે છે જેથી રકત પ્રવાહ ફરીથી શરૂ થઈ જાય છે. આ પ્રક્રિયાને મિકેનીકલ થ્રોમબેકટોમી કહેવાય છે.
પક્ષઘાતને અટકાવવા માટેની માહિતી આપતા ડો.પારેખ અને ડો.જૈને જણાવેલ હતું કે, પક્ષઘાતને થતો રોકવો એ જ એની શ્રેષ્ઠ સારવાર છે. પક્ષઘાતને રોકવા માટે નિયમિત કસરત કરો અને કાર્યશીલ રહો, પક્ષઘાત થવાના જોખમી પરીબળો જેવા કે હાયપર ટેન્શન, ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ વિગેરેને કાબુમાં રાખો, તમારી ખાણીપીણીનું ધ્યાન રાખો અને મેદસ્વીતા ટાળો, તમાકુના સેવનથી દુર રહો, દારૂનું સેવન ટાળો, પક્ષઘાતના પ્રારંભિક લક્ષણો વિશે સમજણ કેળવો અને સમાજમાં જાગૃતતા વધારો જેથી કોઈને પણ પક્ષઘાતના લક્ષણ જણાય તો ત્વરીત ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરી શકાય.
સ્ટ્રોકનો ભોગ બનેલા કિશોર જેઠવાએ આ અંગે જણાવ્યું કે, મને એપ્રિલમાં સ્ટ્રોક આવ્યો હતો અને હું એક કલાકની અંદર જ વોકહાર્ટ હોસ્પિટલ પહોંચી ગયો હતો. મારી સાઈડ અને બોલવાની શકિત જતી રહી હતી પરંતુ અવેરનેસના કારણે અને તાત્કાલિક સારવારથી મને સો ટકા ફેર પડી ગયો હાલ હું સ્ટ્રોક અવેરનેસનું કામ કરી સુયોઈડ અને લોકોને જાગૃત કરી રહ્યો છું.
અંતમાં સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ અને તેમની સાર સંભાળ રાખનાર વ્યકિતઓ માટે એટલુ કહેવાનું કે તમે એકલા નથી. વિશ્ર્વભરમાં ૯૦ મિલિયન લોકો લકવાગ્રસ્ત છે અને પક્ષઘાતની અસરથી બચી ગયા છે. સ્ટ્રોક અંગે જાગૃતિએ જ તેનાથી બચવાનો ઈલાજ છે. પત્રકાર પરીષદમાં હોસ્પિટલના માર્કેટીંગ મેનેજર કમલેશભાઈ કટારીયા તથા ક્ધસલ્ટન્ટ મીડિયા એન્ડ પી.આર.મનહરભાઈ મજીઠીયા ઉપસ્થિત રહ્યા હતા.