લોઢડા ગામનો પરિવાર બે બાઇક પર માતાજીના દર્શનાર્થે જતા અકસ્માત સર્જાયો
શહેરમાં કુવાડવા રોડ નજીક ટ્રક ચાલકે બાઇક પર જતાં લોઢડા ગામના બે સગા ભાઇઓને ઠોકરે લેતા માતા-પિતાની નજર સામે બન્ને ભાઇઓના મોત નિપજતા ખળભળાટ મચી જવા પામી છે. લોઢવા ગામનો પરિવાર માતાજી દર્શને જતા હતા ત્યારે કુવાડવા રોડ નજીક અકસ્માતમાં પરિવારનો માળો વિખાઇ ગયો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નજીક લોઢડા ગામે રહેતા મનસુખભાઇ સંઘાણી મંજુરી કામ કરે છે તેને સંતાનમાં બે પુત્રો છે પરિવાર બે બાઇક પર આઠમના નિવેદ નીમીતે માતાજીના દર્શનાર્થે વાંકાનેર નજીક ઠીકરીવાળા જવા નીકળ્યા ત્યારે કુવાડવા રોડ નજીક ટ્રક ચાલકે ઠોકરે લેતા બન્ને ભાઇઓના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા.
નવરાત્રી આઠમના નિવેદન નીમીતે લોઢવા ગામનો પરિવાર એક બાઇક પર મનસુખભાઇ અને પત્નિ રંજાબેન સાથે બીજા બાઇક પર વિશાલ મનસુખભાઇ સંધાણી (ઉ.વ.૧૭) અને નાનો પુત્ર હાર્દિક મનસુખભાઇ સંધાણી (ઉ.વ.૧પ) સવાર થઇ નીકળ્યા હતા.
ત્યારે કુવાડવા રોડ પર બેટી ગામના પુલ નજીક પહોચતા પાછળથી પુરપાટ વેગે ધસી આવેલા રાજસ્થાન પાસીંગના ટોરસ ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા બંને ભાઇઓ બાઇક પરથી ફંગોળાઇ રોડ પર પટકાતા ટ્રકનો જોટો બંને ભાઇઓ પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયા હતા.
માતા-પિતા ની નજરે બંને ભાઇઓ પર ટ્રક કાળ બનીને ત્રાટકતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. અકસ્માતના પગલે ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો. પોલીસે બન્ને મૃતદેહ પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલકની શોધખોળ શરુ કરી છે.