• ક્ષત્રિયોએ અસ્મિતા માટે માથા ઝુકાવ્યા નથી માથા મૂક્યાં છે: તૃપ્તીબા રાઓલ
  • કોઇએ ભરમાવું નહીં અમારી લડાઇ કોઇ સમાજ સાથેની નથી: રમજુભા જાડેજા
  • માફા-માફીનો કોઇ જ અવકાશ નથી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્ કરવામાં આવે  ક્ષત્રિય સમાજની એકમાત્ર માંગણી: તમામ બેઠકો પરથી 400 ઉમેદવારો મેદાનમાં ઉતારવાની વ્યૂહરચના

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા રાજા-રજવાડા અંગે કરવામાં આવેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્રણ-ત્રણ વખત માફી માંગવા છતાં વિવાદ શાંત થવાને બદલે સતત સળગી રહ્યો છે. હવે આર-પારની લડાઇ માટે ક્ષત્રિય સમાજે તલવારો ખેંચી લીધી છે. હવે યુદ્વ એ જ કલ્યાણના બુલંદ નાદ સાથે રણનીતી આગળ વધારવામાં આવશે.

આજે રજપુત પરા સ્થિત ગરાસીયા બોર્ડીંગ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં ઓપરેશન રૂપાલાને વધુ વેગવંતુ બનાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે હવે માફા-માફીનો કોઇ જ અવકાશ રહ્યો નથી. ભાજપ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી અસ્મિતાને ખૂબ જ મોટી ઠેંસ પહોંચી છે. અસ્મિતા પર હવે વાત આવી ગઇ છે. ગુજરાત ક્ષત્રિય સમિતિના સભ્ય તૃપ્તીબા રાઓલે જણાવ્યું હતું કે ક્ષત્રિયો ક્યારેય અંગ્રેજો કે મુગલો સામે માથા ઝુકાવ્યા નથી. અસ્મિતા બચાવવા માટે માથા મૂક્યા છે. બે સમાજ સામ-સામા મૂકાઇ જશે. તેવા પ્રશ્ર્નના જવાબમાં રમજુબા જાડેજાએ જણાવ્યું હતું કે કોઇપણ સમાજે ભરમાવવું નહીં અમારી લડાઇ કોઇ સમાજ સામે નથી. આ મામલે અમે પાટીદાર સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી લીધી છે. હવે લડાઇ આર-પારના તબક્કે પહોંચી ગઇ છે.

આજે ક્ષત્રિય સમાજની બેઠકમાં આગેવાનો દ્વારા એવો હુંકાર કરવામાં આવ્યો હતો કે હાલ ઓપરેશન રૂપાલા પાર્ટ-1 ચાલી રહ્યું છે. પાર્ટ-2 પણ તૈયાર છે. તેની કોઇપણ ઘડીએ અમલવારી કરી દેવામાં આવશે. હવે ધર્મ અને અસ્મિતા માટે યુદ્વ થઇ રહ્યું હોય તેવો માહોલ રચાઇ ગયો છે. ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા લોકસભાની એક-એક બેઠક પર 400થી વધુ ઉમેદવારો ઉભા રાખવાની વ્યૂહરચના પણ ઘડી કાઢવામાં આવી છે. લડાઇમાં સતત લીગલ ટીમનો પણ અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. આવતીકાલે ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન મળશે. જેમાં 25,000થી વધુ ક્ષત્રિયો ઉમટી પડશે. દરમિયાન આગામી દિવસોમાં રાજકોટ ખાતે પણ ગુપ્ત સંમેલન બોલાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગ સાથે આશાપુરા મંદિર ખાતે ઉપવાસ આંદોલન પર બેઠેલા પદ્મનીબા વાળા આજની બેઠકમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જો કે, તેઓ 30 મિનિટમાં જ નીકળી ગયા હતા. કોઇ નિવેદન આપવાનું પણ ટાળ્યું હતું. ક્ષત્રિય સમાજની બેઠકમાં પી.ટી.જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ક્ષત્રિયાણીઓને જૌહર નહીં કરવું પડે ભાઇઓ હજુ જીવે છે: મહિપાલસિંહ

શ્રી રાજપૂત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષની અમદાવાદમાં અટકાયત

Screenshot 1 1 4

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા રાજા-મહારાજા વિશે કરેલી ટીપ્પણીને પગલે ક્ષત્રિય સમાજમાં ફાટી નિકળેલા રોષને પગલે રાજ્યભરમાં ઠેર-ઠેર સંમેલનો અને આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે. છતા રૂપાલાને બદલવા ન આવતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. જેને પગલે શ્રી રાજપૂત કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા (રાજસ્થાન) આજે રાજકોટ ખાતે રેલીમાં ભાગ લેવા આવી રહ્યા છે. રાજકોટ આવતા પૂર્વ મહિપાલસિંહ મકરાણા જૌહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિયાણીની અમદાવાદ ખાતે મુલાકાતે જઇ રહ્યા હતા.

ત્યારે પોલીસે મહિપાલસિંહ મકરાણા અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા સહિત બંનેની પોલીસે અટકાયત કરી બંને શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવી રહ્યા છે.

પોલીસે કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તકે મહિપાલસિંહ મકરાણાએ જૌહર ન કરવા માટે બહેનોને સમજાવવામાં આવશે. હજુ તમારા ભાઇઓ જીવે અને ક્ષત્રિયોની જીત થશે. તેવી આશા વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.