ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે છેલ્લા રપ દિવસથી ચાલુ કરવામાં આવેલ કોવિડ સેન્ટર શોભાના ગાઠીયા સમાન સાબિત થઇ રહ્યું છે. આ કોવિડ સેન્ટરમાં હજુ સુધી એક પણ દર્દીને ઓકિસજન, દવા, ડોકટર ન હોવાથી સારવાર મળી નથી. પ્રાપ્ત વિગતો મુજબ સરકાર દ્વારા રપ દિવસ પહેલા આરોગ્ય વિભાગ અને રેન્વન્યુ અધિકારીઓની હાજરીમાં મોટી પાનેલી ગામે પંચાયત અને સ્કુલના બિલ્ડીંગમાં કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવેલ હતું. મોટા ઉપાડે કોવિડ સેન્ટર ખુલી તો ગયું પણ ખાટલે મોટી ખોટ એ હતી કે આ કોવિડ સેન્ટરમાં ડોકટર, મેડીકલ સ્ટાફ દવા કે ઓકિસજન હજુ સુધી મળેલ ન હોવાથી આ કોવિડ સેન્ટરમાં હજુ સુધી એક પણ દર્દીને સારવાર મળી શકતી નથી ગામમાં છેલ્લા એક માસમાં પ0 કરતાં વધુ લોકોના મોત ગયા છે. તેમાં મોટા ભાગના દર્દીઓને ઓકિસજન નહિ મળવાને કારણે મોતને ભેટવું પડયું છે. આરોગ્ય વિભાગ વાતોના વડા અને મીટીંગોના દોર ચાલુ રાખીને આખરે પ્રજાને પીડાવાનો વારો આવે છે.
પાનેલી ગામમાં અગાઉ દિવસો સુધી એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા ન હતા. જયારે આરટીપીસીઆર ટેસ્ટમાં મોટાભાગના રિપોર્ટ નેગેટીવ આવતા હતા. આ મુદ્દે જીલ્લા પંચાયતના રાજય મીરાબેન ભાલોડિયાએ આક્ષેપો પણ કર્યા હતા. એન્ટિજન ટેસ્ટોની થવાને કારણે પટેલ પરિવાર અને મુસ્લિમ પરિવારે ઘરના ત્રણ ત્રણ સભ્યો ગુમાવાનો વારો આવ્યો છતાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. હજુ ગામમાં 100 કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ સેન્ટરમાં કોઇ સુવિધા ન આપતા આજના દિવસે પણ કોવિડ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન સાબિત થયું છે.
ગામના અગ્રણી જતિન ભાલોડીયાનો આક્રોશ
આ અંગે મોટા પાનેલી ગામના અગ્રણી જતીન ભાલોડીયાએ આક્રોશ સાથે જણાવેલ કે અમાર ગામમાં સરકારી અધિકારીઓ મીટીંગ કરી કોવિડ સેન્ટર ખોલવા માટે પંચાયતનું બિલ્ડીંગ અને સ્કુલના બીલ્ડીંગમાં માત્ર બેડ મુકીને ખુલ્લુ મુકીને ગયા તે ગયા પાછા દેખાયા નથી. અનેક વખત આરોગ્ય વિભાગ, રાજકોટ જીલ્લા પંચાયત, સ્થાનીક અધિકારીઓને ઓકસીજન બાટલા, દવા, કાયમી ડોકટરની નિમણુંક માટે રજુઆતો કરેલ. ત્યારે થોડાક દિવસ પહેલા પીએસસીમાં ડોકટરની નિમણુંક કરવામાં આવેલ પણ હજુ સુધી કોવિડ સેન્ટરમાં દવા, પેરામેડીકલ સ્ટાફ, ઓકિસજન બોટલાના અભાવે એક પણ દર્દીઓને સારવાર મળી નથી આરોગ્ય વિભાગની ધોર બેદરકારીને કારણે ગામના પ0 કરતા વધુ લોકોનું સારવારના અભાવે મોત થયાનું જણાવેલ હતું.