૧૩૦ સફાઈ કામદારો દ્વારા કરાતી નોંધપાત્ર સફાઈ કામગીરી
ભારત સરકારના સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં કોડીનાર નગરપાલિકા દ્રારા સાર્થક કરવામાં આવ્યું છે. નગરપાલીકાના શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
કોડીનાર નગરપાલીકાના સમગ્ર ૭ વોર્ડમાં અંદાજીત ૫૧ હજાર જેટલી વસ્તી છે. નગરપાલીકા દ્રારા તા.૧૨ ઓક્ટોબરથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની સાથે દરરોજ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ૨ ટીમની સાથે ૧૩૦ જેટલા સફાઈ કામદારો દ્રારા દરરોજના તમામ વોર્ડમાં સવારે અને સાંજે સફાઈ કરવામાં આવે છે. સુકો કચરો અને ભીનો કચરાનું અલગથી એકત્રિકરણ કરી કોડીનારથી ૫ કિ.મી.દુર કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવી રહ્યો છે. દરરોજ ૧૪ જેટલા ટ્રેકટરોમાં ટનબધ્ધ કચરો એકઠો કરવામાં આવે છે.
નગરપાલીકા દ્રારા આગામી સમયમાં ૫ હજાર જેટલા ડસ્ટબીનનું શહેરી વિસ્તારમાં રહેતા દુકાનદાર, લારી-ગલ્લાવાળા અને કેબિન ધારકોને વિતરણ કરવામાં આવશે. દરરોજ સફાઈ અભિયાન હાથ ધરવાથી છેલ્લા બે માસથી અત્યાર સુધી એક પણ ડેન્ગુનો કેસ સત્તાવારી રીતે થયો નથી. ઉપરાંત ભારત સરકારના વધુ એક સિંગલ યુઝ પ્લાસ્ટીક અભિયાન હાથ ધરી દડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ચીફ ઓફિસર વી.ડી.પુજારા અને સેનેટરી ઈન્સેક્ટર તેમજ સફાઈ કામદારોની ટીમના અવિરત ભગીરથ પ્રયાસોથી આજે ખરા અર્થમાં કોડીનાર નગરપાલીકાએ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું છે.
કોડીનાર નગરપાલિકાના ટીમની સફાઇ અભિયાનની આ કામગીરીની જિલ્લા વહીવટી તંત્રએ પણ નોંધ લીધી છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને સતત ચાલતી આ કામગીરી અંગે અભિનંદન પાઠવ્યા છે. કોડીનારમાં પદાધિકારીઓ તેમજ લોકો દ્વારા પણ આ સફાઈ અભિયાનનને આવકારવામાં આવ્યું છે.