- રિચાર્જ કરાવવા ઉભા રહેલા આંગડીયા કર્મચારીનું 6.90 લાખ રોકડ સાથેનું સ્કૂટર ગઠીયો ઉઠાવી ગયો
- સીસીટીવીમાં કેદ તસ્કરની શોધખોળ કરતી સ્થાનિક પોલીસ
પડધરીમાં આંગણીયા પેઢીમાં નોકરી કરતા યુવક સાથે નજર હટી દુર્ઘટના ઘટી જેવો બનાવ બનવા પામ્યો છે. યુવક સ્કુટરની ડેકીમાં રોકડ રૂ.6.90 લાખ લઈ ગ્રાહકોને આપવા નીકળ્યો હતો. દરમ્યાન રસ્તામાં ફોનનું રીચાર્જ કરવા સ્કુટરમાં ચાવી રાખી ગયો અને પાછળથી બે તસ્કરો સ્કુટર સહિત રૂ.7.15 લાખની મતા લૂંટી રફુચકકર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. જો કે, આ મામલામાં જાણભેદું જ કળા કરી ગયો હોય તેવી શંકા ઉપજી રહી છે.
મૂળ પડધરીના હાલ રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલ ત્રિનીટી ટાવરમાં રહેતા પરાગભાઈ ચંદ્રકાંતભાઈ ચગ ઉ.30 નામના વેપારીએ પડધરી પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ હું ધંધાના કામે મોરબી ગયો હતો ત્યારે મારી આંગણીયા પેઢીમાં કામ કરતા સકીલ દલનો ફોન આવ્યો કે હુ તમારૂ એકટીવા જેના નંબર જી.જે.-03-એફ.પી.-899 ની ડેકીમા રોકડ રકમ રૂ.6.90,000 રાખી ગ્રાહકોને દેવા જતો હતો ત્યારે 2સ્તામાં આવતી રઝવી મોબાઇલ નામની દુકાને મારા મોબાઈલનુ રીચાર્જ કરાવવા માટે ગયેલ હતો અને આ એકટીવા મે રજવી મોબાઇલ નામની દુકાન બહાર પાર્ક કરેલ હતુ અને ચાવી તેમા ભુલથી રહી ગયેલી હતી.
રજવી મોબાઈલવાળા શાકીર તથા સુભહાન મારા મીત્ર હોય જેથી ત્યા વાત કરવા લાગેલ અને હુ આશરે દશથી પંદરેક મીનીટ રોકાયેલ અને ત્યાથી બહાર નીકળતા મે જે જગ્યાએ એકટીવા પ્લેઝર પાર્ક કરેલ ત્યાં મળી આવ્યું ન હતું.
જેથી મેં અને શાકીરે આજુબાજુ શોધવા છતાં પણ સ્કૂટર મળી આવ્યું ન હતું. બાદમાં રજવી મોબાઈલ દુકાનના સીસીટીવી તપાસતા અજાણ્યો શખ્સ એકટીવા લઈને પડધરી મોવૈયા સર્કલ તરફ જતો દેખાયેલ હતો.
આ મામલે પડધરી પોલીસમાં યુવકે ફરિયાદ નોંધાવતા અજાણ્યા તસ્કરની સીસીટીવી સહીતની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. હવે ઘટનામાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લૂંટ કરનાર તસ્કર જાણભેદું જ હોય અને તેને સ્કૂટરમાં રહેલા નાણાં અંગે અગાઉથી જ જાણ હોય તેણે વોચ ગોઠવી આ લૂંટને અંજામ આપી હતી. બીજી બાજુ લૂંટની ઘટના બન્યા બાદ ફરિયાદ નોંધવામાં થયેલો વિલંબ પણ ક્યાંક શંકા ઉપજાવનારી છે.