પરીક્ષા ટાળવાની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી
સુપ્રિમકોર્ટે નીટ પરીક્ષા ટાળવાની અરજીની સુનાવણીનો ઈન્કાર કરી દેતા હવે દેશભરમાં નીટની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે જ યોજાશે.
આ અગાઉ સુપ્રીમકોર્ટે ગુરૂવારે કોરોના વાયરસને લક્ષમાં લઈ સપ્ટેમ્બરમાં યોજાનાર નીટ-જેઈઈની પરીક્ષા સંબંધે ૧૭ ઓગષ્ટના આદેશની સમીક્ષા કરવા માટે થયેલી અરજી કાઢી નાખી હતી. સુપ્રીમકોર્ટે પરીક્ષા યોજવાની મંજૂરી આપી દીધી હતી ત્યારબાદ કોર્ટેને પુન:વિચાર કરવા વિનંતી કરાઈ હતી.
જસ્ટીસ અશોક ભૂષણ બી. આર. ગવઈ અને કૃષ્ણામુરારીની બેંચે જણાવ્યું હતુંકે ચુકાદાની સમીક્ષા અરજી કરવાની છૂટ છે અમે સમીક્ષા અરજી અને તેની સાથે જોડાયેલા કાગળો ધ્યાનપૂર્વક જોઈ ગયા છીએ અમને આ અરજી વજૂદ વગરની લાગે છે અને એને રદ કરીએ છીએ. આ અરજી વિપક્ષ શાસીત પ.બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છતીસગઢ અને ઝારખંડના છ મંત્રીઓએ કરી હતી. અરજકર્તાઓએ નીટ-જેઈઈ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને જીવન જીવવાના અધિકારોને સુરક્ષિત રાખવાનો મુદ્દો રજૂ કર્યો હતો.
૧૭ ઓગષ્ટના અદાલતના ચૂકાદાને પડકારી કરેલી અરજીમાં જણાવ્યું હતું કે પરીક્ષા યોજવા અને પરીક્ષાર્થીઓને સુરક્ષા કાયમ રાખવામાં મહત્વની બાબતો સંતુલિત રાખવામાં નિષ્ફળ રહીશું. પરીક્ષાના આયોજન દરમિયાન જરૂર સુરક્ષા ઉપાયો જાળવવામાં નિષ્ફળ રહીશું.